આર્યસમાજ :વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતો એક અર્વાચીન ધર્મપંથ. પાશ્ચાત્ય ધર્મ અને સંસ્કૃતિનાં ભારતનાં ધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્રમણ સામે ભારતમાં જગાડવામાં આવેલ એક સુધારાવાદી આંદોલન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના ટંકારા ગામે જન્મેલ સ્વામી દયાનંદ સરસ્વતી (1824-83) દ્વારા 1875માં મુંબઈ ખાતે તેની સ્થાપના કરવામાં આવી હતી. ઓગણીસમી સદીમાં ઇંગ્લૅંડે ભારત પર રાજકીય વર્ચસ્ જમાવ્યું. તેના પગલે પગલે પશ્ચિમ તરફથી ભારત પર ધાર્મિક અને સાંસ્કૃતિક આક્રમણ શરૂ થયું. આ આક્રમણ મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય ઢબની શિક્ષણપ્રણાલીના માધ્યમ દ્વારા કરવામાં આવતું હતું. એ વખતે હિંદુ ધર્મની સ્થિતિ રૂઢિગ્રસ્ત અને જડ હતી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફેલાયેલા મિશનરીઓ તેનાં છિદ્રો ભારતના લોકો સમક્ષ ખુલ્લાં કરતા હતા. તેની અસર અંગ્રેજી શિક્ષણપ્રથામાં ઊછરેલા નવા ‘શિક્ષિત’ વર્ગ પર ઝડપથી થઈ રહી હતી. તે સિવાયના લોકોને અને ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને જુદા જુદા પ્રકારનાં પ્રલોભનો આપીને ખ્રિસ્તી ધર્મના પ્રચારકો ભારતમાં ધર્માન્તરની ઝુંબેશ ચલાવતા હતા. ભારતમાં ખ્રિસ્તીઓના આગમન પહેલાં પણ દેશ પર આવાં આક્રમણો થયાં હતાં ખરાં, છતાં તેનો સામનો કરવા માટે કે તેને ખાળવા માટે સામૂહિક અને સંગઠિત સ્તર પર કોઈ વ્યવસ્થિત પ્રયાસ થયા ન હતા. ખ્રિસ્તીઓના સાંસ્કૃતિક આક્રમણ સામે સંગઠિત રીતે મુકાબલો કરી ભારતનો મૂળ વૈદિક ધર્મ તથા પ્રાચીન ભારતીય જીવનપ્રણાલી ટકાવી રાખવા, દેશની પ્રજામાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે સભાનતા જાગ્રત કરવા તથા દેશમાં નિર્ભેળ રાષ્ટ્રવાદનો પાયો નાખવાના ઐતિહાસિક કાર્યમાં આર્યસમાજ મોખરે રહ્યો છે.
સનાતન વૈદિક ધર્મના સિદ્ધાંતોથી હિંદુ ધર્મ વિચલિત થયેલો હોવાથી તેમાં જે ક્રમશ: વિકૃતિઓ દાખલ થઈ તે દૂર કરી સનાતન ધર્મની પુન:સ્થાપના કરવી એ આર્યસમાજનો વિધિમંત્ર હતો. આર્યસમાજના દસ મહત્વના સિદ્ધાંતો છે : (1) પરમેશ્વર એ જ જ્ઞાનનું ઉદગમબિંદુ છે અને વસ્તુઓના આદિકારણનો સ્રોત પણ તે જ છે. (2) ઈશ્વર સચ્ચિદાનંદ-સ્વરૂપ, અનાદિ, અનંત, નિરાકાર, નિષ્કલંક, સર્વશક્તિમાન, સર્વસાક્ષી, પરમન્યાયી, દયાળુ, સમગ્ર વિશ્વનો નિર્માતા, શાસક અને પાલક છે અને તેથી તેની ભક્તિ કરવી. (3) વેદ એ જ અંતિમ સત્ય છે, સમગ્ર સાચા જ્ઞાનનો ઉદગમ વેદમાંથી જ થયેલો છે; તેથી તેનું અધ્યયન અને મનન કરવું એ પ્રત્યેક આર્યનું કર્તવ્ય છે. જે વેદને પ્રમાણ માને તે જ આર્ય કહેવાય. (4) દરેકે સત્યનો સ્વીકાર કરી ધર્મનું પાલન, આચરણ કરવું. (5) માનવજાતિના આધિભૌતિક, આધ્યાત્મિક, સામાજિક ઇત્યાદિ કલ્યાણ માટે દરેકે સતત પ્રયત્ન કરવો. (6) દરેકે એકબીજા સાથે પ્રેમ અને ન્યાયસંગત વ્યવહાર કરવા. (7) દરેકે જ્ઞાનના પ્રચાર અને પ્રસારમાં સક્રિય ફાળો આપવો. (8) અન્યના ઉત્કર્ષમાં જ પોતાનો ઉત્કર્ષ છે એમ માનવું. (9) દરેક માનવી મતસ્વાતંત્ર્યનો અધિકારી છે. (10) આર્યધર્મમાં નિષ્ઠા રાખનાર દરેકે પરસ્પરના મતભેદ ભૂલી જઈ એકબીજા સાથે સમાન વ્યવહાર કરવો.
