બૉરલૉગ, નૉર્મન (જ. 15 માર્ચ 1914, ફ્રેસ્કો, આયોવા, અમેરિકા; અ. 12 સપ્ટેમ્બર 2009, ડલાસ અમેરિકા) : વિખ્યાત અમેરિકન વનસ્પતિ-રોગચિકિત્સક (plant pathologist), બાગવાન (plant breeder) તથા વિશ્વના વિકાસશીલ દેશોમાં હરિયાળી ક્રાંતિનું સર્જન કરનાર વૈજ્ઞાનિક. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાંથી વનસ્પતિ-રોગચિકિત્સા વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1944–60 દરમિયાન મેક્સિકોમાં રૉકફેલર ફાઉન્ડેશનની નિશ્રામાં ચાલતા સહકારી કૃષિવિકાસ-કાર્યક્રમમાં  સંશોધક-વૈજ્ઞાનિક તરીકે સેવાઓ આપી અને તે દરમિયાન ઘઉંની વધુ ઊપજ આપતી સંકર જાતો વિકસાવવામાં શકવર્તી કાર્ય કર્યું, જેના પરિણામે ભારત જેવા વિશ્વના વિકસતા દેશોમાં હરિયાળી ક્રાંતિનાં મંડાણ થયાં. મેક્સિકોને અનાજની બાબતમાં સ્વાવલંબી બનાવવા માટે તે દેશમાં જે પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં 1944માં બૉરલૉગ વૈજ્ઞાનિક તરીકે જોડાયા હતા. અને ટૂંકસમયમાં જ તેમણે તેનું નેતૃત્વ સંભાળ્યું. આ સંસ્થામાં તેમણે જે સંશોધન કર્યું

નૉર્મન બૉરલૉગ

તેને પરિણામે મેક્સિકોના ખેડૂતો વર્ષમાં બે વાર પાક લેતા થયા; એટલું જ નહિ, પરંતુ પાક લેવાના સમયમાં પચાસ ટકા જેટલો ઘટાડો પણ શક્ય બન્યો. 1952માં કોલંબિયામાં, 1963માં ભારત અને પાકિસ્તાનમાં અને ત્યારપછીના દાયકામાં વિશ્વના અન્ય ઘણા દેશોમાં બૉરલૉગ દ્વારા નિર્મિત ઘઉં, ચોખા અને મકાઈની સંકર જાતો દાખલ કરવામાં આવી, જેને લીધે અનાજની પેદાશમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ. 1960–63ના ગાળામાં બૉરલૉગે ઇન્ટર-અમેરિકન કૉર્પોરેશન હેઠળના પ્રકલ્પના નિયામક તરીકે તથા 1963–79 દરમિયાન મેક્સિકો શહેરમાં કામ કરતા ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટરના નિયામકપદે કામ કર્યું. બૉરલૉગે વિશ્વના ઘણા દેશોમાં કૃષિક્ષેત્રના સલાહકાર તરીકે સેવાઓ આપી છે તથા ઘણા દેશોની સમિતિઓ પર તજ્જ્ઞ તરીકે કામ કર્યું છે અને તેમાં કૃષિ ઉપરાંત વસ્તી-નિયંત્રણ અને પુન: પ્રાપ્ય થઈ શકે તેવી ઊર્જાના વિકાસનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં હરિયાળી ક્રાંતિ દ્વારા ભૂખમરાનો નાશ કરવાના તેમના અથાગ પરિશ્રમ માટે તેમને 1970નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

પુષ્કર ગોકાણી