બેલ્જિયમ

વાયવ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 00´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 30,528 ચોકિમી. જેટલો છે. તેની દક્ષિણ, પૂર્વ અને ઉત્તર તરફની ત્રણ બાજુએ ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્ઝ જેવાં વેપારી રાષ્ટ્રો આવેલાં છે; પરંતુ વાયવ્યમાં તે ગ્રેટ બ્રિટનથી ઉત્તર સમુદ્રની સાંકડી પટ્ટી દ્વારા અલગ પડી જાય છે. આ દેશો સાથેના વેપારથી તેને વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. વાયવ્ય યુરોપમાં તે મધ્યસ્થાને આવેલું હોવાથી તેના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન તે બીજા દેશો માટેનું રણક્ષેત્ર બની રહેલું છે. આમ વેપારવણજની ર્દષ્ટિએ તે મોકાનું સ્થાન ધરાવતું હોવા ઉપરાંત સંઘર્ષો ટાણે તારાજી પણ તેના ભાગે જ આવે છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે રણમેદાન બન્યું હોવાથી તેને ઘણું નુકસાન વેઠવું પડેલું છે. બીજા વિશ્વયુદ્ધ બાદનાં વર્ષોમાં તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલું છે. યુરોપિયન કોમ્યુનિટી તથા નાટોનાં મુખ્ય મથકો પણ અહીં જ આવેલાં છે. બ્રસેલ્સ તેનું પાટનગર છે.

બેલ્જિયમનાં બે સત્તાવાર નામ છે : ઉત્તર તરફ ડચ અસર વધુ હોવાથી ડચ ભાષામાં તે ‘કોનિનક્રિજ બેલ્જી’ (Koninkrijk Belgie) અને દક્ષિણ તરફ ફ્રાન્સની અસર વધુ હોવાથી ફ્રેન્ચ ભાષામાં તે ‘રોયૉમે દ બેલ્જિક’ (Royaume de Belgique) નામથી ઓળખાય છે. બંનેનો અર્થ તો બેલ્જિયમનું સામ્રાજ્ય એવો જ થાય છે. ઈ. પૂ. 50–60ના ગાળામાં જ્યારે રોમનોએ આ સ્થળ જીતી લીધેલું ત્યારે અહીં બેલ્જી જાતિ વસતી હતી, તેના પરથી બેલ્જિયમ નામ પડેલું છે. 1831માં તે સ્વતંત્ર થયું તે અગાઉના જુદા જુદા કાળગાળાઓમાં નેધરલૅન્ડ્ઝ, ફ્રાન્સ, સ્પેન, જર્મની અને ઑસ્ટ્રિયાએ તેના પર શાસન કરેલું છે.

ભૂપૃષ્ઠ : બેલ્જિયમ નાનકડો દેશ હોવા છતાં સ્થાનભેદે તેનું ભૂપૃષ્ઠ વિભિન્ન પ્રકારનું છે. અહીં અવરોધરૂપ કોઈ ઊંચા પર્વતો નથી, તેથી વાહનવ્યવહારમાં સરળતા રહે છે. શેલ્ડ, સામ્બ્રે અને મ્યુઝ (માસ) જેવી મોટી ગણાતી નદીઓ અહીં જળમાર્ગો તરીકે ઉપયોગી બની રહેલી છે. અહીં કોઈ મોટાં કુદરતી સરોવરો તો નથી, પરંતુ ઇજનેરોએ દેશના દક્ષિણ ભાગમાં નદીઓને નાથીને ઘણાં જળાશયો તૈયાર કર્યાં છે.

બેલ્જિયમને કુલ ચાર ભૂમિપ્રદેશોમાં વહેંચી નાખેલો છે : (1) કિનારાપ્રદેશો અને અંદરના નીચાણવાળા ભૂમિપ્રદેશો, (2) કૅમ્પેનલૅન્ડ, (3) મધ્યના ઉચ્ચપ્રદેશો અને (4) આર્ડેન (Ardennes).

(1) કિનારાપ્રદેશો અને અંદરના નીચાણવાળા ભૂમિપ્રદેશો : ઉત્તર સમુદ્રને કિનારે આવેલો 63 કિમી.ની પહોળાઈને આવરી લેતો રેતાળ પટ ઉત્તર બેલ્જિયમના મોટાભાગને આવરી લે છે. નેધરલૅન્ડ્ઝની જેમ અહીંના દરિયાકિનારે આવેલા અવરોધો, ડાઇક અવરોધો તથા રેતીના ઢૂવા કિનારાથી અંદરના નીચાણવાળા ભૂમિભાગને પૂર સામે રક્ષણ આપે છે. આ નિમ્ન ભૂમિભાગો ‘પોલ્ડર’ નામથી ઓળખાય છે. તે આડીઅવળી જળયુક્ત શાખાઓથી ભેજવાળા, વૃક્ષવિહીન મેદાનો જેવા દેખાય છે. આશરે 90 મીટરની ઊંચાઈ ધરાવતી, વધુ અંદર તરફની ભૂમિ અસમતળ છે. જમીનોનું ઉપરનું પડ રેતાળ પરંતુ નીચે માટીવાળું છે. અહીંના લોકો તેમાં ખાતરો ઉમેરીને ફળદ્રૂપ બનાવે છે અને ખેતીની સારી ઊપજ લે છે.

