બ્લૅન્ક વર્સ : અંગ્રેજી પદ્યરચનાનો એક પ્રકાર. આ પદ્યરચનામાં પ્રાસરહિતત્વ છે એથી એ બ્લૅન્ક કહેવાય છે. વ્યાખ્યાથી તો, કોઈ પણ પ્રકારની પ્રાસરહિત પદ્યરચનાને બ્લૅન્ક વર્સ કહી શકાય; પણ છેલ્લાં 450 જેટલાં વરસમાં મોટાભાગનાં કાવ્યો પ્રાસરહિત પદ્યરચનાના જે પ્રકારમાં રચાયાં છે તે પદ્યરચના એટલે કે આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોની પ્રાસરહિત પંક્તિ તે બ્લૅન્ક વર્સ એવો રૂઢ અર્થ પ્રચલિત અને પ્રતિષ્ઠિત થયો છે.
અંગ્રેજી ભાષામાં તીવ્ર સ્વરભાર (stress અથવા accent) છે. અંગ્રેજી ભાષાના પિંગળમાં સ્વર અને સ્વરભાર બંનેનો મહિમા થાય છે. એથી સ્વર (syllable) અને સ્વરભારના સંયોજનથી પદ્યમાં ગણ અથવા લયએકમ સિદ્ધ થાય છે. અંગ્રેજી પિંગળમાં આવાં કુલ 14 ગણો અથવા લય-એકમો છે – 2 એક-સ્વરી, 4 દ્વિ-સ્વરી અને 8 ત્રિ-સ્વરી. અંગ્રેજી ભાષાના લયમાં આરોહ છે; એથી આયૅમ્બિક લય – એક-સ્વરભારમુક્ત સ્વર (X) અને પછી એક-સ્વરભારયુક્ત સ્વર (l) – એમ દ્વિ સ્વરી લય (Xl) – એ અંગ્રેજી ભાષાનો સહજ, સરલ અને સ્વાભાવિક લય છે. આયૅમ્બિક ગણનાં 4 કે 5 આવર્તનોની પંક્તિ એ અંગ્રેજી કવિતામાં સૌથી અનુકૂળ કદની – નહિ બહુ લાંબી, નહિ બહુ ટૂંકી એવી – પંક્તિ છે. 1540માં અર્લ ઑવ્ સરેએ લૅટિન ભાષાના મહાકવિ વર્જિલના કુલ 12 સર્ગોના મહાકાવ્ય ‘ઇનીડ’ના 2 સર્ગોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એમણે બ્લૅન્ક વર્સનો સફળ પ્રયોગ કર્યો. એમણે પૂર્વે ચૉસર આદિ કવિઓએ ફ્રેંચ પિંગળના પ્રભાવમાં જે 5 સંધિયુક્ત યુગ્મ સિદ્ધ કર્યું હતું એને પ્રાસમુક્ત કર્યું અને આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોથી પ્રાસમુક્ત પંક્તિ (unrhymed iambic pentameter) એટલે કે બ્લૅન્ક વર્સ સિદ્ધ કર્યો.
બ્લૅન્ક વર્સની શક્તિ અને પ્રતિભાનું રહસ્ય છે ગણવિકલ્પ. એમાં આયૅમ્બિક ગણને સ્થાને કુલ 13 ગણવિકલ્પો શક્ય છે – 2 એક-સ્વરી, 3 દ્વિ-સ્વરી અને 8 ત્રિ-સ્વરી. એથી એમાં વિપુલ પ્રમાણમાં ગણવિકલ્પ છે. એટલા વિપુલ પ્રમાણમાં કે એમાં ભાગ્યે જ કોઈ પણ 2 પંક્તિ પિંગળની ર્દષ્ટિએ એકસરખી હોય.
