આર્થિક વૃદ્ધિ અને વિકાસ

January, 2002

આર્થિક વૃદ્ધિ અને વિકાસ

રાષ્ટ્રીય ઉત્પાદનની સપાટી વધારવા સાથે સમગ્ર અર્થતંત્રની ઉત્પાદકતામાં વધારો કરવાની એકધારી, નિયમિત પ્રક્રિયા. અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં ગુણાત્મક માળખાગત ફેરફારને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાતા હોય તોપણ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વૃદ્ધિની પ્રક્રિયા એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં થતા વધારાની પ્રક્રિયા સૂચવે છે, જે આર્થિક વિકાસ ન કહેવાય. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા હેઠળ અર્થતંત્રમાં માત્ર પરિમાણાત્મક (quantitative) ફેરફાર થાય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા હેઠળ ગુણાત્મક (qualitative) ફેરફાર નિર્દિષ્ટ થાય છે. દા.ત., રાષ્ટ્રીય ઉત્પાદન, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, બચત અને મૂડીરોકાણના દરો, રોજગારીનું કદ, વપરાશનું કદ વગેરેમાં વધારો થાય તે આર્થિક વૃદ્ધિનો નિર્દેશ કરે છે, જ્યારે ઉત્પાદનનાં સાધનોનો ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ થાય, ઉત્પાદનનું માળખું બદલાય, વિવિધ આર્થિક ક્ષેત્રો વચ્ચે ઉત્પાદનનાં સાધનોની ફાળવણી બદલાય, સામાન્ય પ્રજાના જીવનધોરણમાં સુધારો થાય, આવકની ન્યાયસંગત વહેંચણી થાય અને જીવનની ગુણવત્તા સુધરે વગેરે બાબતો આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આર્થિક વૃદ્ધિ એટલે વધુ ઉત્પાદન અને આર્થિક વિકાસ એટલે અર્થતંત્રની ઉત્પાદન વધારવાની ક્ષમતામાં વધારો કરે તેવા તાંત્રિક અને સંસ્થાકીય ફેરફાર.

આર્થિક વૃદ્ધિનો દર ઊંચો હોય તો આમપ્રજાનું જીવનધોરણ આપમેળે સુધરે છે, તેવો એક ખ્યાલ પ્રવર્તે છે. વાસ્તવમાં વિવિધ સ્તરનું સમાજનું કલ્યાણ ઉત્પાદિત વસ્તુઓનું સ્વરૂપ, ઉત્પાદન-વ્યવસ્થાના માળખાનાં લક્ષણો વગેરે અનેક આનુષંગિક પરિબળો પર અવલંબે છે.

આર્થિક વિકાસની વિભાવના આર્થિક વૃદ્ધિને મુકાબલે વિસ્તૃત છે. મૂળભૂત રીતે વૃદ્ધિનો સંબંધ ભૌતિક સંપત્તિના કદ સાથે હોય છે; પરંતુ વિકાસની વિભાવનામાં ભૌતિક વૃદ્ધિ ઉપરાંત ન્યાયી વહેંચણી પણ અભિપ્રેત હોય છે. વિકાસનો સંબંધ અર્થતંત્રના માળખાગત ફેરફાર સાથે છે. આમ દેશના અર્થતંત્રમાં દાખલ થતી ગુણાત્મક સુધારણા વિકાસનો નિર્દેશ કરે છે. સમગ્ર રીતે જોતાં સમાજના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક માળખાની પુનર્રચના તથા તેના નવસંસ્કરણને લગતી વિવિધલક્ષી પ્રક્રિયાના પરિપ્રેક્ષ્યમાં વિકાસના સ્વરૂપની મુલવણી અભિપ્રેત હોય છે. આધુનિક વિચારકો તેને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પણ જોવાનું પસંદ કરે છે.

ઉપર નિર્દિષ્ટ ચર્ચામાંથી ફલિત થાય છે કે માત્ર આર્થિક વૃદ્ધિનો ઊંચો દર હાંસલ કરવાથી આપમેળે વિકાસ થાય છે, એ માન્યતા યથાર્થ નથી. રાષ્ટ્રીય ઉત્પાદન વધે પરંતુ તેની સાથે જ આર્થિક અસમાનતાઓ વધુ તીવ્ર અને વ્યાપક બને, વધારાની રાષ્ટ્રીય આવક અમુક જ વર્ગના હાથમાં કેન્દ્રિત થાય, શ્રમજીવી વર્ગનું શોષણ તીવ્ર બને, ધનિકો વધુ ધન હાંસલ કરતા થાય અને ગરીબોની ગરીબી વધે, પ્રજાનો એક મોટો વર્ગ જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહે : આવી પરિસ્થિતિમાં આર્થિક વૃદ્ધિનો દર ઊંચો હોવા છતાં વિકાસ સાધવામાં આવ્યો છે એમ ન કહેવાય. સમાજના બધા વર્ગોની મૂળભૂત જરૂરિયાતોનો સંતોષકારક ઉકેલ, ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓની ન્યાયી વહેંચણી અને તે દ્વારા જીવનધોરણની ગુણવત્તામાં સુધારો–આ બધાં આર્થિક વિકાસનાં નિર્ણાયક પરિબળો ગણાય છે. આર્થિક વૃદ્ધિ સાધન છે ને સર્વાંગી વિકાસ સાધ્ય છે.

આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા : વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન અર્થતંત્રનું સ્વરૂપ બદલાતું હોય છે અને તેમાં અનેક પરિવર્તનો આવતાં હોય છે. આથી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાને સમજવા માટે આ પરિવર્તનો વિશે જાણકારી મેળવવી જોઈએ. પરિવર્તનો મુખ્યત્વે નીચે દર્શાવ્યા મુજબનાં હોય છે :

(1) ઉદ્યોગીકરણ : આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન કૃષિક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલાં પ્રાથમિક ક્ષેત્રોનું મહત્વ અર્થતંત્રમાંથી ઘટવા લાગે છે અને ઉદ્યોગો તથા સેવાઓનું મહત્વ વધે છે. દા.ત., રાષ્ટ્રીય આવક તથા રોજગારી બંનેની દૃષ્ટિએ ઉદ્યોગો અને સેવાઓનું ક્ષેત્ર વધુ મહત્વનું બને છે.

(2) વસ્તીવિસ્ફોટ : આધુનિક અર્થતંત્રમાં આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે મૃત્યુદરમાં ઝડપી અને નોંધપાત્ર ઘટાડો થાય છે, ત્યારપછી લાંબા ગાળે જન્મદરમાં ઘટાડો થાય છે, તેથી વચગાળાના સમયમાં વસ્તીવિસ્ફોટની સમસ્યા સર્જાતી હોય છે. અલબત્ત, લાંબા ગાળે જન્મદર ઘટે ત્યારે વસ્તીવધારો અંકુશમાં આવતો હોય છે.

(3) શહેરીકરણ : આર્થિક વૃદ્ધિની સાથે સાથે શહેરમાં વસવાટ કરનાર વ્યક્તિઓનું પ્રમાણ વધવા પામે છે. શહેરીકરણ એ મુખ્યત્વે ઉદ્યોગીકરણનું પરિણામ હોય છે. જથ્થાબંધ વેપાર, નાણાકીય પ્રવૃત્તિઓ, શિક્ષણ, કાયદાકીય સેવાઓ, સહકારી તંત્ર જેવી પ્રવૃત્તિઓ અને સેવાઓ મહાનગરોમાં કેન્દ્રિત થવા લાગે છે. શહેરીકરણને લીધે નાનાં કુટુંબો માટેનું વલણ પ્રોત્સાહિત થાય છે, ગીચ વસ્તીને કારણે લોકો એકબીજાનું અનુકરણ કરતા થાય છે, આધુનિક જીવનશૈલીને પરિણામે બિન-અંગત સંબંધો વિકસે છે તથા શહેરોમાં બૌદ્ધિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે.

(4) આર્થિક સંગઠનમાં ફેરફારો : આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન આર્થિક પ્રવૃત્તિનું કદ વધે છે, આર્થિક પ્રવૃત્તિ મોટા પાયા ઉપર હાથ ધરાવા લાગે છે અને આર્થિક સંગઠનમાં તેને અનુરૂપ ફેરફારો થતા હોય છે. દા.ત., સિંચાઈ માટેની નહેરો, રેલવે, રસ્તાઓ, ટેલિફોન સેવાઓ, પોલાદનાં કારખાનાં વગેરે. આની પ્રવૃત્તિઓ હાથ ધરવાનું ગજું વ્યક્તિગત કે ભાગીદારીની પેઢીનું હોતું નથી. તેને માટે નવું, બિન-અંગત સંબંધોવાળું, (કાયદાથી રચાયેલું) નિગમ સંગઠન ઊભું થાય છે. તેને પરિણામે માલિકો, સંચાલકો, કામદારો અને સમાજ વચ્ચેના આંતરસંબંધોમાં ફેરફાર થાય છે.

(5) સામાજિક મૂલ્યોમાં ફેરફાર : આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન સામાજિક મૂલ્યોમાં પણ પરિવર્તનો આવતાં હોય છે. ધાર્મિક કલ્યાણ અને પરલોકના સુખની જગ્યાએ અંગત ભૌતિક કલ્યાણને પ્રાધાન્ય મળવા લાગે છે. પાપ-પુણ્યના ખ્યાલો વિદાય થવા લાગે છે. પ્રણાલિકાગત અને ધાર્મિક માન્યતાઓનું સ્થાન બુદ્ધિયુક્ત અભિગમને મળે છે, આધુનિક વિજ્ઞાનલક્ષી અને સુધારક ગણાય તેવાં વલણોમાં વધારો થાય છે.