(2) કૅમ્પેનલૅન્ડ (કૅમ્પેઇન) : આ પ્રદેશ ઈશાન બેલ્જિયમમાં આવેલો છે. વીસમી સદીની શરૂઆતમાં અહીં કોલસો મળી આવ્યો ત્યાં સુધી તો તે બર્ચનાં જંગલોવાળો, પંકભૂમિનો પ્રદેશ હતો અને ત્યાં વસ્તી પણ ઓછી હતી; પરંતુ આજે તે ખાણપ્રવૃત્તિથી તથા ઔદ્યોગિક મથકોથી ધમધમે છે. વળી, જળપુરવઠો ઉપલબ્ધ હોવાથી રાય અને અન્ય ધાન્ય પાકો લેવાય છે, તેને માટે યોગ્ય જમીન પણ છે. મોટાભાગનાં બર્ચ જંગલોને સાફ કરી નંખાયાં છે અને વન-પર્યાવરણ જાળવી રાખવા તેમજ લાકડાં મેળવવા માટે ઝડપથી ઊગી શકે એવાં સદાહરિત વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે.

(3) મધ્યના ઉચ્ચપ્રદેશો : બેલ્જિયમની ઉચ્ચ કક્ષાની જમીનો ધરાવતા આ પ્રદેશમાં પાટનગર બ્રસેલ્સ સહિત દેશનાં મોટાં શહેરો આવેલાં છે. સામ્બ્રે અને મ્યુઝ નદીની ફળદ્રૂપ ખીણો આ પ્રદેશની દક્ષિણ સરહદ રચે છે.

(4) આર્ડેન : આર્ડેન એ બેલ્જિયમનો અગ્નિકોણી પ્રદેશ છે. સામ્બ્રે અને મ્યુઝ નદીઓથી દક્ષિણ તરફ રહેલો આ પ્રદેશનો ઉત્તર વિભાગ રેતીખડકો તથા ચૂનાખડકોથી બનેલી ડુંગરધારોનો પટ્ટો રચે છે. વધુ દક્ષિણ તરફ ફૅમેનનો વનવિસ્તાર છે. અહીં નદીઓએ ચૂનાખડકોમાં અસંખ્ય ગુફાઓ કોરી કાઢેલી છે. બાકીનો આર્ડેન ભાગ નદીઓથી અલગ પડતી જંગલઆચ્છાદિત ટેકરીઓવાળો છે. પૂર્વ તરફ જર્મનીની સરહદ નજીક બૉટ્રેંગ પર્વત પર બેલ્જિયમનું સર્વોચ્ચ (694 મીટર) શિખર આવેલું છે.

આર્ડેનમાં ખેતીયોગ્ય જમીનો ઓછી હોવાથી તે બેલ્જિયમનો ઓછામાં ઓછી વસ્તીવાળો પ્રદેશ ગણાય છે. અહીંનાં જંગલોમાં વન્ય ભૂંડ, હરણ અને વન્ય બિલાડીઓ જોવા મળે છે. આ વિભાગમાં જ્યાં જ્યાં ઝરા આવેલા છે ત્યાંના પ્રદેશો ખનિજોથી પણ સમૃદ્ધ છે. ઝરાઓનાં પાણી સ્વાસ્થ્યની ર્દષ્ટિએ ગુણકારી છે.

આબોહવા : બેલ્જિયમ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો વર્ષાયુક્ત પ્રદેશ છે. દરિયા પરથી વાતા પશ્ચિમિયા પવનો ભેજ ખેંચી લાવે છે અને તાપમાનને નીચું, માફકસરનું રાખે છે. બ્રસેલ્સમાં જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 18° સે. અને 2° સે. જેટલાં રહે છે, પરંતુ ઉત્તર કિનારે તાપમાનનો ગાળો ઓછો રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ કિનારાના ભાગોમાં 700 મિમી. અને આર્ડેનમાં 1,000 મિમી. જેટલો પડે છે. સામાન્ય રીતે દેશભરમાં હિમવર્ષા પણ થાય છે, પરંતુ આર્ડેન સિવાય બીજે બધે બરફ જામતો નથી, ઓગળી જાય છે. અહીંની સમધાત આબોહવા ખેતી તથા ઉદ્યોગોને ફાયદાકારક નીવડે છે. ઔદ્યોગિક ઉત્પાદનને નુકસાનકારક બની શકે એટલી હદે હવામાન ભાગ્યે જ વધુ ઠંડું કે વધુ ગરમ થાય છે. વરસાદ પણ ભાગ્યે જ મુશળધાર પડે છે. પરિણામે કૃષિપાકો સફળતાથી લઈ શકાય છે.

અર્થતંત્ર : બેલ્જિયમ એ દુનિયાભરના વધુ વિકસિત દેશો પૈકીનો એક ગણાય છે. દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર તેના મુક્ત સાહસ પર રહેલો છે. સરકાર સ્વયં પરિવહન તથા સંદેશાવ્યવહારની અંશત: માલિકી ધરાવે છે. સરકાર પોતે કલ્યાણકારી સેવાઓ પણ પૂરી પાડે છે તથા આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે.

બેલ્જિયમ

ઉત્પાદન : દેશના આશરે 33 % લોકો ઉત્પાદનક્ષેત્રમાં રોકાયેલા છે. દેશમાં પોલાદ, રસાયણો અને કાપડના ઉદ્યોગો અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે છે. પોલાદ-ઉદ્યોગમાં ઇંધન માટે જરૂરી પેટ્રોલિયમની આયાત કરવામાં આવે છે. નવા પોલાદ-એકમો ફલેન્ડર્સમાં બંદરોની નજીકમાં જ આવેલા છે. રસાયણોમાં ઔષધો, સ્ફોટકો, જંતુનાશકો તથા પ્લાસ્ટિકનું ઉત્પાદન લેવાય છે. કાપડ-ઉદ્યોગમાં ગાલીચા, શેતરંજીઓ, કૃત્રિમ રેસા અને દુનિયાભરમાં અહીંના જાણીતા બનેલા લિનનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં સિમેન્ટ, કાચ, ચામડાની ચીજવસ્તુઓ અને કાગળનું ઉત્પાદન પણ લેવાય છે. ખાદ્ય ચીજોમાં બેલ્જિયન ચૉકલેટની પણ એક અગત્યના ઉદ્યોગમાં ગણના થાય છે.