બ્લૅન્ક વર્સમાં પંક્તિમાં પાંચેય આયમ્બ અને પાંચેય ગણવિકલ્પ એટલે કે આદર્શ પદ્ય અને સંપૂર્ણ ગદ્યનાં 2 આત્યંતિક બિન્દુઓની એકવિધતાનો એમાં ક્યારેય અનુભવ થતો નથી. વચમાં અનંત વિવિધતા છે. એમાં કવિ સતત છંદથી બને એટલો દૂર જાય છે અને નિકટ આવે છે. એમાં સતત વિવર્ત હોય છે; છતાં સંપૂર્ણ સંવાદ હોય છે. કોઈ પણ કવિને પદ્યમાં આથી વિશેષ સ્વતંત્રતા અને લવચીકતાની અપેક્ષા ન હોય. અંગ્રેજ કવિએ ક્યારેય એના પરંપરાગત પિંગળની વિરુદ્ધ વિદ્રોહ કર્યો નથી. અંગ્રેજી બ્લૅન્ક વર્સે આવા કોઈ વિદ્રોહ માટેની આવશ્યકતાને અવકાશ જ આપ્યો નથી. બ્લૅન્ક વર્સ એ અંગ્રેજ કવિને સહજ સુલભ એવી એક મહાન ભેટ છે, કહો કે એ એક અનુગ્રહ છે. ગણવિકલ્પ એ બ્લૅન્ક વર્સનો આત્મા છે અને બ્લૅન્ક વર્સ એ અંગ્રેજી પિંગળનું એક મહાન ગૌરવ છે.
આમ એક પ્રશિષ્ટ મહાકાવ્યના અનુવાદ અર્થે બ્લૅન્ક વર્સનો જન્મ થયો છે. જે પૂર્વોક્ત કારણે બ્લૅન્ક વર્સનો પ્રયોગ સફળ થયો એ જ કારણે અંગ્રેજી ભાષાની બેતૃતીયાંશ કવિતા અને સર્વશ્રેષ્ઠ કવિતા બ્લૅન્ક વર્સમાં છે. અંગ્રેજી બ્લૅન્ક વર્સ એ એક મહાન બૌદ્ધિક-ક્રાંતિ(renaissance)ની સરજત છે; એથી એમાં માનવચિત્તની એેકેએક ગતિવિધિને અનુકૂળ, અર્થ અને ભાવના એકેએક આરોહ-અવરોહને અનુરૂપ એવાં મુક્તિ અને મોકળાશ છે, એવી પ્રવાહિતા છે. અંગ્રેજી ભાષાના 3 સર્વોત્તમ કવિઓ – શેક્સ્પિયર, મિલ્ટન અને વર્ડ્ઝવર્થની કવિતા અને ત્રણેય પ્રકારની સર્વોત્તમ કવિતા – પદ્યનાટક, મહાકાવ્ય અને ચિન્તનોર્મિકાવ્ય – બ્લૅન્ક વર્સમાં છે. શેક્સપિયરનાં પદ્યનાટકોમાં, મિલ્ટનના મહાકાવ્ય ‘પૅરડાઇઝ લૉસ્ટ’માં અને વર્ડ્ઝવર્થનાં સુદીર્ઘ કાવ્ય ‘ધ પ્રીલ્યુડ’માં અને ચિન્તનોર્મિકાવ્ય ‘ટિન્ટર્ન ઍબી’માં તથા ટેનિસન અને બ્રાઉનિંગનાં લઘુમધ્યમ કદનાં નાટ્યોર્મિકાવ્યોમાં બ્લૅન્ક વર્સનાં શ્રીમત્તા અને ઊર્જિતતા પ્રગટ થાય છે. અલબત્ત, અગેયતા, પ્રાસરહિતત્વ, યતિસ્વાતંત્ર્યસહિતત્વ, અર્થપ્રવહણ, મહાવાક્ય, વાક્યોચ્ચય, પરિચ્છેદ અને વિપુલ ગણવિકલ્પ — આ અંગ્રેજી બ્લૅન્ક વર્સનાં મુખ્ય લક્ષણો છે. આ લક્ષણોને કારણે અંગ્રેજી બ્લૅન્ક વર્સ જગત-કવિતામાં સર્વશ્રેષ્ઠ પ્રવાહી પદ્ય તરીકે ગણના પામેલ છે.
