આર્દ્રા (Betelgeuse) : મૃગશીર્ષ તારામંડળનો રાતા રંગે ચમકતો તેજસ્વી તારો. આ તારામંડળ માગશર માસ દરમિયાન રાત્રિના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં ધ્યાન ખેંચે છે. જુલાઈ માસમાં સૂર્ય આર્દ્રાની સમીપ હોવાથી આ નામનું નક્ષત્ર વર્ષાઋતુના આગમન સાથે સંકળાયેલ છે. રાતા રંગનો આ એક મહાવિરાટ (red supergiant) તારો છે. સૂર્ય કરતાં અધિક ભારવાળા તારાના હાઇડ્રોજન વાયુનો આંતરિક પુરવઠો જ્યારે ખલાસ થાય ત્યારે તે તારા ફૂલીને કદમાં અનેકગણા વધી જાય છે અને આ પ્રકારના મહાવિરાટ તારામાં રૂપાંતર પામે છે. માઇકલસન નામના વૈજ્ઞાનિકે 1920ના ડિસેમ્બરમાં તેના ‘સ્ટેલર ઇન્ટરફેરૉમિટર’ નામના ઉપકરણનો માઉન્ટ વિલ્સન ખાતે સૌપ્રથમ વાર ઉપયોગ કરીને આ તારાનો વ્યાસ માપ્યો હતો. આમ તો આ તારો રૂપવિકારી હોવાથી તેનાં તેજસ્વિતા તથા કદમાં મોટી માત્રામાં ફેરફાર થતા રહે છે. પણ સામાન્ય રીતે જો આ તારાને સૂર્યના સ્થાને મૂકવામાં આવે તો મંગળની કક્ષા સુધી તેની સપાટી પહોંચે ! આ તારાની તેજસ્વિતા સૂર્યના કરતાં 7,600થી માંડીને 14,000ગણી રહે છે. પરંતુ સૂર્યની સપાટીના 5,8000 સે. જેટલા તાપમાનના પ્રમાણમાં આ તારાની સપાટીનું તાપમાન ફક્ત 3,1000 સે. જેટલું જ છે. આ કારણે તે રાતા રંગે પ્રકાશે છે.

Betelgeuse star

આર્દ્રા

સૌ. "Betelgeuse star" | CC BY-SA 4.0

જ્યોતીન્દ્ર ન. દેસાઈ