ખેતી : દેશના 5 %થી ઓછા લોકો ખેતીમાં રોકાયેલા છે. દેશની વસ્તીની જરૂરિયાત જેટલી ખોરાકી પેદાશોનું ઉત્પાદન લેવાય છે. ખેતરોનાં કદ પ્રમાણમાં મોટાં છે. ખેતી યાંત્રિક રીતે થાય છે. દુધાળાં ઢોરનો તથા અન્ય પશુઓનો ઉછેર પણ કરવામાં આવે છે. દેશની ખેતીયોગ્ય જમીનો પૈકીની 50 % જમીનો ગોચરો માટે ઉપયોગમાં લેવાય છે. કૃષિપાકોમાં ઘઉં, ફ્લેક્સ, હૉપ્સ, બટાટા તથા શુગરબીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં શાકભાજી, ફળો અને ફૂલો પણ થાય છે.

બેલ્જિયમનું અસ્ખલિત વહેતી નહેરો અને કલાત્મક ઇમારતોનું મનોહર નગર બ્રુગેસ

ખાણકાર્ય : સામ્બ્રે અને મ્યુઝ નદીઓની નજીકમાં તથા કૅમ્પેનલૅન્ડમાં કોલસો મળે છે. 1958 પછીથી કોલસાના નિક્ષેપોનો જથ્થો ખૂબ ઘટી ગયો હોવાથી તથા ઉત્પાદન-કિંમતોમાં વધારો થયો હોવાથી આ ખાણો બંધ કરી દેવામાં આવી છે, પરંતુ ચૂનાખડકો, રેતીખડકો, આરસપહાણ અને સ્લેટની ખનનપ્રવૃત્તિ ચાલે છે.

વિદેશ-વેપાર : દેશમાં કુદરતી સંપત્તિના સ્રોત ઘણા જ ઓછા પ્રમાણમાં હોવાથી તેમજ તૈયાર માલ વેચવા માટે પણ દેશમાં પૂરતું બજાર ન હોવાથી તેને વિદેશ-વેપાર પર આધાર રાખવો પડે છે. બેલ્જિયમ બેનીલેક્સ (બેલ્જિયમ-નેધરલૅન્ડ્ઝ-લક્ઝમબર્ગ ઈકોનૉમિક યુનિયન) તથા યુરોપિયન ઈકોનૉમિક કોમ્યુનિટી જેવી સંસ્થાઓ સાથે જોડાયેલું હોવાથી દેશના વેપાર અને આર્થિક સહકારને પ્રોત્સાહન મળતું રહે છે. યંત્રો, યાંત્રિક સામગ્રી તથા અન્ય ઇજનેરી માલસામાન બેલ્જિયમની આયાત-નિકાસમાં મહત્વનો ફાળો આપે છે. દેશ રસાયણો અને હીરાના કાચા માલની, કપાસ અને ખનિજ તેલની આયાત કરે છે, તથા તૈયાર રસાયણો, તૈયાર હીરા, કાચનો સામાન, પ્રક્રમિત ખાદ્યસામગ્રી, પોલાદ અને સુતરાઉ કાપડની નિકાસ કરે છે.

પરિવહન : દેશભરમાં રસ્તાઓની ગૂંથણી સારા પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગનાં બેલ્જિયન કુટુંબો પોતાની મોટરગાડી ધરાવે છે, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સાઇકલ કે મોટરસાઇકલનો ઉપયોગ કરે છે. રેલમાર્ગો અને હવાઈ સેવા સરકાર હસ્તક છે. બ્રસેલ્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોટું હવાઈ મથક છે. ઍન્ટવર્પ દેશનું મુખ્ય દરિયાઈ બંદર છે, તે દુનિયાભરનાં વ્યસ્ત રહેતાં બંદરો પૈકીનું એક ગણાય છે. ઘેન્ટ (Ghent) અને ઝીબ્રગ (Zeebrugge) બીજા ક્રમે આવતાં બંદરો છે. નદીઓ અને નહેરો મારફતે દેશનાં ઘણાં શહેરો સંકળાયેલાં રહે છે.

સંદેશાવ્યવહાર : દેશમાં આશરે 25 જેટલાં (આ પૈકી એક જર્મન ભાષામાં અને બાકીનાં ડચ કે ફ્રેન્ચ ભાષામાં) સમાચારપત્રો બહાર પડે છે. ટેલિફોન અને તારસેવાઓ દેશભરમાં ફેલાયેલી છે. રેડિયો અને ટેલિવિઝન-સેવાઓ જાહેર નિગમોને હસ્તક છે. તેમની પ્રસારણ-સેવા ડચ તથા ફ્રેન્ચ ભાષામાં અપાય છે. ઘણાંખરાં કુટુંબો પાસે ટેલિવિઝન તથા એક કે વધુ રેડિયો હોય છે.

