બૅલિની, જંતિલે (જ. 1429, વેનિસ, ઇટાલી; અ. 1507) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. ચિત્રકાર જૅકોપો બૅલિનીના પુત્ર. 1470માં પિતા જૅકોપોના મૃત્યુ સુધી જંતિલેએ પિતાના સ્ટુડિયોમાં તાલીમ લીધી. સ્વતંત્ર રીતે કામ કરતા થયા ત્યારે તેમની ગણના વેનિસના ટોચના ચિત્રકારોમાં થવા લાગી. રોમન સમ્રાટ ફ્રેડરિક ત્રીજાએ જંતિલેને દરબારી ચિત્રકારનો દરજ્જો આપ્યો. સમ્રાટે 1479માં જંતિલેને તુર્કીની રાજધાની કૉન્સ્ટેન્ટિનૉપલ મોકલ્યા, ત્યાં 1480માં તેમણે કૉન્સ્ટેન્ટિનૉપલના સમ્રાટ સુલતાન મોહમ્મદ બીજાનું વ્યક્તિચિત્ર આલેખ્યું. આ ચિત્ર હાલમાં લંડન ખાતે નૅશનલ ગૅલરીમાં છે. પરત આવીને પણ તેમણે ઘણાં ચિત્રો દોર્યાં. પણ આ બધાં જ ચિત્રો 1577ની આગમાં બળીને ખાખ થઈ ગયાં. સરઘસ, ઐતિહાસિક ર્દશ્યો અને ઉત્સવો એ બૅલિનીનાં ચિત્રોનો મુખ્ય વિષય છે તેમ તેમનાં બળી ગયેલાં ચિત્રો પરથી કહી શકાય. તેમનું વિશાળકાય ચિત્ર ‘સેન્ટ માર્ક પ્રીચિંગ ઍટ ઍલેક્ઝાન્ડ્રિયા’ તેમના મૃત્યુના કારણે અપૂર્ણ રહ્યું છે.

અમિતાભ મડિયા