બ્રાક, જ્યૉર્જ (જ. 13 મે 1882; અ. 31 ઑગસ્ટ 1963) : પિકાસોના સહયોગમાં ઘનવાદની સ્થાપના કરનાર ફ્રેંચ ચિત્રકાર. લ હાર્વેની સ્થાનિક કળાશાળામાં શિક્ષણ લીધા પછી બ્રાક 1900માં પૅરિસ ગયા. અહીં 1904 સુધી ‘ઇકોલે દ બ્યુ આર્ત્સ’ તથા ‘અકાદમી હમ્બર્ત’માં અભ્યાસ કર્યો. 1902થી 1905 સુધીનાં તેમનાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે છે. આ પછી તેઓ માતીસ, વ્લામિન્ક અને દેરેઈના પરિચયમાં આવ્યા તેથી 1906થી 1907 સુધીનાં ચિત્રોમાં ફૉવવાદની અસર જોવા મળે છે. આમ છતાં અન્ય ફૉવવાદી ચિત્રકારો કરતાં બ્રાક જુદા એ રીતે પડે છે કે તેમનાં ચિત્રોમાં આકાર અત્યંત સઘન શૈલીમાં આલેખાયેલો દેખાય છે.

1907ના અંતમાં તેમણે પૉલ સેઝાંનાં ચિત્રો જોયાં, પિકાસો સાથે તેમનો પરિચય થયો. ત્યારપછી તેમનાં ચિત્રોનું વહેણ સાવ બદલાઈ ગયું. તેઓ અને પિકાસો બંને સેઝાંનાં ચિત્રો તથા આફ્રિકાનાં આદિમ (primitive) શિલ્પોથી પ્રભાવિત થયા તથા તે બંનેના પ્રભાવ હેઠળ ભૂમિતિ-આધારિત શૈલીનો પોતાનાં ચિત્રોમાં આવિષ્કાર કર્યો. આ શૈલી પછીથી ઘનવાદ (cubism) નામે ઓળખાઈ. આ શૈલીમાં આલેખેલાં તેમનાં અને પિકાસોનાં ચિત્રોમાં એટલું બધું એકસરખાપણું જોવા મળે છે કે માત્ર નિષ્ણાત વિવેચકો જ 1907થી 1910–12 સુધીનાં તેમનાં અને પિકાસોનાં ચિત્રોને જુદાં તારવી શકે. તેમના દ્વારા 1910માં ચિત્રિત ‘વાયોલિન ઍન્ડ પિચર’ એનો એક નમૂનો છે. આ સમયનાં ચિત્રોમાં ભૌમિતિક આકારો પ્રમુખ બની રહે છે અને કેટલાંક ચિત્રો અમૂર્ત ભૌમિતિક ડિઝાઇનની સમીપ પહોંચે છે. અસરની ર્દષ્ટિએ રંગોનો હવે કોઈ અર્થ સરતો નથી, કેમ કે ફૉવ શૈલીના ભડકીલા રંગોને સ્થાને ઝાંખા લીલા, પીળા, તપખીરિયા, સિલેટિયા, રાખોડી, કાળા અને સફેદ રંગો વપરાતા થયા. એક જ વસ્તુને વિવિધ ર્દષ્ટિબિંદુથી એક જ કૅન્વાસ પર આલેખી એક જ વસ્તુનાં બહુવિધ દર્શન કરાવતાં ચિત્રો તેમણે સર્જ્યાં. 1912 પછી તેમનાં ઘનવાદી ચિત્રોમાં રંગો સહેજ ભડકીલા બન્યા, ભૌમિતિક આકારોની સંકુલતા દૂર થઈ અને આકારો સરળ બન્યા. હવે તેમનાં ચિત્રોમાંથી આભાસી ઊંડાણ પણ દૂર થાય છે અને તે સપાટ જણાવા માંડે છે. 1930માં તેઓ ઉત્તર ફ્રાંસના નૉર્મન્ડીના દરિયાકિનારે સ્થિર થયા. આ સાથે બ્રાકની ચિત્રશૈલી અને વિષય-પસંદગીમાં મોટો ફેરફાર થયો. ઘનવાદનાં ભૌમિતિક વળગણો દૂર થયાં અને સાદગીભરી સ્વાભાવિક શૈલીમાં તેમણે સ્નાનમગ્ન સ્ત્રીપુરુષો, દરિયાકાંઠો અને નિસર્ગનું ચિત્રણ કર્યું. ધીમે ધીમે તેમનાં ચિત્રોએ આલંકારિક વલણ પકડવા માંડ્યું. 1940થી પંખીઓ તેમનો પ્રિય વિષય બન્યાં. 1950 પછી તો તેમનાં ચિત્રોના રંગો ફરીથી ભડકીલા બની રહ્યા અને શૈલીએ ફરીથી ફૉવ-સ્વરૂપ ધારણ કર્યું. આ શૈલીમાં તેમણે મૃત્યુ પર્યંત કલાસર્જન કર્યું.

અમિતાભ મડિયા