વહીવટ (રાષ્ટ્રીય) : બેલ્જિયમ બંધારણીય રાજાશાહી ધરાવતો દેશ છે. તેનું બંધારણ 1831માં રચવામાં આવેલું છે. રાજા દેશનો વડો ગણાય છે, પરંતુ રાજાને ઘણી ઓછી સત્તા છે. વહીવટી અમલ માટેની સત્તા વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ધરાવે છે. કાયદાની રૂએ ડચ સ્પીકર અને ફ્રેન્ચ સ્પીકરની સભ્યસંખ્યા સરખા પ્રમાણમાં હોય છે. સંસદનો ટેકો હોય ત્યાં સુધી પ્રધાનમંડળ ટકે છે. ચાર વર્ષની મુદત માટે પ્રજાએ ચૂંટેલ 212 સભ્યોનું પ્રતિનિધિગૃહ તથા 181 સભ્યોની સેનેટ એમ સંસદનાં બે ગૃહ કામ કરે છે; તેમ છતાં વડાપ્રધાનની વિનંતીને આધારે રાજા સંસદને વિખેરી નાખી શકે છે અને નવી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

સ્થાનિક વહીવટ : દેશને કુલ નવ પ્રાંતોમાં વહેંચેલો છે. દરેક પ્રાંત શહેર-નગરોથી બનેલા ‘કૉમ્યૂન’માં વહેંચાયેલો છે. દરેક પ્રાંત માટે પ્રજાએ ચૂંટેલ એક કાઉન્સિલ તથા રાજાએ નિયુક્ત કરેલ એક ગવર્નર હોય છે. દરેક કૉમ્યૂનમાં પણ એક કાઉન્સિલ તથા કાઉન્સિલ દ્વારા ભલામણ કરાયેલ મેયર હોય છે. આ ઉપરાંત દેશને જુદા જુદા સાંસ્કૃતિક અને આર્થિક વિભાગોમાં પણ વહેંચેલો છે.

રાજકીય પ્રવૃત્તિઓ : દેશમાં ફ્રેન્ચ તથા ડચ ભાષાના પક્ષોથી રચાયેલાં મુખ્ય ત્રણ રાજકીય જૂથો – કિશ્ચિયન સોશિયલ પક્ષ, બેલ્જિયન સોશિયાલિસ્ટ પક્ષ અને લિબરલ પક્ષ – અસ્તિત્વ ધરાવે છે. 18 વર્ષની વયના નાગરિકોને મતાધિકાર મળે છે, ચૂંટણીમાં મત ન આપનાર નાગરિક સજાને પાત્ર ગણાય છે.

અદાલતો : દેશમાં એક સર્વોચ્ચ અદાલત, પાંચ વિભાગીય અદાલતો, નીચલી અદાલતો તેમજ મજૂર-તકરારો, વાણિજ્ય કરારો તથા લશ્કરી ન્યાય જેવી બાબતો માટેની ખાસ અદાલતો કાર્યરત છે.

લશ્કરી દળો : દેશમાં 90,000નું પુરુષો અને સ્ત્રીઓથી બનેલું ભૂમિદળ, નૌકાદળ તથા હવાઈ દળ છે. આશરે 15,000 જેટલા સ્વયંસેવકો રાષ્ટ્રીય પોલીસ દળમાં સેવા આપે છે. 18 વર્ષની વય થતાં દરેક પુરુષ નાગરિકને લશ્કરમાં જોડાવાનું ફરજિયાત છે.

લોકો : બેલ્જિયમની કુલ વસ્તી 1,01,30,000 (1995) જેટલી છે. દુનિયામાં તે અતિ ગીચ વસ્તી ધરાવતા દેશો પૈકી એક ગણાય છે. બ્રસેલ્સ દેશનું પાટનગર તથા મુખ્ય વાણિજ્યમથક છે. બ્રસેલ્સનો મહાનગર વિસ્તાર એ આખા દેશમાં મોટામાં મોટો શહેરી વિસ્તાર છે. ઍન્ટવર્પ બીજા ક્રમે આવે છે. બંને શહેરોના પરાવિસ્તારો તેમના મૂળ શહેરવિભાગો કરતાં ઘણા મોટા છે. આ ઉપરાંત ઘેન્ટ, લીગ અને શાર્લેરૉય (Charleroi) પણ મોટાં શહેરો છે. દેશની મોટાભાગની વસ્તી મુખ્ય બે જાતિસમૂહોમાં વહેંચાયેલી છે : ફ્લેમિંગ્ઝ (55 %) અને વૉલુન્સ  (30 %). પાંચમી સદી દરમિયાન હુમલાઓ કરીને બેલ્જિયમમાં પ્રવેશેલો ફ્લેમિંગ સમૂહ ફ્રૅન્ક તથા જર્મનિક જાતિઓના વંશજોનો બનેલો છે. વૉલુન્સ સમૂહના લોકો ફ્રૅન્ક હુમલાખોરોના સમય અગાઉ અહીં રહેતી કેલ્ટિક જાતિઓમાંથી ઊતરી આવેલા છે. ફ્લેમિંગ ઉત્તર બેલ્જિયમમાં અને વૉલુન્સ દક્ષિણ બેલ્જિયમમાં રહે છે. કેટલાક નિવાસીઓ ફ્લેમિંગ્ઝ–વૉલુન્સ–મિશ્રવંશી પણ છે. જર્મન સરહદ નજીકના લોકો પૈકીનો આશરે 1 % જેટલો ભાગ જર્મનભાષી છે.