શેક્સપિયર જેવા નાટ્યસર્જકની પદ્યપ્રધાન નાટ્યકૃતિઓનો અનુવાદ કરતાં અંગ્રેજી મહાકાવ્યોના પદ્યબંધ જેવો વક્તવ્યના ભાવાત્મક આરોહ-અવરોહને અનુકૂળ એવો લવચીકતાવાળો પદ્યબંધ નિપજાવવાની આવશ્યકતા લાગતાં ખાસ કરીને કવિઓ-અનુવાદકો દ્વારા ગુજરાતીમાં બ્લૅન્ક વર્સના જેવો પદ્યબંધ નિપજાવવાના પ્રયત્નો ચાલ્યા. આ પ્રયત્નોના અનુસંધાનમાં નર્મદે વીરવૃત્તની ને લાવણીની, ખબરદારે ઘનાક્ષરીના જેવા સંખ્યામેળી મહાછંદની હિમાયત કરી, બલવંતરાય ક. ઠાકોરે સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાની હિમાયત કરતાં અર્થાનુસારી લયપ્રવાહ માટે જરૂરી શ્લોકભંગ, યતિસ્વાતંત્ર્ય માટે યતિભંગ, શ્રુતિભંગ, પ્રાસમુક્તિ, અગેયતા વગેરે દ્વારા પરંપરાગત ગુજરાતી પદ્યરચનામાં નવાં તત્વોની જિકર કરી. કેશવ હ. ધ્રુવે શેક્સપિયરના ‘જુલિયસ સીઝર’ નાટકના એક ખંડ બ્રૂટસની ઉક્તિના અનુવાદ નિમિત્તે, વનવેલી છંદની હિમાયત કરી અને તેને રામનારાયણ વિ. પાઠકે સમર્થન આપ્યું અને પછી ઉમાશંકર, રાજેન્દ્ર શાહ આદિ દ્વારા પદ્યનાટ્યગત પ્રયોગોમાં સર્જનાત્મક ભૂમિકાએ તેનું સફળ નિદર્શન પ્રાપ્ત થયું. ઉમાશંકરે ‘ઇફિજિનયા ઇન ટૉરિસ’માં વનવેલીનો સફળતાથી પ્રયોગ કર્યો. વળી રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી વગેરેએ મિશ્રોપજાતિ તેમજ અનુષ્ટુપ જેવા છંદોની પણ બ્લૅન્ક વર્સ માટેની ક્ષમતાનું અનુવાદ તેમજ સર્જનની ભૂમિકાએ દર્શન કરાવ્યું. વળી બલવંતરાય ઠાકોરે તો પૃથ્વીની – પૃથ્વીતિલકની બ્લૅન્ક વર્સ તરીકેની ક્ષમતાની સર્જન-વિવેચનના સ્તરે સમર્થ રીતે પ્રતીતિ કરાવી. બીજી બાજુ ન્હાનાલાલ જેવાએ તો બ્લૅન્ક વર્સના વિકલ્પ રૂપે ડોલનશૈલી જેવી છંદોમુક્ત લયરીતિની હિમાયત કરીને સાંપ્રત સમયમાં એવી કેટલીક જવાબદારી અદા કરવા અછાંદસ પણ લાભશંકરાદિ આધુનિક કવિઓ દ્વારા પ્રયોજાતું રહ્યું છે. પૃથ્વીની બ્લૅન્ક વર્સ તરીકેની ક્ષમતાનાં અનેક સર્જનાત્મક નિદર્શનો બ. ક. ઠાકોર ઉપરાંત દુર્ગેશ શુક્લ, સુન્દરમ્, ઉમાશંકર જોશી આદિ કવિઓએ આપ્યાં. નાટ્યપદ્ય નિમિત્તે પણ આ દિશામાં વિવિધ પ્રયોગો સુન્દરમ્, ઉમાશંકર, ચંદ્રવદન, નંદકુમાર પાઠક, ઉશનસ્ વગેરે દ્વારા ચાલતા રહ્યા છે. અનુષ્ટુપની એવી ક્ષમતાનો પરચો સુન્દરમ્, ઉમાશંકર, નિરંજન ભગત વગેરેના સર્જનાત્મક પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયો. આ બ્લૅન્ક વર્સ માટે પરંપરિત માત્રામેળી લયોના પ્રયોગો પણ અનેક કવિઓ દ્વારા ચાલતા રહ્યા છે; આમ છતાં અંગ્રેજી બ્લૅન્ક વર્સની ક્ષમતાનો પૂરો પરચો કરાવી શકે એવી ધિંગી સર્જકતાની ગુજરાતી કવિતાક્ષેત્રે આજેય પ્રતીક્ષા છે.
નિરંજન ભગત