આર્યસમાજની પોતાના અનુયાયીઓને હાકલ છે કે દરેકે રોજ પંચમહાયજ્ઞ કરવા. તેમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિયજ્ઞ અને બલિયજ્ઞનો સમાવેશ થાય છે.
આર્યસમાજ જાતિભેદ કે જન્મસિદ્ધ જ્ઞાતિભેદ અને અસ્પૃશ્યતાને સ્વીકારતો નથી. દરેકના ગુણકર્મ દ્વારા તેનો વર્ણ નક્કી થાય તેમાં તેની આસ્થા છે. તેવી જ રીતે મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, અવતારવાદ, વ્રત, તીર્થસ્થાનો, પૌરાણિક અનુષ્ઠાન વગેરેમાં તેને શ્રદ્ધા નથી. આર્યસમાજે તેની સ્થાપના સાથે જ સમાજસુધારાનું બીડું ઉઠાવ્યું હતું અને વિધવાવિવાહ તથા અસ્પૃશ્યોદ્ધાર જેવા કાર્યક્રમો હાથ ધર્યા હતા; એટલું જ નહિ, પરંતુ સ્ત્રીકેળવણી, આંતરજાતીય લગ્નપ્રથા, શારીરિક શિક્ષણ તથા ધર્માંતર કરી અન્ય ધર્મમાં જતા રહેલા મૂળ હિંદુ ધર્મના અનુયાયીઓને પાછા હિંદુ ધર્મમાં લેવા માટેના શુદ્ધિપ્રયોગ હાથ ધર્યા હતા. 1921માં મલબારમાં મુસલમાનોએ બંડ કર્યું અને હજારો અન્ય ધર્મીઓને બળપૂર્વક મુસલમાન બનાવ્યા હતા. આર્યસમાજે આ રીતે ધર્માંતરનો ભોગ બનેલા હજારો લોકોને ફરી હિંદુ ધર્મમાં પ્રસ્થાપિત કર્યા હતા.
પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં આર્યસમાજને સવિશેષ ટેકો સાંપડ્યો હતો. ત્યાં તેણે ગુરુકુળ, મહાવિદ્યાલયો, માધ્યમિક શાળાઓ, અનાથાલયો, વિધવાશ્રમ વગેરેની સ્થાપના કરી હતી. હરદ્વાર પાસે તેના નેજા હેઠળ ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલયની સ્થાપના પણ કરવામાં આવી. ભારત બહાર પણ આ સંસ્થાએ પ્રવૃત્તિ વિસ્તારી હતી. તેમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, મલેશિયા (મલાયા), ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય રહી છે.
ભારતના લોકોમાં પોતાના ભૂતકાળ વિશે ગૌરવ, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા પ્રેરીને આર્યસમાજે રાષ્ટ્રીય શિક્ષણ દ્વારા રાષ્ટ્રવાદની જડ મજબૂત કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
સંસ્થાના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી (મૂળ નામ મૂળશંકર કરસનજી ત્રિવેદી) ઉપરાંત તેના કેટલાક અગ્રણી નેતાઓમાં સ્વામી શ્રદ્ધાનંદ(1856-1926)નો ઉલ્લેખ નોંધપાત્ર ગણાય. લાલા લજપતરાય પણ આર્યસમાજના અનુયાયી હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે