બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન (જ. 1936, હફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : સાહસખેડુ અને યુવાનેતા. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી. પછી તેઓ 1957માં રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા.
તેમણે લગભગ 40 ઉપરાંત સાહસલક્ષી પ્રવાસો ખેડ્યા. એ ઉપરાંત સાયન્ટિફિક એક્સપ્લૉરેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા ‘બ્રિટિશ-ટ્રાન્સ-અમેરિકાઝ’ (1972) અને ‘ઝેર રિવર’ (1975/84) નામના સાહસપ્રવાસોની આગેવાની પણ સંભાળી. તેમણે ઑપરેશન ડ્રેક (1978–80) તથા ઑપરેશન રૅલે નામની 73 દેશોને આવરી લેતી બે મહત્વની સાહસલક્ષી પરિયોજનાઓની નેતાગીરી પણ દક્ષતાપૂર્વક સંભાળી અને તેમાં 4,000 યુવક-યુવતીઓને જોતરીને સાહસપૂર્ણ, વૈજ્ઞાનિક શોધલક્ષી અને સમુદાયલક્ષી પરિયોજના સાંગોપાંગ પાર પાડી અને સાથોસાથ યુવાશક્તિને રચનાત્મક અને નવતર ઢબની કાર્યશૈલીમાં જોતરી બતાવી.
મહેશ ચોકસી