(6) ઊગમસ્થાનો : આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ખૂબ જટિલ અને સૂક્ષ્મ હોય છે. તેથી આર્થિક વૃદ્ધિનાં ઊગમસ્થાનો કયાં કયાં છે તે પ્રશ્નનો સર્વગ્રાહી જવાબ આપવો સરળ નથી. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં અનેક પરિબળોની આંતરપ્રક્રિયાઓ ચાલતી હોય છે અને તેથી અમુક પરિબળો વડે આર્થિક વૃદ્ધિ થશે જ એવી કોઈ કારણ-પરિણામદર્શક સમજૂતી આપવાનું હંમેશાં શક્ય હોતું નથી. આર્થિક વૃદ્ધિ દરમિયાન રાષ્ટ્રની વાસ્તવિક આવકમાં વધારો થતો હોય છે. પરંતુ આ વધારો જે પરિબળોને લીધે શક્ય બન્યો હોય છે, તેમાંથી કેટલાંક પરિબળોને હજુ સુધી ઓળખી શકાયાં નથી. અત્યારે જેને આર્થિક રીતે વિકસિત ગણવામાં આવે છે તેવા ઘણા દેશોના ઇતિહાસનો અભ્યાસ કર્યા બાદ જણાયું છે કે તે દેશોમાં ઉત્પાદનવૃદ્ધિ માટે જવાબદાર પરિબળોમાંથી પચાસ ટકાથી પણ વધુ હજુ સુધી વણઓળખાયેલાં જ રહેવા પામ્યાં છે. આમ આર્થિક વૃદ્ધિનાં ઊગમસ્થાનો અંગે સંપૂર્ણ રીતે સંતોષકારક કહી શકાય તેવી માહિતી ઉપલબ્ધ થતી નથી, છતાં તેમાંથી કેટલાંક જાણીતાં ઊગમસ્થાનોનો નિર્દેશ કરી શકાય.

(1) વિકાસ માટેની અભીપ્સા : આર્થિક વૃદ્ધિનું એક મહત્વનું ઊગમસ્થાન છે પ્રજાની વિકાસ માટેની અભીપ્સા. જ્યાં સુધી દેશની આર્થિક સ્થિતિ સુધારવાની પ્રબળ ઇચ્છા લોકોમાં પેદા ન થાય ત્યાં સુધી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી. આ એક મહત્વનું આંતરિક પરિબળ છે. બહારનાં પરિબળો આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં પૂરક અને પ્રોત્સાહક ભાગ ભજવી શકે, પરંતુ આર્થિક વિકાસ માટેની અદમ્ય ઇચ્છા દેશની અંદર પેદા ન થાય તો માત્ર બહારનાં પરિબળો અસરકારક ભાગ ન ભજવી શકે.

(2) મૂડીસર્જન : મૂડી એ ઉત્પાદનનું એક અગત્યનું સાધન છે. આથી જો ઉત્પાદન વધારવું હોય, તો દેશની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી જરૂરી છે અને તેથી જ આપણે કહી શકીએ કે મૂડીસર્જન એ આર્થિક વૃદ્ધિનું એક મહત્વનું ઊગમસ્થાન છે. મૂડીસર્જન માટે ત્રણ બાબતો જરૂરી છે :

(અ) દેશની વાસ્તવિક બચતમાં વધારો થવો જોઈએ, જેથી વપરાશ ઉપર કાપ મૂકીને બચાવેલાં સાધનોનો યોગ્ય ઉપયોગ અન્ય ઇષ્ટ દિશામાં થઈ શકે.

(આ) બચતને ગતિશીલ બનાવવા માટેનું નાણાકીય તંત્ર ઊભું કરવું જોઈએ, જેથી મૂડીરોકાણકારોને બચત કરેલી મૂડીનો પુરવઠો ઉપલબ્ધ થઈ શકે.

(ઇ) ગતિશીલ થયેલી બચતનું રૂપાંતર મૂડીનાં સાધનોમાં થાય તે માટે જરૂરી મૂડીરોકાણ કરવું જોઈએ.

