બેરિંગ, વિટ્સ (જ. 1681, ડેન્માર્ક; અ. 1741) : સાહસિક દરિયાખેડુ. એશિયા અને અમેરિકા – એ બંને ખંડ અગાઉ જોડાયેલા હતા કે કેમ એ નક્કી કરવા તેમણે 1728માં કૅમ્ટશેટ્કાથી સાગરનો સાહસ-પ્રવાસ આરંભ્યો. 1733માં સાઇબીરિયાના કાંઠા તથા કુરિલ ટાપુના શોધસાહસ માટે ‘ગ્રેટ નૉર્ધન એક્સપિડિશન’ની આગેવાની તેમને સોંપાઈ હતી. ઑકૉત્સકથી અમેરિકા ખંડ તરફ તેમણે દરિયાઈ ખેડ શરૂ કરી (1741). તેમની આ સાગરયાત્રા દરમિયાન આવાત્ચા (હવે ‘બેરિંગ’ નામ પડ્યું છે.) ટાપુ આગળ તેમનું જહાજ ખરાબે ચઢીને નાશ પામ્યું અને ત્યાં જ તેમનું અવસાન થયું.
તેમની સ્મૃતિ કાયમ રાખવા એ સ્થળને ‘બેરિંગ’ સાગર અને ‘બેરિંગ’ ખાડી જેવાં નામ અપાયાં.
મહેશ ચોકસી