બૅંકિંગ : ધિરાણ કરવાના અથવા રોકાણ કરવાના હેતુથી લોકો પાસેથી નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવાનો અને આવી થાપણો મૂકનાર દ્વારા પરત માગવામાં આવે ત્યારે ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે તુરત જ અથવા નિશ્ચિત તારીખે પરત કરવાનો વ્યવસાય. નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવી અને તેમાંથી ધિરાણ કરવું આ બે પ્રવૃત્તિઓને સામાન્ય અર્થમાં બૅંકિંગ કહેવાતું હતું, પરંતુ આવી પ્રવૃત્તિઓ તો બૅંક ગણાતી ન હોય તેવી સંસ્થાઓ (દા.ત. ગૃહમંડળીઓ, નાણાકીય નિગમો વગેરે) પણ કરતાં હોય છે. આમ છતાં તેઓ બૅંક તરીકે ઓળખાતાં નથી. ભારતમાં બૅંકિંગની વ્યાખ્યા આપવાનો પ્રયાસ સૌપ્રથમ 1926માં હિલ્ટન-યંગ કમિશને કર્યો હતો. તેના અહેવાલ મુજબ ‘બૅંક’ એટલે ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા ઉપાડી શકાય તેવી નાણાકીય થાપણો સ્વીકારતી અને પોતાનાં નામ અને વર્તનમાં ‘બૅંક’ શબ્દનો ઉપયોગ કરતી હોય તેવી કંપની. ભારતના બૅંકિંગ નિયમન અધિનિયમ (Banking Regulation Act) 1949ની કલમ 5(b) અનુસાર (1) માગણી થવાની સાથે અથવા નિશ્ચિત તારીખે પરત કરવાની હોય તેવી થાપણો લોકો પાસેથી સ્વીકારતી, (2) થાપણોનો ઉપાડ ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે કરવા દેતી અને (3) થાપણ તરીકે સ્વીકારવામાં આવેલાં નાણાંનો ફક્ત ધિરાણ અથવા રોકાણના હેતુ માટે ઉપયોગ કરતી સંસ્થાને બૅંક કહેવામાં આવે છે. બૅંક, બૅંકર અને બૅંકિંગ – આ 3 શબ્દોમાંથી એક અથવા વધુ શબ્દોનો ગેરકાયદેસર અથવા અયોગ્ય ઉપયોગ ન થાય તે હેતુથી 1963ના અધિનિયમથી બૅંકિંગ નિયમન અધિનિયમ 1949માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ આ અધિનિયમમાં દર્શાવેલી બૅંકની વ્યાખ્યામાં આવરી લેવાતી ન હોય તેવી કોઈ પણ કંપની પોતાના નામ સાથે ‘બૅંક’, ‘બૅંકર’ અથવા ‘બૅંકિગ’ – એ 3 શબ્દોમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકશે નહિ. તથા બકિંગનો વ્યવસાય કરતી કોઈ પણ કંપની આ ત્રણ શબ્દોમાંથી ઓછામાં ઓછા એક શબ્દનો પોતાના નામ સાથે ઉપયોગ કર્યા વિના બૅંકિંગનો વ્યવસાય કરી શકશે નહિ. આ વ્યાખ્યાના હિસાબે નાણાંની ધીરધાર કરનારના અથવા દેશી શરાફના વ્યવસાયને ‘બૅંકિંગ’ કહી શકાય નહિ.

બૅંકિંગ વ્યવસાય વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં મહત્વનો ફાળો આપે છે. બૅંક વ્યાપાર-ઉદ્યોગને નાણાં ધીરીને તેમની ટૂંકા અને લાંબા-ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે. તેમને નવો ધંધો શરૂ કરવામાં; ચાલુ ધંધો વિકસાવવામાં; અને ધંધાનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવામાં સહાય કરે છે. તેમને નાણાં ચૂકવવાની અને નાણાંની હેરફેરની સગવડો પૂરી પાડે છે. નવી કંપનીઓને તેમના શૅર અને ડિબેન્ચર વેચી આપવાની સવલત આપીને મૂડી ઊભી કરવામાં મદદ કરે છે. વેપારીઓની શાખ વિશે માહિતી પૂરી પાડીને તેમના સંબંધો વિકસાવવામાં અને ઉધાર માલ ખરીદવા-વેચવામાં સહાય કરે છે. આયાતકારો અને નિકાસકારોને હૂંડિયામણ મેળવી આપવામાં સહાય કરે છે તથા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંચાલન અને ટૅકનિકલ બાબતોમાં સલાહસૂચન દ્વારા માર્ગદર્શન આપે છે.

બૅંકિંગ વ્યવસાય જાહેર જનતાને પણ ઉપયોગી સેવા પૂરી પાડે છે. અસંખ્ય બચતકારો, નિવૃત્ત લોકો અને ટ્રસ્ટો બૅંકોમાં થાપણો મૂકીને આવક મેળવે છે, તેમને નાણાંની લેવડદેવડ અને હેરફેરની સસ્તી અને સલામત સવલત આપે છે અને દેશના અનેક લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજગારીની તકો પૂરી પાડે છે.

આ ઉપરાંત બૅંકિંગ વ્યવસાય સરકારને આર્થિક પ્રવાહોનું નિયંત્રણ કરવામાં સહાયરૂપ થાય છે. બૅંક ધિરાણના વ્યાજના દરમાં ફેરફાર કરીને તથા સરકારી અને બીજી જામીનગીરીઓનું ખરીદ-વેચાણ કરીને બજારમાં ફરતા નાણા-પ્રવાહમાં વધઘટ કરીને મંદી કે ફુગાવા ઉપર અંકુશ મેળવવામાં સરકારને સહાય કરે છે. ધિરાણ સસ્તું કે મોંઘું બનાવીને દેશના આર્થિક વિકાસની દિશા, તેનું સ્વરૂપ અને તેની ગતિ નક્કી કરવામાં સહાય કરે છે અને સરકારી કરવેરાની રકમ સ્વીકારવામાં તથા તે સરકારની તિજોરીમાં જમા કરાવવામાં મદદરૂપ થાય છે.

પિનાકીન ર. શેઠ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે