બૅંગકૉક નૅશનલ મ્યુઝિયમ (સ્થાપના 1874) : થાઇલૅન્ડના સાંસ્કૃતિક, ધાર્મિક અને પુરાતત્વીય અવશેષોનું સંગ્રહસ્થાન. રાજા ચુલાલૉનગકૉર્મની પ્રેરણાથી આ સંગ્રહાલય સ્થપાયું. સંગ્રહાલયના મુખ્ય મકાનનું ઐતિહાસિક મહત્વ છે. તે રાજાના દ્વિતીય કુંવર વાંગના માટે બનાવેલો મહેલ છે. બૅંગકૉક શહેરનો ઈ. સ. 1782માં પાયો નંખાયો તે સમયે આ મહેલ સૌપ્રથમ બાંધવામાં આવ્યો. ઈ. સ. 1874માં આ મહેલનું સંગ્રહાલયમાં રૂપાંતર થયું. ઈ. સ. 1966માં ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ આ સંગ્રહાલય સાથે જોડાયું અને તેના મુખ્ય મકાનનું વિસ્તરણ થયું.
અહીં પ્રદર્શિત સંગ્રહમાં પ્રાગ્-ઐતિહાસિક સમયથી વર્તમાન સમય સુધીની વસ્તુઓ છે. શિલ્પો, સંગીતવાદ્યો, રાજચિહ્નો, ધાર્મિક કર્મકાંડને લગતી વસ્તુઓ, ચિનાઈ માટીની વસ્તુઓ, શસ્ત્રો વગેરે પ્રદર્શિત છે. પ્રદર્શિત શિલ્પો, ચિત્રો અને કાપડની ચીજોમાં ભારત તેમજ બીજા દેશોની અસર જોવા મળે છે.
કાપડવણાટ વિભાગમાં ભારતીય સોદાગરી બ્લૉકપ્રિન્ટના શ્રેષ્ઠ નમૂનાઓ છે. અહીં ઈ. સ.ની આઠમી-નવમી સદીના અરસાનું વિષ્ણુનું એક શિલ્પ છે, જેમાં શંકુ આકારનો અયોધ્યા-શૈલીનો ટોપો પહેરેલ જોવામાં આવે છે. શ્રીવિજયમાંથી મળેલ અવલોકિતેશ્વરનું સુંદરતમ શિલ્પ, અંગકોરવાટનું બારમી સદીનું બુદ્ધના જન્મપ્રસંગને રજૂ કરતું શિલ્પ પણ અહીં પ્રદર્શિત છે.
સોનલ મણિયાર