બ્રુચફિલ્ડ, રૉબર્ટ (વિલિયમ) (જ. 1923, વાંગનૂઇ, ન્યૂઝીલૅન્ડ) : કોશરચનાકાર અને વિદ્વાન અભ્યાસી. તેમણે વેલિંગ્ટન ખાતેની વિક્ટોરિયા યુનિવર્સિટી કૉલેજ ખાતે તથા ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1952થી 1963 દરમિયાન તેઓ ઑક્સફર્ડમાં અંગ્રેજીનું અધ્યાપન કરતા રહ્યા. પછી ત્યાં 1963થી 1979 દરમિયાન તેઓ ટ્યૂટોરિયલ ફેલો પણ બન્યા. તે પછી સેન્ટ પિટર્સ કૉલેજમાં તેમણે સીનિયર રિસર્ચ ફેલો તરીકે (1979થી 1990) કામગીરી સંભાળી.
1957માં તેઓ ‘ન્યૂ સપ્લિમેન્ટ ટૂ ધી ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’ના સંપાદક તરીકે નિમાયા હતા, 1972થી 1986 દરમિયાન જે 4 ગ્રંથો રૂપે પ્રગટ થઈ. તેમણે અંગ્રેજી ભાષા વિશે ઘણાં પુસ્તકો લખ્યાં છે. બી.બી.સી., રેડિયો પર બોલાતી અંગ્રેજી ભાષાની ગુણવત્તા વિશેના અહેવાલ(1979)ના તેઓ સહ-સંપાદક હતા.
મહેશ ચોકસી