બ્રેટિસ્લાવા (પ્રેસબર્ગ) : અગાઉના ચેકોસ્લોવૅકિયાના સ્લાવાક સોશિયાલિસ્ટ રિપબ્લિકનું પાટનગર તથા પશ્ચિમ સ્લોવૅકિયા વિસ્તારનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 48° 09´ ઉ. અ. અને 17° 07´ પૂ. રે. પર વિયેનાથી પૂર્વમાં 56 કિમી. અંતરે ડેન્યૂબ નદીને કાંઠે વસેલું છે. પ્રાગ પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર ગણાય છે. તે અહીંના વિસ્તારનું સાંસ્કૃતિક મથક, મહત્વનું નદીબંદર તથા વેપાર અને પ્રવાસનું મથક પણ છે. 1991 મુજબ તેની વસ્તી 4,41,500 જેટલી છે.
આજુબાજુના પ્રદેશોમાંથી આવતા સડકમાર્ગો અને રેલમાર્ગો અહીં ભેગા થઈ પસાર થતા હોવાથી અવરજવર તથા માલની હેરફેર માટે તે ઘણું અગત્યનું વેપારી મથક બની રહેલું છે. સડકમાર્ગો તથા રેલમાર્ગો અહીંનાં શહેરો અને વિયેના સાથે સંકળાયેલા છે. અહીંથી પશ્ચિમે વિયેના સુધી, હંગેરીની દક્ષિણ સુધી તથા યુગોસ્લાવિયા સુધી; ઉત્તર તરફ બ્રુનો અને પ્રાગ સુધી તેમજ પૂર્વ તરફ કોસિક અને મૉસ્કો સુધી હવાઈ સેવા પણ ઉપલબ્ધ છે. ડેન્યૂબ નદી પરનું તે અગત્યનું આંતરિક (નદી)બંદર ગણાતું હોવાથી બંદરી સેવાઓ તથા અન્ય સગવડો પણ ઊભી થયેલી છે.
આ શહેરમાં ખાદ્યપ્રક્રમણ, ધાતુમાળખાં, રસાયણો, કાપડ, વીજ-સાધન-સામગ્રી, યંત્રસામગ્રી, તારનાં દોરડાં, કાગળનાં કારખાનાં, દારૂગાળણ-ભઠ્ઠીઓ, ખનિજતેલ-પેદાશોનાં કારખાનાં, લાકડાં સાથે સંકળાયેલા એકમો વગેરે જેવા નાનામોટા ઉદ્યોગો–એકમો વિકસેલા છે.
બ્રેટિસ્લાવામાં ગૉથિક સ્થાપત્યશૈલીની ઘણી સુંદર ઇમારતો તથા ભૂમિચિહ્નો આવેલાં છે. તેમાં બ્રેટિસ્લાવાનો કિલ્લો, જૂનું નગર- સભાગૃહ, બિશપના પરગણાનું મુખ્ય દેવળ તથા જૂનાં દેવળો, હસાઇટ હાઉસ, રાષ્ટ્રીય વીથિ તેમજ જાતજાતનાં સંગ્રહાલયોનો સમાવેશ થાય છે. અહીં સ્લોવૅકિયન સ્વાયત્ત સરકારી મથક આવેલું છે. આ શહેરમાં કૉમોનિયસ યુનિવર્સિટી, સ્લાવાક એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, કેટલીક ટૅકનિકલ સંસ્થાઓ અને સ્લાવાક નૅશનલ થિયેટર આવેલાં છે.
અહીંના લોકો મુખ્યત્વે સ્લાવાક અને ચેક જાતિના છે. અગાઉ અહીંના જર્મનોનો વસવાટ પણ હતો, પરંતુ 1944 –45માં તેઓ આ પ્રદેશ છોડીને જતા રહેલા. આ સ્થળ ક્યારે અને કેવી રીતે સ્થાપાયેલું તેની કોઈ માહિતી મળતી નથી; પરંતુ આ સ્થળેથી પ્રાગૈતિહાસિક કાળના વસવાટના કેટલાક પુરાવા પ્રાપ્ત થયેલા છે. આઠમી સદીથી અહીં સ્લાવ લોકો રહેવા લાગ્યા હતા. તેમણે ત્યારે તેને વેપારના કેન્દ્ર તરીકે વિકસાવેલું. દસમી સદીમાં તે એક વ્યૂહાત્મક મથક તરીકે રહેલું. ત્યાં હંગેરીની સત્તા હતી ત્યારે 1467માં પ્રથમ યુનિવર્સિટી સ્થપાયેલી. 1784 સુધી તે હંગેરીના કબજામાં રહેલું. આ દરમિયાન 1536થી 1683 સુધી તે હંગેરીનું પાટનગર પણ રહેલું. 1848 સુધી હંગેરીની સંસદ ત્યાં મળતી. હૅબ્સબર્ગ વંશના શાસકોનું ત્યાં રાજ્ય હતું. ડેન્યૂબ નદીકાંઠાથી 100 મીટરની ઊંચાઈ પર એક વિશાળ કિલ્લો ત્યાં આવેલો છે; તેમાં 1811 સુધી રાજકુટુંબ રહેતું હતું. ઑસ્ટરલિઝની લડાઈ પછી નેપોલિયન અને ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ બીજા વચ્ચે 1805માં પ્રેસબર્ગની સંધિ આ સ્થળે થયેલી. 1918થી 1939 સુધી તે ચેકોસ્લોવૅકિયાના સ્લાવાક પ્રાંતનું પણ પાટનગર હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્લોવૅકિયા જ્યારે જર્મનીના શાસન હેઠળ રહેલું ત્યારે પણ તે સ્લૉવાકનું પાટનગર રહેલું. 1938માં ચેકોસ્લોવૅકિયાનું સ્વાયત્ત રાજ્ય બનાવાયેલું; 1945 સુધી તે મુક્ત થયું ત્યાં સુધી, તે જર્મનીના કબજા હેઠળના આરક્ષિત પ્રદેશ તરીકે રહેલું. 1948માં તે પશ્ચિમ સ્લાવાક પ્રદેશનું વહીવટી કેન્દ્ર હતું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