બ્લૅક પર્વતમાળા (1) : ભૂતાનમાં આવેલી અસમ હિમાલયની દક્ષિણ ડુંગરધારોની હારમાળા. તે પશ્ચિમમાં વહેતી સંકોશ નદી અને પૂર્વમાં વહેતી તૉન્ગ્સા ચુ નદીની વચ્ચેના ભાગમાં આવેલી છે, પરંતુ તેમની શાખાનદીઓ આ પર્વતોના ઢોળાવોમાં ખોતરાયેલાં કોતરોમાં થઈને બહાર નીકળે છે. પુનાખા અને તૉન્ગ્સા ઝૉંગ વચ્ચેનો માર્ગ સમુદ્રસપાટીથી 3,370 મીટરની ઊંચાઈએ આવેલા પીલી (Pele) ઘાટને વીંધીને જાય છે. આ પહાડી પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. મોટા ભાગની વસ્તી નદીના ખીણ-ભાગોમાં કે પર્વત-તળેટીમાં જોવા મળે છે. અહીં નેપાળી, તિબેટી અને બ્રાહ્મી સંસ્કૃતિનું મિશ્રણ થયેલું છે.
બ્લૅક પર્વતમાળા (2) : યુ.એસ.ના ઉત્તર કૅરોલિના રાજ્યના પશ્ચિમ ભાગમાં યાન્સી પરગણામાં આવેલી પર્વતમાળા. તે ઍપેલેશિયન પર્વતમાળાના બ્લૂરીજ(બ્લૂ ડુંગરધાર)માંથી નીકળીને ઉત્તર તરફ વિસ્તરે છે. તેમાં આવેલું માઉન્ટ મિશેલ (ઊંચાઈ 2,037 મીટર) મિસિસિપી નદીના પૂર્વ ભાગ તરફનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતો હિમીભવનની અસરથી મુક્ત રહેલા હોવાથી તેના ઢોળાવોથી શિખર ભાગો પર જમીન-આવરણ તૈયાર થયેલું છે. અમુક જગાઓ તો ગીચ જંગલોથી છવાયેલી છે. આ પર્વતનો પિસગાહ નૅશનલ ફૉરેસ્ટમાં સમાવેશ થાય છે.
બ્લૅક પર્વતમાળા (3) : યુ.એસ.ના કેંટકીમાં આવેલો પર્વત. તે ‘બિગ બ્લૅક પર્વત’ના નામથી પણ ઓળખાય છે. તેની મહત્તમ ઊંચાઈ 1,263 મીટર જેટલી છે. તે ઍપેલેશિયન પર્વતમાળાના કુંબરલૅન્ડ ઉચ્ચપ્રદેશના પાઇન પર્વતવિભાગમાં આવેલો છે. આ વિસ્તારમાં પુષ્કળ જંગલો આવેલાં છે અને નજીકમાં જ વર્જિનિયાની સરહદ પણ છે.
ગિરીશભાઈ પંડ્યા