આર્થિક વરદી જથ્થો (Economic Orderd Quantity) : માલસામાનની ખરીદી અંગે વધુમાં વધુ કેટલા જથ્થામાં વરદી આપવાથી ખરીદીખર્ચ ઓછામાં ઓછો આવે તે જથ્થો. તેને ટૂંકમાં EOQ તરીકે પણ ઓળખાવાય છે. કેટલાક તેને ‘ઇકોનૉમિક લૉટ સાઇઝ’ તરીકે પણ ઓળખાવે છે. દરેક વખતે નાના જથ્થામાં વરદી આપવાથી વર્ષ દરમિયાન વહનખર્ચ, વહીવટી કામ વગેરે વધે છે; બીજી બાજુ ખૂબ મોટા જથ્થામાં વરદી આપવાથી મોટા પાયા પર ખરીદીના લાભો મળે ખરા. દા.ત., ખરીદીની અનુકૂળ શરતો, કિંમતમાં રાહત, એકસરખી ગુણવત્તા વગેરે, જેનાથી એકમદીઠ ખર્ચ ઘટે છે. પરંતુ આમ કરવા જતાં મોટા પ્રમાણમાં મૂડી રોકાઈ જાય છે, વ્યાજનો બોજ વધે છે એટલું જ નહિ પરંતુ પ્રાપ્ત થયેલ માલની જાળવણીના ખર્ચમાં વધારો થાય, માલ બગડી જવાની શક્યતા રહે અને નવો માલ ખરીદવાના લાભ ગુમાવવા પડે. આમ, વરદી જથ્થો નક્કી કરતી વેળાએ કેટલાંક પરિબળો ધ્યાનમાં લેવાં પડે છે, જેમાંનાં બે વધુ મહત્વનાં છે :
(1) માલસૂચિ (inventory) નિભાવખર્ચ/વહનખર્ચ.
(2) વરદીખર્ચ (order cost).
માલસૂચિ નિભાવખર્ચ (inventory carrying cost) : માલસૂચિનો જથ્થો રાખવા માટે જે ખર્ચ કરવો પડે છે તેને માલસૂચિ નિભાવખર્ચ અથવા માલસૂચિ વહનખર્ચ કહેવામાં આવે છે. આ ખર્ચમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ સૌથી મહત્વનું ગણાય. મોટા જથ્થામાં માલ ખરીદવામાં નાણાંનું રોકાણ થયું ન હોત અને જો તે નાણાં બૅંકમાં થાપણ તરીકે મૂક્યાં હોત તો વ્યાજની આવક મળી હોત અથવા તે જ મૂડીનું રોકાણ અન્ય કોઈ ધંધામાં થયું હોત તો તેવા રોકાણ પર વળતર મળવાની શક્યતા ઊભી થાત. આને વૈકલ્પિક ખર્ચ (opportunity or alternative cost) કહેવામાં આવે છે. આ સિવાયના અન્ય ખર્ચાઓમાં માલસંગ્રહનો ખર્ચ, વીમા પ્રીમિયમ, માલ બગડી જવાની શક્યતા, માલ અપ્રચલિત બનવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.
વરદીખર્ચ (order cost) : માલની ખરીદ કરવાની પ્રક્રિયા સાથે પણ કેટલોક ખર્ચ સંકળાયેલો હોય છે. દા.ત., માલ ખરીદવાની માગણી ઊભી થાય ત્યારે ખરીદ વિભાગને જુદા જુદા વેપારીઓનો સંપર્ક સાધવો પડે, તેમની પાસેથી ભાવસૂચિ મંગાવવી પડે, આવેલ ભાવસૂચિઓને આધારે તુલનાત્મક પત્રકો બનાવવાં પડે, ખરીદી મોટા જથ્થામાં કરવાની હોય ત્યારે તે માટે ઉચ્ચ અધિકારીઓની સંમતિ મેળવવી પડે, પસંદ કરવામાં આવેલ વિક્રેતાને માલની વરદી મોકલવી પડે, નિર્ધારિત સમયમાં માલ પ્રાપ્ત ન થાય તો સ્મૃતિપત્રો લખવા પડે, માલ પ્રાપ્ત થયા પછી તેની નોંધ કરવી પડે, માલની ગુણવત્તા તપાસવી પડે, માલ અપેક્ષિત ગુણવત્તાનો ન હોય તો તે પરત કરવો પડે, માલની ગુણવત્તા સંતોષકારક હોય તો માલ ગોદામમાં મોકલવો પડે, આવેલ ભરતિયાની ચકાસણી કરવી પડે, હિસાબી વિભાગ પાસે તે મંજૂર કરાવવું પડે અને તેનાં નાણાં ચૂકવવા માટેની વિધિ હાથ ધરવી પડે છે. આ બધા પર અમુક ખર્ચ કરવો પડે છે, જેને વરદીખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
માલની ખરીદીને બદલે માલનું ઉત્પાદન કરવું હોય ત્યારે વરદીખર્ચને બદલે ગોઠવણીખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. માલસૂચિ નિભાવખર્ચ અને વરદીખર્ચ સરખા થાય તે તબક્કે માલનો ખરીદીખર્ચ ઓછામાં ઓછો થવા જાય છે અને તેથી ખરીદીના તે જથ્થાને ‘આર્થિક વરદી જથ્થો’ કહેવામાં આવે છે.
