બૉએમ, થિયોબાલ્ડ
January, 2000
બૉએમ, થિયોબાલ્ડ (જ. 1794, મ્યુનિક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત વાંસળીવાદક અને સંશોધક. તેમણે 1828માં મ્યુનિક ખાતે વાંસળી-ઉત્પાદન માટેની ફૅક્ટરીની સ્થાપના કરી. તેમણે ધ્વનિ-નિયમનની ર્દષ્ટિએ પરિપૂર્ણ નીવડે એવી વાંસળી બનાવવાનો નિર્ણય કર્યો. એવી વાંસળી બનાવવા માટે, આંગળીઓ પહોંચી વળી ના શકે એવાં સ્થાનોએ વાંસળી પર છિદ્રો પાડવાં પડે; આ સમસ્યા હલ કરવા યાંત્રિક કળ(key)ની પ્રયુક્તિ પ્રયોજી. 1847માં તેમણે એક નમૂનારૂપ વાંસળી બનાવી. આધુનિક વાંસળી તે નમૂના પર જ આધારિત છે. તેમની આ પદ્ધતિનાં કેટલાંક પાસાં ક્લૅરિનેટમાં પણ વણી લેવાયાં છે.
મહેશ ચોકસી