બ્રોન્ઝિનો, ઍન્યોલો (જ. 1503, મોન્તિચેલ્લી, ઇટાલી; અ. 1572, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીના રીતિવાદી ચિત્રકાર. તેઓ વ્યક્તિચિત્રો અને પુરાણકથાઓનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા હતા. રીતિવાદી ચિત્રકાર જેકોપો દ પૉન્તોર્મોના તેઓ શિષ્ય હતા. રફેલ તથા માઇકલૅન્જેલોની લઢણો તેમણે અપનાવી હતી અને પોતાની તેજસ્વી શૈલી વિકસાવી હતી. તુસ્કનીના ડ્યૂક કોસિયો દિ મેડિચીના દરબારના તેઓ રાજચિત્રકાર હતા.

બ્રૉન્ઝિનોનાં ચિત્રોમાં ખાલી અવકાશનો અભાવ જોવા મળે છે. તેમનાં ચિત્રો માણસોની ગિર્દીથી ઊભરાય છે. માનવઆકૃતિઓ કૃત્રિમ રીતે લંબાવાયેલા આકારોમાં આલેખાઈ છે તથા તેમનું ગઠન (modeling) જડત્વભર્યું અને શિલ્પમય છે. પુરાણકથા પર આધારિત તેમનું ચિત્ર ‘વિનસ, ક્યૂપિડ, ફૉલી ઍન્ડ ટાઇમ’ અશ્લીલતાની હદે પહોંચતા રતિભાવથી સભર છે.

અમિતાભ મડિયા