વિકાસશીલ દેશોમાં આર્થિક વૃદ્ધિ માટે કેટલી મૂડીની જરૂર પડશે તેનો અંદાજ કાઢવા માટે સૌપ્રથમ દેશમાં વસ્તીવધારાનો દર કેટલો છે, તે જાણવું પડે અને તે પછી માથાદીઠ વાસ્તવિક આવકમાં કેટલો વધારો કરવો છે તેનો લક્ષ્યાંક નક્કી કરવો પડે. ત્યારબાદ મૂડી-ઉત્પાદન ગુણોત્તરને આધારે નિર્ધારિત પ્રમાણમાં ઉત્પાદન વધારવા માટે કેટલા પ્રમાણમાં મૂડીની જરૂર પડશે તેનો અંદાજ કાઢી શકાય.

મૂડીસર્જનનો દર વધારવા માટે અમુક ચોક્કસ વ્યૂહરચના અપનાવવામાં આવે છે. ખાસ કરીને ખાનગી બચતને પ્રોત્સાહન આપીને, કરવેરામાં વિવેકયુક્ત વધારો કરીને, ખાધપૂરણી અને ફુગાવા દ્વારા ફરજિયાત બચત કરીને, પ્રચ્છન્ન બેકારોને કામે લગાડીને તથા જાહેર સાહસોની ભાવનીતિ દ્વારા, નાણાકીય સંસ્થાઓની સ્થાપના અને વિકાસ દ્વારા અને જરૂર પડે તો વિદેશી મદદ દ્વારા મૂડીસર્જનનો દર વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ભૌતિક મૂડીની માફક માનવમૂડી પણ આર્થિક વિકાસમાં ઉપકારક છે. તેથી શિક્ષણ, તાલીમ તથા અન્ય પગલાં દ્વારા દેશની માનવમૂડીને સમૃદ્ધ બનાવીને આર્થિક વિકાસની પ્રક્રિયામાં તેને જોતરી શકાય છે.

આમ આર્થિક વૃદ્ધિ માટે આપણે મૂડીસર્જનનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. છતાં માત્ર મૂડીસર્જનથી આર્થિક વૃદ્ધિ થતી નથી. દા.ત., મૂડીનું સર્જન થાય, પરંતુ તે મૂડીને ગ્રહણ કરવાની તાકાત અર્થતંત્રમાં ન હોય તો આર્થિક વૃદ્ધિ થશે નહિ. વળી જે મૂડીનું સર્જન થયું હોય તેનો સૌથી ઇષ્ટ એટલે કે વધુ ઉત્પાદક ઉપયોગ થાય તે માટે અમુક તકનીકી (technological) અને માળખાકીય (structural) ફેરફારો જરૂરી હોય છે.

આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં મૂડીસર્જનની ભૂમિકા વિશે પ્રો. કુઝનેટ્સ જેવા અર્થશાસ્ત્રીઓ માને છે કે મૂડીના જથ્થામાં થતો વધારો એ આર્થિક વિકાસનું કારણ હોવાને બદલે તેનું પરિણામ પણ હોઈ શકે. પ્રો. કેઈનક્રૉસની ગણતરી પ્રમાણે પશ્ચિમના દેશોમાં ઉત્પાદનમાં જે વધારો થયો છે, તેમાં મૂડીનો ફાળો વધુમાં વધુ 25 % જેટલો જ હશે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં મૂડીસર્જનનું જેટલું મહત્વ છે તેના કરતાં સંશોધનો અને નિયોજનશક્તિનું મહત્ત્વ અનેકગણું છે તેમ કેટલાક નિષ્ણાતો માને છે.

(3) મૂડીરોકાણ માટેના માપદંડો : દેશમાં એક વાર મૂડીસર્જન થાય ત્યારબાદ તેનું રોકાણ એવી રીતે કરવું જોઈએ કે જેથી આર્થિક વૃદ્ધિનો મહત્તમ દર સિદ્ધ થઈ શકે. કઈ જગ્યાએ કેટલું મૂડીરોકાણ કરવું તે અંગેનો નિર્ણય અગત્યનો છે, કારણ કે તેની અસર ઉત્પાદન પર તો થાય જ છે, પરંતુ સાથે-સાથે મજૂરોના પુરવઠા અને વહેંચણી ઉપર, વસ્તીવૃદ્ધિ અને તેની ગુણવત્તા ઉપર, લોકોની પસંદગીઓ ઉપર અને યંત્રવૈજ્ઞાનિક પ્રગતિ ઉપર પણ તેની અસર થતી હોય છે. મૂડીરોકાણ માટેનો મુખ્ય માપદંડ ઉત્પાદકતામાં વધારો કરવાનો હોવો જોઈએ. વિકાસશીલ દેશોમાં મૂડીરોકાણ માટેના ત્રણ મુખ્ય માપદંડો હોવા જોઈએ : (1) ઉત્પાદન, (2) રોજગારી, (3) નિકાસ. મૂડીરોકાણ એવી રીતે કરવું કે જેથી ઉત્પાદન વધે. એવા કાર્યક્રમોમાં મૂડીરોકાણ કરવું કે જેમાં વધુ લોકોને રોજગારી મળે અને મૂડીરોકાણ એવી રીતે કરવું કે જેથી નિકાસો વધે.

