ચિવરકુ મિગિલેદિ (પુરુષાર્થને અંતે) : તેલુગુ નવલકથાકાર બુચ્છી બાબુની (જ. 1916, અ. 1967) સર્વોત્તમ કૃતિ. પાત્રના મનનાં ઊંડાણોનું આલેખન લેખકની વિશિષ્ટતા છે. આ નવલકથામાં નાયક દયાનિધિના આંતરિક સંઘર્ષો – તેનો સ્વભાવ અને આસપાસના પરિવેશ વચ્ચેના સંઘર્ષો પણ – વર્ણવવામાં આવ્યા છે. કથામાં મુખ્ય ઘટનાઓ નાયકના નારીપાત્રો સાથેના સંબંધો સાથે જોડાયેલી છે. તેમાં સૌપ્રથમ તેની માતા છે; બીજી સ્ત્રીઓમાં કોમલી, અમૃતમ્, સુશીલા, ઇંદિરા વગેરે છે. સમાજમાં થતી તેની માતાની ટીકાથી તે ઘવાય છે, એકલો પડી જાય છે, છતાં તે અડગ રહી માના આદર્શોને સ્વીકારે છે. એકલી અમૃતમને તેની મા પ્રત્યે સમભાવ છે. જીવનના અનેક તણાવો અને સ્તરોમાંથી પસાર થઈ તે તત્વચિંતનાત્મક વલણ અપનાવે છે. કામ કરવા માટે જુદાં જુદાં સ્થળોએ જતો ત્યાં પણ એના વિચારો સામે અવરોધો આવે છે, પણ તે નિરાશ થતો નથી. સંકલ્પથી નવું જીવન શરૂ કરે છે. વ્યક્તિગત મુક્તિ એ આ વાર્તાનો મુખ્ય વિષય છે. નારીસંદર્ભે પણ તેનું આગવું વલણ છે : કોમલીમાં દૈહિક સૌંદર્ય છે, અમૃતમ્ સખ્ય અને પ્રેમ આપે છે; સુશીલા શિક્ષિત છે; ઇંદિરામાં સામાજિકતા છે. આદર્શ નારીત્વ એટલે આ બધાંનો સમન્વય, પણ એવી નારી ન મળતાં ફિલસૂફી તરફ વળી આંતરિક રીતે જીવનની સાર્થકતા અનુભવે છે. નવલકથાની કાવ્યાત્મક શૈલી ધ્યાનપાત્ર છે. પાત્રાલેખન તો કોઈ ચિત્રકારની પીંછીથી થયું હોય એવું તાર્દશ છે.
અનિલા દલાલ