બ્લૅક ફૉરેસ્ટ : જર્મનીની નૈર્ઋત્યમાં આવેલો પહાડી પ્રદેશ. તે ઘેરા રંગવાળાં ફર અને સ્પ્રુસનાં વૃક્ષોનાં જંગલોથી આચ્છાદિત છે. તેને માટેનું જર્મન નામ શ્વાર્ઝવાલ્ડ છે. તેના ઉત્તર અને દક્ષિણ ભાગો અનુક્રમે રેતીખડકના ઉચ્ચપ્રદેશો અને ગ્રૅનાઇટના પહાડી પ્રદેશોથી રચાયેલા છે. 1490 મીટરની ઊંચાઈ ધરાવતું ફેલ્ડબર્ગ અહીંનું સર્વોચ્ચ શિખર છે. બ્લૅક ફૉરેસ્ટની પશ્ચિમ કિનારીની ધારે ધારે સ્તરભંગનું ભૂસ્તરીય લક્ષણ જોવા મળે છે. આ ભાગ નીચે સરકી ગયેલો છે. ત્યાંથી રહાઇન નદી પસાર થાય છે. ડૅન્યૂબ નદી પણ બ્લૅક ફૉરેસ્ટના પ્રદેશમાંથી જ નીકળે છે.

બ્લૅક ફૉરેસ્ટનો પ્રદેશ તેના ખનિજીય ઝરા માટે જાણીતો બનેલો છે. અહીં ઘણાં સ્થળોએ વિહારધામો આવેલાં છે. તે પૈકી ખનિજીય ઝરા નજીકનું બોડેન શહેર પ્રખ્યાત બનેલું છે. અહીંનાં જંગલોમાંથી ઘણું લાકડું મળી રહે છે. જેટલાં વૃક્ષો કાપવામાં આવે એટલાં જ બીજાં વૃક્ષો ઉગાડવાની યોજના કરવામાં આવેલી છે. બ્લૅક ફૉરેસ્ટની દક્ષિણ બાજુ પર ગ્રૅનાઇટનું ખનનકાર્ય ચાલે છે.

અહીંના લોકો રમકડાં, કોયલના જેવા ટહુકા કરતી ઘડિયાળ, રેડિયો તથા સંગીત-સાધનો બનાવે છે. તેમણે પોતાનાં ધર્મ, જૂના રીતરિવાજો અને પરંપરાને જાળવી રાખ્યાં છે. પ્રાચીન જર્મન દંતકથાઓ અને પરીકથાઓમાં બ્લૅક ફૉરેસ્ટનાં વર્ણનો મળે છે.

ગિરીશભાઈ પંડ્યા