(4) મૂડીગ્રહણશક્તિ અને સ્થિરતા : આર્થિક વૃદ્ધિ માટે મૂડીની જરૂર તો છે જ. પરંતુ મૂડી ગમે તેટલી હોય છતાં તેને ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો મૂડી ફળદાયી નીવડતી નથી. દરેક દેશની મૂડી પચાવવાની શક્તિ જુદી જુદી હોય છે. એકલી મૂડી વડે ઉત્પાદન થતું નથી. ઉત્પાદન માટે જમીન, શ્રમ, નિયોજનશક્તિ, યંત્રવિજ્ઞાન, સંશોધન વગેરે પણ જોઈએ. આ બધાં સાધનો સાથે મૂડીનો સહયોગ થાય ત્યારે જ ઉત્પાદન ઝડપથી વધે. આથી મૂડી સિવાયનાં ઉપર દર્શાવેલાં સાધનોનું પ્રમાણ કેટલું છે તેના ઉપરથી જ કોઈ પણ દેશની મૂડી પચાવવાની શક્તિનો અંદાજ આવી શકે. દેશની પાસે આધુનિક યંત્રવિજ્ઞાન ન હોય, કેળવાયેલા કારીગરોની અછત હોય, કામદારોની ભૌગોલિક ગતિશીલતા ઓછી હોય, વહીવટી આવડત ધરાવનારા લોકોનું પ્રમાણ ઓછું હોય તો દેશની મૂડી પચાવવાની શક્તિ મર્યાદિત જ રહેવાની.

આર્થિક વૃદ્ધિ માટેની એક આવશ્યક પૂર્વશરત છે ભાવસ્થિરતા. જો અર્થતંત્ર તીવ્ર ફુગાવાથી પીડાતું હોય તો આર્થિક વિકાસમાં અવરોધ પેદા થાય છે. તેથી ફુગાવો ન સર્જાય તેની તકેદારી રાખવી જરૂરી છે.

(5) તકનીકી પ્રગતિ : કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે યંત્રવૈજ્ઞાનિક પ્રગતિ એ આર્થિક વૃદ્ધિનું સૌથી મહત્વનું ઊગમસ્થાન છે. કોઈ પણ કાર્ય પરંપરાગત રીતે કરવાને બદલે તેને નવી અને સુધારેલી રીતે કરવું તેનું નામ તકનીકી પ્રગતિ. આવી પ્રગતિ શ્રમનો બચાવ કરનારી, મૂડીનો બચાવ કરનારી અથવા ઉભય પરત્વે નિરપેક્ષ પણ હોઈ શકે. દેશનાં ભૌતિક કે માનવીય સાધનોની ગુણવત્તા સુધારનાર, સાધનોનો પુરવઠો વધારનાર અને ઉત્પાદકતામાં વધારો કરનાર યંત્રવૈજ્ઞાનિક પ્રગતિ આર્થિક વૃદ્ધિમાં ચાવીરૂપ ફાળો આપે છે.

(6) સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો અને સંસ્થાઓ : ઉપર દર્શાવેલાં પરિબળો મુખ્યત્વે આર્થિક પરિબળો છે, પરંતુ છેવટે આર્થિક માળખું એ દેશની સમાજવ્યવસ્થાનો એક અગત્યનો ભાગ છે. દા.ત., મૂડીરોકાણની તરાહ ઉપર સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક મૂલ્યો તથા પ્રોત્સાહનો અસર કરતાં હોય છે. આથી જો આર્થિક પરિવર્તન લાવવું હોય તો સમગ્ર સમાજનાં મૂલ્યોમાં અને સંસ્થાઓમાં તેને અનુરૂપ ગણાય તેવું પરિવર્તન લાવવું જરૂરી બને છે.

આર્થિક વૃદ્ધિના નિર્દેશકો : વિશ્વના કોઈ પણ દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ છે કે નહીં, અને થઈ હોય તો તે કેટલા પ્રમાણમાં થઈ છે તે માપવા માટે આપણી પાસે કેટલાક માપદંડો અથવા નિર્દેશકો હોવા જોઈએ. સામાન્ય રીતે અર્થશાસ્ત્રીઓ એવો અભિપ્રાય ધરાવે છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે અથવા વાસ્તવિક માથાદીઠ આવક વધે તો દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ ગણાય. આધુનિક અર્થશાસ્ત્રીઓએ અન્ય કેટલાક નિર્દેશકો પણ સૂચવ્યા છે. આર્થિક વૃદ્ધિના મુખ્ય નિર્દેશકો વિશે પ્રાથમિક માહિતી નીચે દર્શાવ્યા પ્રમાણે છે :

(1) રાષ્ટ્રીય આવક : આર્થિક વૃદ્ધિનું સ્પષ્ટ પ્રતિબિંબ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકના વધારામાં પડતું હોય છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ઝડપથી વધારો થતો હોય તો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો ગણાય. 1977 દરમિયાન વિકસિત રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક 6.1 %ના દરે વધારો થયો હતો જ્યારે અલ્પવિકસિત દેશોમાં આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં 3.4 %ના દરે વધારો થયો હતો.

વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ આર્થિક વૃદ્ધિનો મહત્વનો નિર્દેશક હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ હોય છે. દા.ત., લોકોના જીવનધોરણમાં થતા ફેરફારો વિશેનો ખ્યાલ તેમાંથી સીધી રીતે પ્રાપ્ત થતો નથી. વળી વસ્તીમાં થતા ફેરફારો(ને પણ તે ધ્યાનમાં લેતો નથી) તેમજ ઉત્પન્ન થતી વસ્તુઓની ઉપયોગિતા અને ગુણવત્તાનું પ્રતિબિંબ પણ તેમાં સ્પષ્ટ રીતે પડતું નથી.

(2) વાસ્તવિક માથાદીઠ આવક : કેટલાક અર્થશાસ્ત્રીઓના મત મુજબ રાષ્ટ્રીય આવક નહિ, પરંતુ વાસ્તવિક માથાદીઠ આવક એ આર્થિક વૃદ્ધિનો વધુ આધારભૂત નિર્દેશક ગણાય છે. રાષ્ટ્રીય આવક જેટલા દરે વધતી હોય તેટલા જ દરે દેશની વસ્તી પણ વધતી હોય તો માથાદીઠ આવક ન વધે. આથી આ મત મુજબ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી જે વાસ્તવિક માથાદીઠ આવક પ્રાપ્ત થાય, તેના ઉપરથી આર્થિક વૃદ્ધિનો ક્યાસ કાઢવો જોઈએ. આમ છતાં, માથાદીઠ આવક એ માત્ર એક સરેરાશ છે અને તેમાં આવકની વહેંચણીની વિષમતાને ધ્યાનમાં લઈ શકાતી નથી તે તેની મહત્વની મર્યાદા છે.

(3) અન્ય નિર્દેશકો : આર્થિક વૃદ્ધિના અન્ય કેટલાક નિર્દેશકો પણ સૂચવાયા છે. દા.ત. રાષ્ટ્રીય આવકમાં કૃષિક્ષેત્રનો ફાળો ઘટે અને ઉદ્યોગો તથા સેવાઓનો ફાળો વધે તો તે આર્થિક વૃદ્ધિનો નિર્દેશ કરે છે. ઉપરાંત લોકોની આયુષ્યમર્યાદા, બાળ-મરણનું પ્રમાણ, અનાજની માથાદીઠ પ્રાપ્તિ, આરોગ્યની સગવડો, શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી-પ્રસારણ સેવાઓ, ઊર્જાશક્તિ વગેરેને આધારે જીવનની ભૌતિક ગુણવત્તા દર્શાવતો આંક તૈયાર કરીને તેના ઉપરથી પણ આર્થિક વૃદ્ધિનું પ્રમાણ માપવામાં આવે છે.

આર્થિક વૃદ્ધિ અને શ્રમિકોની વ્યાવસાયિક વહેંચણી : શ્રમિકોની વ્યાવસાયિક વહેંચણી એટલે કયા વ્યવસાયમાં કેટલા મજૂરો રોકાયેલા છે તેની માહિતી. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયામાં મજૂરોની વ્યાવસાયિક વહેંચણી બદલાતી હોય છે. જે દેશોમાં આર્થિક વિકાસ ઓછો થયેલો હોય ત્યાં મોટા ભાગના મજૂરો ખેતીમાં રોકાયેલા હોય છે અને જેમ જેમ વિકાસની કેડી ઉપર દેશ આગળ વધે તેમ તેમ ખેતીમાં રોકાયેલા મજૂરોનું પ્રમાણ ઘટતું જાય છે અને ઉદ્યોગો, વેપાર-વાણિજ્ય, વાહનવ્યવહાર જેવાં ખેતી સિવાયનાં ક્ષેત્રોમાં રોકાયેલા મજૂરોનું પ્રમાણ વધતું જાય છે. 1986ના વિશ્વ વિકાસ અહેવાલ(World Development Report, 1986)માં જણાવ્યા મુજબ 1980માં નીચી આવક ધરાવનારા વિકાસશીલ દેશોમાં ખેતીમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ 70 %, ઉદ્યોગોમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ 15 % અને સેવાઓના ક્ષેત્રમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ 15 % હતું. આનાથી વિરુદ્ધ, વિકસિત એવા ઔદ્યોગિક દેશોમાં 1980માં ખેતીમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ માત્ર 7 %, ઉદ્યોગોમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ 35 % અને સેવાઓમાંથી રોજગારી મેળવનાર મજૂરોનું પ્રમાણ 58 % હતું.