ભાષા : ફ્લેમિંગો દ્વારા બોલાતી ડચ અને વૉલુન્સ દ્વારા બોલાતી ફ્રેન્ચ એ બે અહીંની સત્તાવાર ભાષાઓ છે. 1967–1971ના ગાળામાં સંસદે બંધારણીય સુધારો લાવીને બેલ્જિયમને ફ્લેન્ડર્સ, વાલોનિયા, બ્રસેલ્સ અને પૂર્વીય બ્રસેલ્સ જેવા ચાર ભાષાકીય વિસ્તારોમાં વિભાજિત કર્યું છે. તમામ પ્રકારના જાહેર જીવન-વ્યવહારમાં તેમજ શિક્ષણમાં ફ્લેન્ડર્સ માટે ડચ, વાલોનિયા માટે ફ્રેન્ચ તથા પૂર્વ બેલ્જિયમના નાના વિભાગ માટે જર્મન ભાષાનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ થાય છે. બ્રસેલ્સમાં તો ડચ અને ફ્રેન્ચ બંને ભાષાઓ વપરાય છે.

શિક્ષણ : દેશના પુખ્ત વયના મોટાભાગના લોકો લખી-વાંચી જાણે છે. બેલ્જિયમમાં બે પ્રકારની શાળાસંચાલનપદ્ધતિ અમલમાં છે. સરકાર-સંચાલિત શાળાઓ તથા કૅથલિક ચર્ચ દ્વારા સંચાલિત મુક્ત શાળાઓ. આ બંને પ્રકારની શાળાઓને સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. 6થી 18 વર્ષનાં બાળકો માટે શાળામાં જવું ફરજિયાત છે. દેશમાં પ્રાથમિક, માધ્યમિક, વ્યવસાયી અને તાલીમી શાળાઓ છે; ચાર યુનિવર્સિટીઓ છે. ઘેન્ટ અને ઍન્ટવર્પ યુનિવર્સિટી ફ્લેન્ડર્સમાં છે, તો લીગ અને મૉન્સ યુનિવર્સિટી વાલોનિયા વિસ્તારમાં આવેલી છે. આ ઉપરાંત ચાર ખાનગી યુનિવર્સિટીઓ પણ છે.

કલા-સંસ્કૃતિ : બેલ્જિયમનિવાસીઓએ કલાક્ષેત્રે, વિશેષે કરીને ચિત્રકલામાં, ઘણી સિદ્ધિઓ મેળવી છે. અહીંનાં કુદરતી ર્દશ્યોનાં રંગીન ચિત્રો, ધાર્મિક ચિત્રો, ભાવવાહી ચિત્રો, દૈત્યો અને માનવોનાં ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં છે. કંઠ્ય સંગીત તેમજ વાદ્ય સંગીતમાં પણ આ દેશનો ઘણો મોટો ફાળો છે. ડચ ભાષામાં નવલકથાઓ લખાઈ છે તથા ડચ અને ફ્રેન્ચ બંને ભાષાઓમાં સાહિત્યક્ષેત્રે ઘણું ખેડાણ થયું છે.

ધર્મ : દેશના લોકોને ગમે તે ધર્મ પાળવાની છૂટ છે. સરકાર તરફથી દરેક ધર્મ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. 90 % લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે, તે પૈકીના 50 % લોકો નિયમિત રીતે ચર્ચમાં જાય છે. 1 % લોકો પ્રૉટેસ્ટંટ છે. આશરે 8 % લોકો કોઈ જ ધર્મ પાળતા નથી. વૉલુનો કરતાં ફ્લેમિંગો ધર્મને વધુ મહત્વ આપે છે; તેઓ પોતાનાં બાળકોને કૅથલિક શાળાઓમાં મોકલે છે. તેમની રાજકીય કે સામાજિક પ્રવૃત્તિઓ પણ ચર્ચ-સંબંધિત સંસ્થાઓમાં ચાલે છે.

રહેણી-કરણી : દેશની લગભગ 95 % વસ્તી શહેરો કે નગરોમાં જ વસે છે. 5 % ગ્રામીણ વસ્તીના મોટાભાગના લોકો પણ પોતાના નોકરી-વ્યવસાય અંગે તો શહેરોમાં જ જાય છે. લોકોનો ગણ્યોગાંઠ્યો ભાગ જ નાના છૂટાછવાયા સમૂહોમાં રહે છે. દુનિયાભરમાં બેલ્જિયમ જ એકમાત્ર એવો દેશ છે, જ્યાં રહેઠાણની તંગી નથી. મકાનો કે ઘરો મજબૂત બાંધણીવાળાં હોય છે. ઘરનાં રસોડાં પ્રમાણમાં મોટાં હોય છે. કુટુંબોમાં સભ્યો પરસ્પર સંયુક્ત કૌટુંબિક ભાવનાથી બંધાયેલાં હોય છે. લોકો વિવિધ પ્રકારનું માંસ (દા.ત., ગાય, મરઘી, ડુક્કર, સસલાં કે વાછરડાંનું) ઉપયોગમાં લે છે. કાર્બોનેડ્સ (બિયરમાં બાફેલું ગોમાંસ) અને વૉટરઝૂઈ (મરઘી-માંસ કે માછલી સહિતનું રાબ જેવું પ્રવાહી) એ બે અહીંની પ્રિય વાનગીઓ ગણાય છે. વિવિધ જાતની માછલીઓ તથા શાકભાજીમાંથી પણ વાનગીઓ બનાવાય છે. વિનેગર કે રાઈના ભૂકા સાથે ભેળવેલી બટાટાની ચીરીઓ (ચિપ્સ) બજારમાં છૂટક વેચાય છે. અહીં ઠેકઠેકાણે કાફે હોય છે; ત્યાં કૉફી, પેસ્ટ્રી, બિયર તેમજ સામાન્ય પીણાં મળી રહે છે.

