બ્રેડબરી, માલ્કમ (જ. 1932, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ) : આંગ્લ લેખક અને વિવેચક. તેમણે અભ્યાસ કર્યો લિચેસ્ટર ખાતે અને ત્યાં જ અધ્યાપનકાર્ય આરંભ્યું. પછી તેઓ 1970માં ઈસ્ટ એંગ્લિયા યુનિવર્સિટીમાં ‘અમેરિકન સ્ટડીઝ’ વિષયના પ્રાધ્યાપક નિમાયા.
તેમના જેવા વિદ્યાપુરુષે જે વ્યાપક પ્રવાસો કર્યા તેમાંથી તેમને કેટલીય નવલો માટેનું કથાવસ્તુ લાધ્યું. એ નવલોમાં ‘ઇટિંગ પીપલ ઇઝ રાગ’ (1959), ‘સ્ટેપિંગ વેસ્ટવર્ડ’ (1965), ‘ધ હિસ્ટરી મૅન’ (1975) તેમાંથી ટેલિવિઝન શ્રેણી પણ સર્જાઈ.) તથા ‘રૅટ્સ ઑવ્ એક્સચેન્જ’ (1982) મુખ્ય છે. તેમની ટેલિવિઝન-કામગીરીના પરિણામે નાની નવલ નામે ‘કટ્સ’(1987)નું સ્વરૂપ બંધાયું.
તેમના વિવેચનગ્રંથોમાં તેમણે ‘મૉડર્નિસ્ટ’ તથા ‘પૉસ્ટમૉડર્નિસ્ટ’ વિચારધારાને સબળ ઉત્તેજન આપ્યું છે. તેમની અન્ય કૃતિઓમાં ‘એવલિનવૉક્સ’ (1962) તથા ‘સૅમ બૅલો’(1982)ને લગતી પુસ્તિકાઓ તથા ‘ધ મૉડર્ન અમેરિકન નૉવેલ’ (1983) એ વિવેચનગ્રંથ જેવી રચનાઓનો સમાવેશ થાય છે. ઉત્તરાર્ધની રચનાઓમાં હાસ્યરસિક નવલકથાઓનો સંચય ‘પ્રેઝન્ટ લાફ્ટર’ (1994) અને ‘ધી ઍટલસ ઑવ્ લિટરેચર’ નોંધપાત્ર છે.
મહેશ ચોકસી