બેરો : દફન-ટેકરા. તે માટી કે પથ્થરથી બનેલા હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) નવપાષાણયુગના લાંબા ટેકરા અને (2) અંતિમ મધ્યપાષાણયુગના (પ્રારંભિક કાંસ્યયુગના) માનવોના દફન માટેના ગોળાકાર ટેકરા. દુનિયામાં આવા દફન-ટેકરાઓનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે.
લાંબા ટેકરાઓમાં માનવશબને કાષ્ઠપેટીમાં કે પથ્થરના પાટડાઓ વચ્ચે રાખીને દફનાવેલું હોય છે. આવા લાંબા ટેકરા દક્ષિણ ઇંગ્લૅન્ડના સસેક્સથી ડોરસેટ સુધીનાં પરગણાંઓમાં જોવા મળે છે. પેટીઓ દફનાવી હોય એવા માટીથી પૂરેલા લાંબા ટેકરા પ્રારંભિક તેમજ મધ્યકાલીન નવપાષાણયુગના છે, અન્ય કેટલાક મોટા કદના પથ્થરોથી બનાવેલા ટેકરા પણ જોવા મળે છે.
ગોળાકાર હોય એવા દફન-ટેકરા મોટાભાગે તો કાંસ્યયુગના હોય છે. પ્રાગૈતિહાસિક કાળમાં આ પ્રકારની દફનવિધિ ડેનિશ લોકો દ્વારા કરાતી હોવાનું જાણવા મળે છે. ગોળાકાર ટેકરાઓ મોટાભાગે તો ઘંટ આકારના હોય છે, તેમની આજુબાજુ ખાઈ ખોદેલી હોય છે અને ખાઈની બાહ્ય કિનારી પૂરણી દ્વારા થોડી ઊંચાઈવાળી બનાવેલી હોય છે. આ સિવાય, વાડકા આકારના, રકાબી આકારના કે તળાવના ખાડા જેવા આકારના ટેકરા પણ જોવા મળે છે. આવા બધા જ ટેકરા પ્રારંભિક કાંસ્યયુગ દરમિયાન(ઈ. પૂ. 2000 – 1500)ની વેસેક્સ સંસ્કૃતિ(Wessex culture)ના હોવાનું જાણવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા