બોઆસ, ફ્રાન્સ (જ. 9 જુલાઈ 1858, મિન્ડન, જર્મની; અ. 22 ડિસેમ્બર 1942, ન્યૂયૉર્ક સિટી) : પ્રભાવશાળી અમેરિકન માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે વિદ્યાકીય અને વ્યાવસાયિક સ્તરે મૂકવાનો તથા માનવશાસ્ત્રની પ્રશાખાઓને પ્રમાણિત કરવાનો, ‘સંસ્કૃતિ’ વિશેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી માનવશાસ્ત્રને અન્ય પ્રયોગશીલ વિજ્ઞાનોની હરોળમાં મૂકવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેઓ હેડલબર્ગ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર, કીલ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર અને બૉન યુનિવર્સિટીમાં ભૂગોળ ભણ્યા હતા. 1881માં તેમણે કીલ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને ભૂગોળમાં પીએચ.ડી. કર્યું.

તેમના આ શાળાકીય જીવનમાં તેમને પ્રજાતીયશાસ્ત્ર પ્રતિ ભારે ખેંચાણ હતું. મનુષ્યની આદિમ સંસ્કૃતિ વિશે જાણવાના તેમને ભારે મનોરથો હતા. તેમણે બર્લિન યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિશેની બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે તેમની કારકિર્દી એક ભૂગોળવેત્તા તરીકે શરૂ કરી અને એ સંદર્ભમાં 1883માં ઍન્ટાર્ક્ટિકાના બફિન આઇલૅન્ડમાં સંશોધનકાર્ય કર્યું અને તેઓ બર્લિન યુનિવર્સિટીમાં જોડાયા. આ પછી 1886માં બ્રિટિશ કોલંબિયામાં વાનકુવર ટાપુની ઇંડિયન જાતિનો અભ્યાસ કર્યો. આ જાતિ વિશેનું તેમનું સંશોધન તે પછી જિંદગીના અંત પર્યંત ચાલ્યું. 1887માં અમેરિકામાં કાયમ વસવાનો તથા અધ્યયન અને સંશોધન કરવાનો વિચાર કર્યો અને ત્યાંના નાગરિક બન્યા, ત્યાં પરણ્યા તથા ન્યૂયૉર્કમાં સ્થાયી થયા. 1888થી 1892માં ક્લાર્ડ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિભાગમાં રહ્યા. 1893માં શિકાગોમાં માનવશાસ્ત્રીય પ્રદર્શન યોજ્યું, તે પછી 1895માં અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરીમાં મદદનીશ ક્યુરેટર તરીકે રહ્યા. 1896માં કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1899માં ત્યાં જ પ્રાધ્યાપક તરીકે નિમાયા અને 1936માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા.

ફ્રાન્સ બોઆસ

બોઆસે જ્યારે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો ત્યારે ભાષાશાસ્ત્ર, શારીરિક માનવશાસ્ત્ર, પુરાતત્વ, વિજ્ઞાન અને એથ્નૉલોજી – આ બધાં જુદાં હતાં. તેમને માનવશાસ્ત્રના ભાગ તરીકે લાવવાનું તથા પ્રત્યક્ષ સંશોધનો દ્વારા સિદ્ધાંતો તારવવાનું તેમણે ગોઠવ્યું. પોતાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ક્ષેત્રકાર્યમાં જોડીને માનવશાસ્ત્રીય અધ્યયનમાં ક્ષેત્રકાર્ય કરવાની દિશા ખોલીને અમેરિકન માનવશાસ્ત્રનો પાયો નાખ્યો. માનવશાસ્ત્રને લગતાં વિવિધ પાસાંઓનો તેમણે વિકાસ કર્યો. એથ્નોગ્રાફિક અભ્યાસો વિકસાવ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે માનવશાસ્ત્રનું ધ્યેય સમાજનાં તમામ પાસાંઓનું અધ્યયન કરવાનું છે. ભાષા, રિવાજો, સ્થળાંતરો, શારીરિક લક્ષણો વગેરે તેના અભ્યાસનું વિષયવસ્તુ છે. પ્રજાતીય બાબતોના અભ્યાસો તેમાં પ્રથમ સ્થાને છે. આધુનિક માનવ-વિકાસનાં મૂળિયાં આદિમ સમુદાયોના વિકાસની પ્રક્રિયામાં છે; તે તેની કડી સમાં છે. વળી વિવિધ જાતિઓના તુલનાત્મક અભ્યાસો પર તેમણે ભાર મૂક્યો. એવા અભ્યાસ દ્વારા માનવ-વિકાસના સિદ્ધાંતોને સમજી શકાય છે. એ રીતે આધુનિક સમુદાયોની સમસ્યાઓને સમજવા માટે આ સંશોધનો આવશ્યક બની રહે છે.

1900માં અમેરિકન ઍન્થ્રોપોલૉજિકલ એસોસિયેશનની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. અમેરિકન એથ્નોલૉજિકલ સોસાયટીના પુનર્ગઠનનું કામ તેમણે કર્યું તથા અમેરિકન ફોકલૉર સોસાયટીની સ્થાપના કરી. તેમણે સંશોધક તરીકે, અધ્યાપક તરીકે, વહીવટદાર તરીકે એમ વિવિધ પ્રકારે કાર્ય કરીને પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. તેમણે પુસ્તકો ઉપરાંત 700 જેટલા મૉનોગ્રાફ તથા લેખોનો મહત્વનો વારસો માનવશાસ્ત્રને આપ્યો છે. આમ માનવશાસ્ત્રના પિતા તરીકે તેમનું નામ જાણીતું છે.

બોઆસ માનતા હતા કે સત્ય શિક્ષણ અને પુસ્તકો દ્વારા વહેંચાય છે. તેમણે પોતાના સમગ્ર વિદ્યાકીય સમય દરમિયાન પ્રજાતીય તત્વો વિશેના પૂર્વગ્રહો તથા ભ્રામક ખ્યાલો વિશે સતત રજૂઆતો કરી છે. પોતાના વિદ્યાર્થીઓ પાસે પ્રત્યક્ષ સંશોધનાત્મક અભ્યાસો કરાવીને પ્રજાતિવાદ અને તેના ખોટા ખ્યાલો–માન્યતાઓને ભૂંસવાનું યુદ્ધ બોઆસ જેટલું કોઈએ ચલાવ્યું ન હતું. તેમણે તેમની સમગ્ર વિદ્યાકીય કારકિર્દી દરમિયાન વિવિધ ક્ષેત્રના માનવશાસ્ત્રીઓની એક મોટી પેઢી ઊભી કરી આપી. આમાં એ. એફ. ચેમ્બરલિન, એ. એલ. ક્રોબર, એડવર્ડ સેપિર, એ. એ. ગોલ્ડનવાઇઝર, આર. એચ. લોવી, રૂથ બેનેડિક્ટ, માર્ગરેટ મીડ, એમ. જે. હસ્કોવિટ્સ, ઍલેક્ઝાંડર લેસર, ઇ. એ. હોબેલ જેવા અમેરિકન માનવશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. તેઓ ખુલ્લા મનના તથા સમસ્યાઓનું નિરાકરણ શોધવાનો સતત પ્રયત્ન કરનાર એક ઉત્તમ સંશોધક હતા. આમ તેમણે જીવનના અંત સુધી માનવશાસ્ત્રને ‘આર્મચેર’ માનવશાસ્ત્ર તરીકે ન રહેવા દેતાં અનુભવજન્ય ક્ષેત્રકાર્યવાળા એક આધુનિક વિજ્ઞાન તરીકે સ્થાપવાનો પુરુષાર્થ કર્યો. ‘માનવ’ વિશેના ભ્રામક ખ્યાલોમાં પરિવર્તન લાવવાનું ભગીરથ કાર્ય પણ તેમણે અદા કર્યું.

તેમનાં મહત્વનાં પુસ્તકો નીચે પ્રમાણે છે : (1) ‘સેન્ટ્રલ એસ્કિમો’ (1888), (2) ‘કાવાકિઉટી ટેક્સ્ટ’  (1905), (3) ‘ધ માઇન્ડ ઑવ્ પ્રિમિટિવ મૅન’ (1911), (4) ‘પ્રિમિટિવ આર્ટ’ (1927), (5) ‘ઍન્થ્રોપૉલોજી ઍન્ડ મૉડર્ન લાઇફ’ (1928), (6) ‘રેસ, લૅન્ગવેજ ઍન્ડ કલ્ચર’ (1940).

અરવિંદ ભટ્ટ