બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક.

કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર નિમાયા. આ બધી કામગીરી સંભાળતાં તેમનામાં પ્રાચીન ભારતીય લલિત કળા માટેની આગવી સૂઝ વિકસી અને પરિણામે તેમણે જે પુસ્તકો લખ્યાં તે આજે પણ વિદ્વાનોમાં પ્રમાણભૂત ગણાય છે.

એમનો ‘ઇંડિયન આર્કિટેક્ચર–બુદ્ધિસ્ટ ઍન્ડ હિંદુ’ નામનો ગ્રંથ 1942માં પ્રસિદ્વ થયેલો. આ ગ્રંથમાં વૈદિક કાળના ગ્રામ-સ્થાપત્યથી આરંભી અઢારમી સદી સુધીના સ્થાપત્યનો તલસ્પર્શી ખ્યાલ આપ્યો છે. આ ઉપરાંત ભારતીય સ્થાપત્યની સાથે બૃહદ ભારત(નેપાળ, શ્રીલંકા, સિયામ, જાવા, બાલી, બર્મા, લાઓસ, કમ્બોડિયા અને થાઇલૅન્ડ)નાં સ્થાપત્યોની ચર્ચા કરીને ભારતીય સ્થાપત્ય સાથેનું તેમનું સામ્ય સમજાવ્યું છે.

તેમના બીજા ગ્રંથ ‘આર્કિટેક્ચર–ઇસ્લામિક પિરિયડ’માં 1200થી 1707 સુધીનાં ભારતીય મુસ્લિમ સ્થાપત્યોની વિવિધ શૈલીઓ વર્ણવી છે; જેમાં માળવા, ગુજરાતી, ગોલકોન્ડા, જૌનપુરી, ખાનદેશી, કાશ્મીરી, બીજાપુરી અને ગુલબર્ગની શૈલીઓનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન ભારતીય ઉપખંડમાં બંધાયેલ મહત્વની તમામ મસ્જિદો, મકબરાઓ અને બાદશાહોના મહેલોનું વિગતવાર વર્ણન સચિત્ર આપેલું છે.

આ ઉપરાંત ‘ઇંડિયન પેન્ટિંગ અંડર ધ મુઘલ્સ’ (1924) તથા ‘ઇંડિયન પેન્ટિંગ’ ગ્રંથો દ્વારા બ્રાઉન પાશ્ચાત્ય ચિત્રકલા સાર્વજનિક (public) આનંદ માટે છે જ્યારે ભારતીય ચિત્રકલા વ્યક્તિગત આનંદ માટે હોવાનું દર્શાવે છે. વળી ભારતીય ચિત્રકળા પાશ્ચાત્ય ચિત્રકળાથી ચઢિયાતી છે એમ પણ તેમણે બતાવ્યું છે. લાહોર મ્યુઝિયમના ક્યુરેટર તરીકે પર્સી બ્રાઉને લખેલું ‘એ ડિસ્ક્રિપ્ટિવ ગાઇડ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ આર્ટ્સ’ 1909માં પ્રકાશિત થયું હતું.

પ્રિયબાળાબહેન શાહ

અમિતાભ મડિયા