આ હકીકતો પરથી ફલિત થાય છે કે આર્થિક વૃદ્ધિની સાથે સાથે મજૂરોની વ્યાવસાયિક વહેંચણીમાં નોંધપાત્ર ફેરફારો થતા હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિકાસના શરૂઆતના તબક્કામાં ખેતી સિવાયનાં ક્ષેત્રોનો ઓછો વિકાસ થયો હોય છે અને તેથી રોજગારીની તકો મુખ્યત્વે કૃષિક્ષેત્રમાં જ ઉપલબ્ધ હોય છે. સ્વાભાવિક રીતે જ વધતી જતી વસ્તીનું ભારણ પણ કૃષિક્ષેત્ર ઉપર જ પડે છે. તેમ છતાં વધતી જતી વસ્તીને સમાવવાની કૃષિક્ષેત્રની શક્તિ મર્યાદિત હોવાથી છેવટે પ્રચ્છન્ન બેકારી સર્જાય છે, અને તેને લીધે વધારાના મજૂરોની સીમાન્ત ઉત્પાદનશક્તિ શૂન્ય બની જાય છે. વળી કૃષિક્ષેત્રે મજૂરોનો પુરવઠો માંગ કરતાં વધુ હોવાથી, મજૂરીના દર પણ નીચા હોય છે. આવા સંજોગોમાં ખેતીમાં રોકાયેલા મજૂરોમાંથી કેટલાક મજૂરો ઉદ્યોગોમાં, વેપાર-ધંધામાં તથા સેવાઓમાં રોજગારી મળવાની આશાથી અને શહેરની ચમક-દમકથી અંજાઈને શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગો અને સેવાઓનાં વિવિધ ક્ષેત્રો વિસ્તરતાં જતાં હોય છે. તેથી તેમાં અમુક મજૂરોને રોજગારી મળી રહે છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદકતાનાં ધોરણો ઊંચાં હોય છે. જ્યાં મજૂરો સંગઠિત હોય છે ત્યાં વેતનના દર પણ ઊંચા હોય છે. અલબત્ત, ખેતીમાંથી સ્થળાંતર કરીને આવેલા તમામ લોકોને શહેરોમાં તાત્કાલિક રોજગારી ન મળતી હોય તોપણ લાંબે ગાળે તેમને રોજી મળે. આમ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ ઉદ્યોગો અને સેવાઓમાં રોકાયેલા શ્રમિકોનું પ્રમાણ વધતું જાય છે અને ખેતીમાં રોકાયેલા મજૂરોનું પ્રમાણ ઘટતું જાય છે.

આવકની વહેંચણી : આર્થિક વૃદ્ધિ એટલે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં થતો લાંબા ગાળાનો વધારો. અગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય છાપ એવી છે કે કોઈ પણ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે એટલે તે દેશના લોકોના જીવનધોરણમાં સુધારો થાય. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે એક તરફ દેશમાં આર્થિક વૃદ્ધિ થતી હોય છતાં બીજી તરફ રાષ્ટ્રની આવકમાં થતા વધારાનો લાભ મુઠ્ઠીભર ધનિક લોકોના હાથમાં જ કેન્દ્રિત થઈ જતો હોય. આમ બને તો આર્થિક વૃદ્ધિના લાભથી બહુજનસમાજ વંચિત રહે. હકીકતમાં તો આર્થિક વૃદ્ધિ થાય, રાષ્ટ્રીય આવક વધે અને આ વધતી જતી આવક દેશની આમજનતા વચ્ચે ન્યાયપૂર્ણ રીતે વહેંચાતી રહે તો જ આર્થિક વૃદ્ધિ સાચા અર્થમાં લોકોને લાભદાયક બને. આ સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આવકની વહેંચણી વચ્ચેનો સંબંધ તપાસવો જરૂરી છે.