સાઇકલ-સ્પર્ધાઓ તથા ફૂટબૉલની રમતો અહીં ખૂબ જાણીતી બનેલી છે. ગ્રામીણ લોકો માછીમારી, તથા શિકાર કરે છે, કબૂતરની વિશિષ્ટ સ્પર્ધાઓ યોજે છે. દેશના અસંખ્ય લોકો ઉત્તર તરફનાં દરિયાઈ વિહારમથકો પર રજાઓ ગાળવા તથા બીજા કેટલાક દેશના અગ્નિભાગમાં આવેલા વન્ય-પહાડી વિસ્તારોમાં રહેવા માટે જાય છે.

ઇતિહાસ : આજના બેલ્જિયમના સ્થળે પ્રાગ્ઐતિહાસિક કાળથી લોકોનો વસવાટ હતો. ઈ. પૂ. 100ના ગાળામાં અહીં બેલ્જી નામથી ઓળખાતી સેલ્ટિક જાતિના લોકો રહેતા હતા. ઈ. પૂ. 50ના અરસામાં જુલિયસ સીઝરની દોરવણી હેઠળ રોમન દળોએ આ બેલ્જી લોકોને હરાવેલા. ત્યારપછીથી આ વિસ્તાર ગૉલ પ્રદેશ (રોમનો તેને ગૅલિયા કહેતા) તરીકે ઓળખાતો થયો. રોમન શાસકોએ અહીં શહેરો, ઉદ્યોગો તથા સારા રસ્તાઓનો વિકાસ કર્યો.

પાંચમી સદીના ગાળા સુધીમાં ફ્રૅન્ક તરીકે ઓળખાતા જર્મનિક લોકોએ ઉત્તરના ગૉલ પ્રદેશમાંથી રોમનોને હાંકી કાઢ્યા. ફ્રૅન્ક રાજવી ક્લૉવિસે આ બેલ્જિયન પ્રદેશોનો સમાવેશ કરતા વિસ્તારનું એક સામ્રાજ્ય સ્થાપ્યું. 496માં અહીં ખ્રિસ્તી ધર્મને રાજ્યધર્મ તરીકે પણ સ્થાપિત કર્યો. સાતમી સદીના અંતિમ ભાગમાં ક્લૉવિસના વંશજોએ આ સામ્રાજ્ય પરનું વર્ચસ્ ગુમાવ્યું, તેમ છતાં એક વંશજ શાર્લમૅને અહીં 768થી 814 સુધી શાસન કરેલું. ત્યારે બેલ્જિયમ પશ્ચિમ યુરોપના આ વિભાગનું મુખ્ય મથક રહેલું. 843માં શાર્લમૅનના ત્રણ પૌત્રોએ આ સામ્રાજ્યના ત્રણ ભાગ કર્યા. દસમી સદી સુધીમાં તો તેમણે તેમની મોટાભાગની સત્તા ગુમાવી, પરિણામે આ વિભાગો સામંતશાહી જાગીરોમાં ફેરવાતા ગયા. ત્રણ સદી સુધી ચાલેલી જાગીરશાહીના સમયમાં બેલ્જિયમ વેપાર અને ઉદ્યોગનું મથક બની રહેલું.

ચૌદમી અને પંદરમી સદી દરમિયાન, બર્ગન્ડીના ડ્યૂકોએ બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝમબર્ગના વિસ્તાર પર રાજ્ય કર્યું. આ શાસનકાળમાં અહીંના વેપારીઓ, ઉત્પાદકો સમૃદ્ધ બન્યા તથા કલાનો વિકાસ થયો. પંદરમી સદીના અંતિમ ચરણ(1477)માં આ બધો વિસ્તાર ઑસ્ટ્રિયાના હબ્સબર્ગ કુટુંબને હસ્તક ગયો. 1516માં તે સ્પેનના કબજામાં ગયો. 1566માં અહીંના પ્રૉટેસ્ટંટોએ સ્પેન સામે બળવો કર્યો. 1581માં નેધરલૅન્ડ્ઝે પોતાના વિસ્તાર માટે સ્વતંત્રતાની ઘોષણા કરી. 1648માં સ્પેને તેને સ્વતંત્રતા આપી અને માન્ય પણ રાખી; પણ બેલ્જિયમનો વિસ્તાર તો સ્પેનના કબજા હેઠળ જ રહ્યો. ઉત્તર અને દક્ષિણના આ વિસ્તારોના ભાગલા પડવાથી બેલ્જિયમના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો. સત્તરમી સદીના સમગ્ર ગાળા દરમિયાન સ્પેન અને બીજા દેશો વચ્ચે સંઘર્ષો થતા રહ્યા અને બેલ્જિયમનું અર્થતંત્ર ખોરવાતું રહ્યું. 1713માં સંગ્રામોના સમાધાન રૂપે સ્પેને આ વિભાગ ઑસ્ટ્રિયાને આપી દીધો. ઑસ્ટ્રિયન શાસનથી અઢારમી સદીમાં અહીં વહીવટી, આર્થિક, શૈક્ષણિક, વાણિજ્ય, ખેતી તથા કાયદાકીય વિકાસ સધાયો. 1789માં બેલ્જિયમના લોકોએ બળવો કર્યો, ઑસ્ટ્રિયાને હરાવ્યું; પરંતુ બીજા જ વર્ષે ઑસ્ટ્રિયાએ તેનો ફરીથી કબજો લઈ લીધો. 1794માં ફ્રેન્ચોએ બેલ્જિયમમાંથી ઑસ્ટ્રિયનોને હાંકી કાઢ્યા. 1795માં આ વિસ્તાર ફ્રાન્સનો ભાગ બની રહ્યો; નેપોલિયન પહેલાના પતન સુધી તે ફ્રાન્સના તાબામાં રહ્યો. 1815માં નેપોલિયન વૉટરલૂની લડાઈમાં હાર્યો. ફ્રેન્ચ શાસન હેઠળ અહીં શૈક્ષણિક તથા કાયદાકીય સુધારા થયા, ફ્રેન્ચ ભાષાનું વર્ચસ્ વધ્યું, ત્યારે માત્ર અભણ ફ્લેમિંગો જ ડચ ભાષા બોલતા હતા.

