ચુર : સ્વિટ્ઝર્લૅન્ડના ગ્રિસન્સ પરગણાનું પાટનગર તથા મુખ્ય વેપારકેન્દ્ર. રહાઇન તથા પ્લેશર નદીઓના સંગમ પર તે આવેલું છે. લીચટેનસ્ટેન સરહદથી આ નગર 24 કિમી. અંતરે છે. ત્યાંના મોટા ભાગના લોકો જર્મન ભાષા બોલે છે.
વેપાર ઉપરાંત તે પર્યટનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. નગરને સીમાડે આવેલી પથ્થરની પ્રાચીન વિશાળ ઇમારતો, આસપાસના બગીચાઓ તથા વાડીઓ આ નગરના સૌંદર્યમાં વધારો કરે છે. પર્યટકો માટે નગરમાં વસ્તુસંગ્રહાલયો, 1178–1282 દરમિયાન બંધાયેલું સેન્ટ લુસિયસનું દેવળ (cathedral), 1596–1639 દરમિયાન ઊભું કરવામાં આવેલ રીશિયન મ્યુઝિયમ, નગરગૃહ, વિલા પ્લાન્ટા આર્ટ ગૅલરી, સેન્ટ માર્ટિન પ્રૉટેસ્ટન્ટ દેવળ તથા એપિસ્કોપલ પૅલેસ વિશેષ આકર્ષણનાં સ્થળો છે. રીશિયન મ્યુઝિયમમાં અન્ય વસ્તુઓ ઉપરાંત પ્રાચીન ગ્રંથો તથા ચિત્રકળાના ઉત્તમ નમૂનાઓ છે. સેન્ટ લુસિયસના દેવળની અંદરની સજાવટ સુંદર કલાકૃતિનો પરિચય કરાવે છે.
સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતીય પ્રદેશમાં દાખલ થવા માટે આ નગર પ્રવેશદ્વાર જેવું છે અને તેને અનુલક્ષીને ત્યાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડ ઊભી કરવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે