આર્નલ્ડ, મેથ્યૂ (જ. 28 ડિસેમ્બર,1822, લેલહૅમ, મિડલસેક્સ; અ. 15 એપ્રિલ 1888, લિવરપુલ) : અંગ્રેજ કવિ-વિવેચક. ટેમ્સ નદીને કિનારે આવેલા લેલહૅમ (Laleham) ગામના વતની અને પ્રસિદ્ધ રગ્બી શાળાના આચાર્ય, ટૉમના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ પિતાની જ શાળામાં. ઉચ્ચ શિક્ષણ માટે એ ઑક્સફર્ડની બેલિયલ (Balliol) કૉલેજમાં જોડાયા, જ્યાં કાવ્યલેખન માટે એમને 1843માં ‘ન્યૂડિગેટ’ પારિતોષિક પ્રાપ્ત થયું. 1844માં ત્યાંથી સ્નાતક થયા. 1845માં ઑરિયલ (Oriel) કૉલેજમાં ફેલો નિમાયેલા. 1847માં ઉદારમતવાદી રાજપુરુષ માર્ક્વિસ ઑવ્ લૅઝડાઉનના અંગત મંત્રી તરીકે જોડાઈને એમની વગથી 1851માં સરકારી શાળા-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા. આ જ વર્ષે ફ્રાન્સિસ લ્યૂસી વાઇટમન સાથે લગ્ન કર્યું, જે સુદીર્ઘકાલીન અને સુખી નીવડ્યું.
1857 થી 1867સુધી બે પંચવર્ષીય સત્રો માટે એ ઑક્સફર્ડમાં ‘પ્રોફેસર ઑવ્ પોએટ્રી’ના પદે નિયુક્ત થયા. 1859માં સરકારે એમને યુરોપખંડની પ્રવર્તમાન શિક્ષણસ્થિતિનો અભ્યાસ કરવા ફ્રાન્સ, જર્મની અને હોલૅન્ડના પ્રવાસે મોકલ્યા. 1865માં પુન: એ જ રીતે દેશ બહાર પ્રવાસે જવાનું થયું. 1886માં એ આ નોકરીમાંથી નિવૃત્ત થયા તે પૂર્વે એમની ઉમદા અને એકનિષ્ઠ સેવાઓને ધ્યાનમાં લઈ 1883માં સરકારે એમને 250 પાઉન્ડનું નિવૃત્તિવેતન બાંધી આપ્યું હતું. એ જ વર્ષે એમણે અમેરિકાનો વ્યાખ્યાન-પ્રવાસ ખેડ્યો હતો અને 1885માં એ વ્યાખ્યાનો ‘Discourses in America’ નામથી ગ્રંથસ્થ થયાં હતાં. એમની ઇન્સ્પેક્ટર તરીકેની કારકિર્દીનાં આ પાંત્રીસ વર્ષ એકંદરે પરિશ્રમ અને પરિતોષનાં હતાં. 1888માં એ પત્ની સાથે અમેરિકાથી પાછી ફરી રહેલી પોતાની પુત્રીને મળવા લિવરપૂલ ગયા ત્યારે ઝડપથી ટ્રામ પકડવા જતાં હૃદયરોગનો હુમલો આવ્યો અને ઢળી પડ્યા. વતન લેલહૅમમાં એમને દફનાવવામાં આવ્યા.