આર્થિક વરદી જથ્થો નક્કી કરવાની ત્રણ પદ્ધતિઓ છે :
(1) આલેખ પદ્ધતિ.
(2) સૂત્ર પદ્ધતિ.
(3) અજમાયશી પદ્ધતિ (trial and error system).
સૂત્રની મદદથી આર્થિક વરદી જથ્થો નીચે મુજબ શોધી શકાય છે :
આર્થિક જથ્થો
જ્યાં q = વાર્ષિક વપરાશના એકમો
r = વરદીખર્ચ
C = એકમદીઠ વરદી વહનખર્ચ
P = એકમદીઠ કિંમત
ઉત્પાદન ઘટકોની ખરીદીના સમય અંગેનો નવો ખ્યાલ (Just-in-Time) : ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જરૂરી કાચા માલ જેવા ઉત્પાદન ઘટકોની ખરેખર જરૂરિયાત ઊભી થાય ત્યારે જ તે ખરીદવાનો નવો ખ્યાલ ‘Just-in-Time’ (JIT) તાજેતરમાં જાપાનમાં પ્રચલિત બન્યો છે. આ અભિગમ મુજબ આવા ઘટકોની ખરીદી અગાઉથી કરી તેનો સંગ્રહ ‘Just-in-Case’ના ધોરણે કરી રાખવાને બદલે ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એટલે કે તેનો ખરેખર ઉપયોગ કરવાના સમયે જ તે ઘટકો પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા કરવી અને તે દ્વારા ઉત્પાદન ઘટકોના સંગ્રહ(inventory)નો સ્તર શૂન્ય રાખવો. આ અભિગમના કેટલાક લાભ છે. દા.ત., ઉત્પાદન ઘટકો યથાસમયે પ્રાપ્ત થાય, તેના સંગ્રહનો ખર્ચ બચાવી શકાય, સંગ્રહ કરી રાખેલ ઘટકો અંગેનાં જોખમો ટાળી શકાય, અદ્યતન પ્રકારના ઘટકો પ્રાપ્ત કરી શકાય, ઘટકોની ખરીદી અને તેના ઉપયોગ વચ્ચેનો સમયગાળો ઘટાડી શકાય, એક વાર તે અંગેનું વ્યવસ્થાતંત્ર ગોઠવાઈ ગયા પછી તેનો અમલ નિમ્ન સ્તરના કર્મચારીઓ પણ આપમેળે કરી શકતા હોય છે, જેને લીધે પ્રદત્ત સંસ્કરણ (data processing) માલના સંગ્રહનું હિસાબી કામ (inventory accounting), પરીક્ષણ (inspection) તથા ઉત્પાદન તાલિકા (production scheduling) પર થતા વિશેષ ખર્ચમાં ઘટાડો થાય, વગેરે. આ રીતે ઘટકો ખરીદવાથી તેની અસ્વીકૃતિ(rejection)નો દર શૂન્ય થઈ શકશે તેવી ધારણા આ ખ્યાલ સાથે સંકળાયેલી છે, કારણ કે માલની પસંદગી અને માલની પ્રાપ્તિ વચ્ચે કોઈ સમયગાળો રહેશે નહિ.
ઉચિત સમયે જ ઉત્પાદન ઘટકોની ખરીદી અંગેનો આ ખ્યાલ સંપૂર્ણ ગુણવત્તા નિયમન(Total Quality Control)ના વ્યાપક ખ્યાલ સાથે સંકળાયેલો છે.
દાઉદભાઈ કાસમભાઈ સૈયદ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે