બૅંકિંગ નિયમન ધારો : ભારતમાં બૅંકિંગનો વ્યવસાય કરતી કંપનીઓનું નિયમન કરતો ધારો. 1936 સુધી બૅંકો હતી, પણ બૅંકિંગને લગતો અલગ ધારો નહોતો. બૅંકિંગનો ધંધો કરતી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ 1913ના કંપની ધારા હેઠળ અસ્તિત્વમાં આવી હતી અને બૅંકિંગને લગતા વ્યવહારો કરતી હતી. ભાગીદારી પેઢી કે વૈયક્તિક માલિકીને માટે કરારના ધારા જેવા અન્ય ધારા લાગુ પડતા હતા. બૅંકિંગને લગતા ધારાના અભાવે થાપણો મૂકનારી સામાન્ય પ્રજાને ખૂબ નુકસાન થતું હતું, કારણ કે બકરો થાપણો પચાવી પાડતા હતા. આથી, 1936માં કંપની ધારામાં કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી કે જેથી થાપણદારોને અંશત: રક્ષણ મળે. આ જોગવાઈઓ અપૂરતી નીવડી. આથી 1949માં બૅંકિંગ કંપની નિયમન-ધારો (Banking Companies Regulation Act, 1949) અમલમાં આવ્યો. 1965માં આ ધારામાં સુધારા કરવામાં આવ્યા. ધારાનું નવું નામ બૅંકિંગ નિયમન ધારો (Banking Regulation Act) રાખવામાં આવ્યું. 1968માં બૅંકો પર સામાજિક અંકુશ લાદવાના હેતુથી ખાસ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જુલાઈ 1969માં 14 મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ થતાં આ ખાસ કાયદો અપ્રસ્તુત બની ગયો. પરિણામે નવો ધારો 1970માં અસ્તિત્વમાં આવ્યો. આ બૅંકિંગ કંપનીઝ (ઍક્વિઝિશન ઍન્ડ ટ્રાન્સફર ઑવ્ અન્ડરટેકિંગ્ઝ) ઍક્ટ હેઠળ શરૂઆતમાં 14 અને 1980માં વધારાની 6 રાષ્ટ્રીયકૃત બૅંકોને આવરી લેવામાં આવી છે. આ ધારાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપની ધારો અને અન્ય સંબંધિત ધારાઓ પણ બૅંકોને લાગુ પડશે. આ સ્પષ્ટતાને કારણે બૅંકોને કંપની ધારો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ, કરાર ધારો જેવા ધારાઓ લાગુ પડે છે. અલબત્ત, બૅંકિંગ નિયમન ધારામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હોય કે આ અન્ય ધારાઓની કોઈક ચોક્કસ જોગવાઈઓ બૅંકોને લાગુ પડશે નહિ, તો તેટલા પૂરતું અન્ય ધારાઓની તેવી જોગવાઈઓ બૅંકોને લાગુ પડતી નથી. દા.ત., લિમિટેશન ઍક્ટ હેઠળ દેવાદારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવવી જોઈએ. બૅંકિંગ નિયમન ધારા હેઠળ બૅંકોને આ જોગવાઈમાંથી મુક્ત કરવામાં આવી છે. આથી લેણદારોએ ચેક લખીને પોતાનાં લેણાં નાણાં માંગવાનાં હોય છે. આમ, એકલા બૅંકિંગ નિયમન ધારા હેઠળ જ બૅંકો ચાલતી નથી, તેમને અન્ય સંબંધિત કાયદાઓ પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડતા હોય છે.

1965ના બૅંકિંગ નિયમનધારામાં જે કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે : (1) બૅંકિંગ કંપનીઓએ પોતાના નામમાં બૅંક અથવા ‘બૅંકર’ જેવા શબ્દોનો સમાવેશ કરવો, (2) થાપણો સ્વીકારવી, (3) ધિરાણ કરવું. બૅંકોને આનુષંગિક સેવાકાર્યો કરવાની છૂટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ધારામાં નકારાત્મક જોગવાઈઓ પણ છે; કોઈ પણ બૅંકિંગ કંપની સીધી યા આડકતરી રીતે કોઈ પણ વસ્તુનાં ખરીદ-વેચાણ, એટલે કે વેપાર તેમજ ઉત્પાદનકાર્ય કરી શકે નહિ. (2) બૅંકિંગ કંપનીની મૂડીની રકમ, મૂડીમાળખાં અને મતાધિકારની એવી નકારાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે કે જેથી કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ સ્થપાઈ જાય નહિ. (3) રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાની પરવાનગી વિના સંખ્યાબંધ કામો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (4) આ ધારાની રૂએ દેશની મધ્યસ્થ બૅંક તરીકે રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના પ્રભુત્વને સ્વીકારવાનું બકોને જણાવવામાં આવ્યું છે.

સૂર્યકાન્ત શાહ