નેપોલિયનની હાર પછી યુરોપીય રાજદ્વારી નેતાઓ યુરોપ ખંડના નકશાકીય ફેરફારો કરવા માટે વિયેનામાં મળ્યા. તેમણે નેધરલૅન્ડ્ઝ અને બેલ્જિયમના સામ્રાજ્યને વધુ ફ્રેન્ચ વિસ્તરણ અટકાવવાના હેતુથી નેધરલૅન્ડ્ઝના નામ હેઠળ ભેગાં કર્યાં. આ એકત્રીકરણને પરિણામે બેલ્જિયમનું અર્થતંત્ર ઝડપથી વિકસ્યું તો ખરું, પરંતુ ડચ વહીવટની કેટલીક નીતિઓને કારણે બેલ્જિયમના લોકોમાં અસંતોષ વધતો જતો હતો; એટલું જ નહિ, પરંતુ ડચ પ્રૉટેસ્ટંટોનું પ્રભુત્વ અહીંના રોમન કૅથલિકોને માન્ય પણ ન થયું અને ડચ સરકાર સામે વિરોધ વધતો ગયો.

1830ના ઑગસ્ટમાં બેલ્જિયમવાસીઓએ બળવો કર્યો, ઑક્ટોબરની ચોથી તારીખે બેલ્જિયમના વિસ્તાર માટેની સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવી. છેવટે 1830ના ડિસેમ્બરમાં ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, પ્રશિયા અને રશિયા જેવી યુરોપીય સત્તાઓએ બેલ્જિયમના સ્વાતંત્ર્યને માન્ય કર્યું અને 1831ના જાન્યુઆરીમાં બેલ્જિયમની સ્વતંત્રતા માટેના કરાર પર સહીઓ કરી.

1831માં બેલ્જિયમનું બંધારણ ઘડાયું, રાજાશાહી અસ્તિત્વમાં આવી. ગ્રેટ બ્રિટનની રાણી વિક્ટોરિયાના કાકા લિયોપોલ્ડને રાજા તરીકે પસંદ કર્યો. તેના શાસન દરમિયાન બેલ્જિયમ યુરોપનું એક ઔદ્યોગિક રાજ્ય બન્યું. આમ 1830 અને 1870 વચ્ચેના ગાળામાં આ દેશનો ઝડપથી ઔદ્યોગિક વિકાસ થયો. 1865માં તેનો પુત્ર લિયોપોલ્ડ બીજો ગાદીએ આવ્યો. તેણે તત્કાલીન સરકારને મધ્ય આફ્રિકામાં સંસ્થાન મેળવવા સમજાવી, પરંતુ સરકાર તેમાં અસફળ રહી તેથી લિયોપોલ્ડે પોતે 1885માં આજના ઝાયર (આફ્રિકા) તરીકે ઓળખાતા સંસ્થાનને કાગો ફ્રી સ્ટેટ તરીકે સ્થાપ્યું. કાગોએ અહીં બેલ્જિયમને રબર, હાથીદાંત તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓ પૂરી પાડ્યા કરી. આ કાર્ય દરમિયાન લિયોપોલ્ડના મારફતિયાઓ આફ્રિકી લોકો સાથે ક્રૂરતાભરી રીતે વર્ત્યા. પરિણામે ગ્રેટ બ્રિટન તથા યુ.એસ.માં વિરોધનું વાતાવરણ ઊભું થતું ગયું. તેમણે 1908માં રાજાને કૉંગો સંસ્થાનનો કબજો સંસદને સોંપી દેવાની ફરજ પાડી. ત્યારપછી આ આફ્રિકી સંસ્થાન બેલ્જિયન કૉંગો નામથી ઓળખાતું થયેલું.

બેલ્જિયમના ઐતિહાસિક નગર ઘેન્ટના મધ્ય ભાગમાં વહેતી લીસ નદીના બંને કિનારા પરનાં, નગરના અલંકાર – સમાં ટાઉનહૉલ અને અન્ય પ્રાચીન સ્થાપત્યો

વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોમાં બેલ્જિયમનું સ્થાન મોખરાનું છે. પાટનગર બ્રસેલ્સ ખાતે આવેલું યુરોપિયન ઈકોનૉમિક કૉમ્યુનિટી(કૉમન માર્કેટ)નું કાર્યાલય

સ્વાતંત્ર્ય પછી ઓગણીસમી સદીમાં ડચભાષી ફ્લેમિંગ લોકો અને ફ્રેન્ચભાષી વૉલુન લોકો વચ્ચે તંગ પરિસ્થિતિ ઉદભવતી ગઈ. ફ્રેન્ચ ભાષાનું વર્ચસ્ હોવાથી તેમણે સરકારી વહીવટી અને અર્થતંત્ર પર કબજો મેળવી લીધેલો હતો. વીસમી સદીમાં પણ આ બે જૂથો વચ્ચે સંઘર્ષો થતા રહ્યા. 1909માં લિયોપોલ્ડ બીજાનો ભત્રીજો આલ્બર્ટ ગાદીએ આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં બેલ્જિયમનાં લશ્કરી દળો મોકલવામાં આવેલાં. 1914ના ઑગસ્ટમાં જર્મનીના આક્રમણથી બેલ્જિયમ પડ્યું. જર્મનોએ બેલ્જિયમના એક નાના વાયવ્ય ભાગ સિવાય બધા જ પ્રદેશનો કબજો લઈ લીધો. આ કારણે અહીંના દસ લાખ જેટલા લોકો ગ્રેટ બ્રિટન, નેધરલૅન્ડ્ઝ તથા ફ્રાન્સમાં નાસી ગયા. બાકીના લોકો પર જર્મનો તૂટી પડ્યા અને લોહિયાળ લડાઈ થઈ. છેવટે 1918ના સપ્ટેમ્બરમાં અન્ય દેશોએ બેલ્જિયમને છોડાવ્યું, 1918ના નવેમ્બરમાં જર્મનો શરણે આવ્યા. વર્સેલ્સની સંધિ મુજબ જર્મની સાથેના યુદ્ધનો અંત આવ્યો. બેલ્જિયમ પાછું મળ્યું, તે ઉપરાંત આફ્રિકાનાં રૂઆન્ડા–ઉરુન્ડી (હવે બુરુન્ડી) પણ મળ્યાં, અર્થતંત્રમાં થયેલી નુકસાની પણ મળી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ બેલ્જિયમ રણક્ષેત્ર બની રહેલું. 1940ના મેની 10મી તારીખે જર્મન દળોએ બેલ્જિયમ પર આક્રમણ કર્યું. 18 દિવસની લડાઈ બાદ બેલ્જિયમ શરણે ગયું. લિયોપોલ્ડ ત્રીજાને જર્મન કબજાવાળા બેલ્જિયમમાં રખાયો, પરંતુ બેલ્જિયન પ્રધાનમંડળે તેની સરકારને લંડન ખાતે ખેસવી દીધી. 1944ના સપ્ટેમ્બરમાં મિત્ર-દેશોનાં દળોએ બેલ્જિયમને મુક્ત કરાવ્યું; પરંતુ 1944ના ડિસેમ્બરમાં જર્મનોએ ફરીથી બેલ્જિયમના અગ્નિભાગ પર હુમલા કર્યા, મિત્ર-દેશોએ તે ખાળ્યા અને લડાઈ જીતી લીધી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રાદેશિક ખુવારી પ્રમાણમાં ઓછી થયેલી, પરંતુ નાગરિકોની ખુવારી વધુ થયેલી. યુદ્ધ બાદ યુરોપમાં વહેલી તકે પુન: સમૃદ્ધ થયેલા દેશો પૈકી બેલ્જિયમને મૂકી શકાય.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં રહેવા માટે લિયોપોલ્ડ ત્રીજા પર ફિટકાર વરસાવવામાં આવ્યો. આંતરવિગ્રહ ફાટે નહિ તેથી તેના પુત્ર બોદોવિન (Baudouin) પહેલાને 1951માં રાજગાદી સોંપી દીધી. ત્યારપછી બેલ્જિયમે આંતરરાષ્ટ્રીય વિદેશી બાબતોના રાજકીય ક્ષેત્રે મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1945માં તે યુનાઇટેડ નેશન્સનું સ્થાપક સભ્ય હતું. 1950માં તે 11 દેશોએ શરૂ કરેલા નાટોનું સભ્ય બન્યું. આ ઉપરાંત બેલ્જિયમે કાઉન્સિલ ઑવ્ યુરોપ તથા યુરોપિયન ઈકોનૉમિક કોમ્યુનિટી જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરવામાં પણ સાથ આપેલો. 1950ના દસકાના ગાળામાં બેલ્જિયન કૉંગોએ પોતાના દેશને સ્વાતંત્ર્ય આપવાની માગણી મૂકી, આ માગણી કબૂલ રાખી અને 1960માં બેલ્જિયન કૉંગો સ્વતંત્ર બન્યું. 1962માં બેલ્જિયમે રુઆન્ડા–ઉરુન્ડી પરના પોતાના અધિકારો પણ પાછા ખેંચી લીધા. 1960–70 વચ્ચેનાં વર્ષોમાં અહીંના બે ભાષાકીય જાતિસમૂહો વચ્ચે તંગદિલી ચાલુ રહી; છેવટે સંસદે 1971માં બંધારણમાં સુધારો કરી દેશને ડચભાષી, ફ્રેન્ચભાષી અને જર્મનભાષી એવા ત્રણ સાંસ્કૃતિક વિસ્તારોમાં તથા ફ્લેન્ડર્સ, વૅલોનિયા અને બ્રસેલ્સ જેવા ત્રણ આર્થિક વિભાગોમાં વહેંચી નાખ્યો. 1980માં સરકારે ફ્લેન્ડર્સ તથા વૅલોનિયાના વિસ્તારોને મર્યાદિત સ્વરાજની સત્તાઓ પણ આપી.

આજે પણ બેલ્જિયમમાં ભાષાકીય સમસ્યાઓ તો ઊભી જ છે; આ કારણે આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં રાજકીય પક્ષોનો સહકાર મળતો નથી. 1975માં સરકારે નવી આર્થિક નીતિઓ અપનાવી છે, જેથી ફુગાવાનો દર ઘટે, બેકારી ઘટે તેમજ આજના આર્થિક વિકાસના દરમાં ફેર પડે.

ગિરીશભાઈ પંડ્યા