મેથ્યૂ આર્નલ્ડની સાહિત્યિક સિદ્ધિ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. કાવ્યો, વિવેચના અને લલિતેતર નિબંધો. વિદ્યાર્થીકાળથી આરંભાયેલું એમનું કાવ્યલેખન ઉત્તરોત્તર વિકાસ પામતું ગયું હતું. ગ્રીક પ્રશિષ્ટ રચનાઓ તથા વર્ડ્ઝવર્થ અને મિલ્ટનનો એમની કવિતા પર પ્રભાવ વર્તાય છે. એમની કવિતામાં નિર્મર્યાદ ઊર્મિ-આવેગ નથી, પરંતુ એનું સંયમિત નિરૂપણ છે. આથી એમની કવિતા કેટલાકને ઠંડી પણ લાગી છે. ધર્મશ્રદ્ધાપ્રેરિત કુટુંબસંસ્કારો અને વિજ્ઞાનપ્રેરિત બૌદ્ધિક વાતાવરણમાં ઊછરેલા મૅથ્યૂ આર્નલ્ડની કવિતા શ્રદ્ધા અને સંશય, ઊર્મિ અને બુદ્ધિના સંઘર્ષનું પરિણામ જણાય છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ સ્ટ્રેઇડ રેવલર ઍન્ડ અધર પોએમ્સ’ 1849માં, બીજો કાવ્યસંગ્રહ ‘એમ્પેડોક્લિઝ ઑન એટ્ના ઍન્ડ અધર પોએમ્સ’1852માં પોતાના નામ વગર માત્ર Aની સહીથી પ્રકટ કરેલો. પછીથી આ બંને સંગ્રહો એમણે પાછા ખેંચી લીધેલા. 1853માં પોતાના નામ સાથે ‘પોએમ્સ’ સંગ્રહ પ્રકટ કર્યો, જેમાં ‘સોરાબ ઍન્ડ રુસ્તમ’ તથા ‘ધ સ્કૉલર જિપ્સી’ જેવાં એમનાં કીર્તિપ્રદ કાવ્યો સમાવેશ પામ્યાં હતાં. 1855માં ‘પોએમ્સ’નો બીજો ભાગ પ્રકટ કર્યો. ત્યારપછી એક તપ બાદ 1867માં એમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘ન્યૂ પોએમ્સ’ નામથી પ્રકટ થયો; જેમાં ‘રગ્બી ચૅપલ, ‘થઅર્સિસ’ અને ‘ડોવર બીચ’ જેવી સિદ્ધ રચનાઓ મુકાઈ હતી. એમનાં કેટલાંક અંજલિકાવ્યોમાં એમની ઊર્મિની સચ્ચાઈ અને સંયમિત ચિંતન માણી શકાય છે.
એમનું બીજું મહત્વનું પ્રદાન છે વિવેચનના ક્ષેત્રે, જેનો યશ એમના ઑક્સફર્ડમાંના ‘પ્રોફેસર ઑવ્ પોએટ્રી’ના પદને જાય છે. અહીં રહી એમણે ‘ઑન ટ્રાન્સલેટિંગ હોમર’ પર જે વ્યાખ્યાનો (1861) આપ્યાં તે મહત્વનાં ગણાયાં છે. આ ઉપરાંત એમણે જે સાહિત્યિક વિવેચનાત્મક નિબંધો લખ્યા તે ‘એસેઝ ઇન ક્રિટિસિઝમ’ના બે ભાગોમાં સંગૃહીત થયા છે, જેમાં એમની મહત્વની સાહિત્યિક વિચારણા પ્રકટ થયેલી છે. ‘ધ સ્ટડી ઑવ્ પોએટ્રી’ એમાંનો મહત્વનો નિબંધ છે. જીવનમાં કવિતાનો અને કવિતામાં જીવનનો એમણે ખૂબ મહિમા કર્યો છે. કવિતાને એ જીવનની સમીક્ષા ગણે છે તો જીવનના અર્થઘટન માટે અને જીવનમાં સમ્યક આશ્વાસન પ્રાપ્ત કરવા માટે માનવજાતિએ કવિતા તરફ વળવું જોઈએ એવો બુલંદ અભિપ્રાય ઉચ્ચારે છે. કવિતામાં કૃતિની સુઘડ અખિલાઈ પર, તેમાંથી નિષ્પન્ન થતા રસસૌંદર્ય પર એ ભાર મૂકે છે. ‘ઊર્મિથી પરિપ્લાવિત નૈતિકતા’ એ મૅથ્યૂ આર્નલ્ડની કવિતા અને ધર્મની વ્યાખ્યા છે.
જેમ સાહિત્ય વિશે એમણે ઊંડી વિચારણા પ્રકટ કરી છે તેમ સમાજ-સંસ્કૃતિ-શિક્ષણ વિશે પણ મનનીય નિબંધો આપ્યા છે. આવા નિબંધો એમના લેખકજીવનનું ત્રીજું પાસું છે. 1869માં પ્રકટ થયેલ ‘કલ્ચર ઍન્ડ ઍનાર્કી’નું સ્થાન આવાં લખાણોમાં નોંધપાત્ર છે. એમના અન્ય નિબંધસંગ્રહો છે : ‘સેન્ટ પૉલ ઍન્ડ પ્રૉટેસ્ટન્ટિઝમ’ (1870), ‘લિટરેચર ઍન્ડ ડૉગ્મા’ (1873), ‘ગૉડ ઍન્ડ ધ બાઇબલ’ (1875), ‘લાસ્ટ એસેઝ ઑન ચર્ચ ઍન્ડ રિલિજિયન’ (1877).
આમ, મેથ્યૂ આર્નલ્ડ એક સ્વસ્થ કવિ, પ્રશિષ્ટ વિવેચક અને ઉદાર સમાજ-શિક્ષણશાસ્ત્રી તરીકે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજી સાહિત્ય અને સમાજમાં માનભર્યા સ્થાને ઊપસી આવ્યા હતા.
ધીરુ પરીખ