આર્થિક વૃદ્ધિની અસર આવકની વહેંચણી ઉપર કેવી થાય છે તે તપાસવા માટે દેશની વસ્તીને ત્રણ વિભાગમાં વહેંચી નાંખવામાં આવે છે : (અ) સૌથી વધુ આવક ધરાવનાર ટોચના 20 % લોકો, (આ) મધ્યમ આવક ધરાવનાર 40 % લોકો અને (ઇ) સૌથી ઓછી આવક મેળવતા તળિયાના 40 % લોકો. હવે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા હેઠળ, જો દેશના સૌથી ધનિક એવા 20 % લોકોની આવક ઝડપથી વધતી હોય અને સૌથી ગરીબ એવા 40 % લોકોની આવક ધીમી ગતિએ વધતી હોય, તો એમ તારવી શકાય કે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ છતાં સાથે સાથે આવકની અસમાનતા પણ વધી. આનાથી વિરુદ્ધ, તળિયાના 40 % લોકોની આવક ઝડપથી વધતી હોય અને તેની સરખામણીમાં ટોચના 20 % લોકોની આવક ધીમી ગતિએ વધતી હોય, તો એમ કહી શકાય કે આર્થિક વૃદ્ધિની સાથે સાથે આવકની અસમાનતા ઘટી રહી છે. નીચેના કોષ્ટકમાં 1954-71ના ગાળા દરમિયાનમાં વિવિધ વિકાસશીલ દેશોમાં આવકની વહેંચણીમાં થયેલા ફેરફારોની વિગતો દર્શાવવામાં આવી છે.

આર્થિક વૃદ્ધિ અને આવકની વહેંચણી

 

 

આવકવૃદ્ધિ

દેશ

સમયગાળો

ટોચના

20 %

લોકો

મધ્યમ

40 %

લોકો

તળિયાના

40 %

લોકો

કોરિયા

1964-70

10.6

7.8

9.3

પનામા

1960-69

8.8

9.2

3.2

બ્રાઝિલ

1960-70

8.4

4.8

5.2

મેક્સિકો

1963-69

8.0

7.0

6.6

તાઇવાન

1953-61

4.5

9.1

12.1

વેનેઝુએલા

1962-70

7.9

4.1

3.7

કોલંબિયા

1964-70

5.6

7.3

7.0

અલ સાલ્વાડોર

1961-69

4.1

10.5

5.3

ફિલિપાઇન્સ

1961-71

4.9

6.4

5.0

પેરુ

1961-71

4.7

7.5

3.0

શ્રીલંકા

1964-70

3.1

6.2

8.3

યુગોસ્લાવિયા

1963-68

4.9

5.0

4.3

ભારત

1954-64

5.1

3.9

3.9

ઉપરની હકીકતો દર્શાવે છે કે આર્થિક વૃદ્ધિને લીધે આવકની વહેંચણી ઉપર થતી અસર દરેક દેશમાં એકસરખી હોતી નથી અને તેમાં ત્રણ જુદાં જુદાં વલણો જોવા મળે છે.

(1) આર્થિક વૃદ્ધિની સાથે આવકની અસમાનતા વધે છે : પનામા, બ્રાઝિલ, મેક્સિકો અને વેનેઝુએલામાં આર્થિક વૃદ્ધિનો લાભ ધનિકોને વધુ પ્રમાણમાં મળ્યો છે, જ્યારે ગરીબોને ઓછા પ્રમાણમાં મળ્યો છે. સ્પષ્ટ છે કે આ દેશોમાં આર્થિક વૃદ્ધિની સાથે સાથે આવકની અસમાનતા વધી છે. (2) આર્થિક વૃદ્ધિની સાથે આવકની અસમાનતા ઘટે છે : કોલંબિયા, અલ સાલ્વાડોર, શ્રીલંકા અને તાઇવાનમાં ટોચના 20 % લોકોની આવક જેટલી ઝડપથી વધી છે તેના કરતાં તળિયાના 40 % લોકોની આવક વધુ ઝડપથી વધી છે. તેથી સાબિત થાય છે કે આ દેશોમાં આર્થિક વૃદ્ધિની સાથે સાથે આવકની અસમાનતા ઘટી છે. (3) આર્થિક વૃદ્ધિની સાથે આવકની વહેંચણીમાં કોઈ ખાસ ફેરફાર થતા નથી : કોરિયા, ફિલિપાઇન્સ, યુગોસ્લાવિયા, પેરુ તથા ભારતમાં આર્થિક વૃદ્ધિ થવા છતાં આવકની વહેંચણીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.

પ્રો. સાયમન કુઝનેટ્સ નામના અર્થશાસ્ત્રીએ ઇંગ્લૅન્ડ, અમેરિકા અને જર્મનીના આર્થિક ઇતિહાસના અભ્યાસ ઉપરથી તારવ્યું છે કે બજારતંત્ર ઉપર આધારિત અર્થતંત્રોમાં આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં આવકની અસમાનતા વધતી હોય છે, બીજા તબક્કામાં તે સ્થિર બને છે અને ત્રીજા તબક્કામાં તે ઘટે છે. ઇંગ્લૅન્ડમાં 1780 થી 1850ની વચ્ચે તથા અમેરિકામાં 1840થી 1890ની વચ્ચે આવકની અસમાનતામાં વધારો થયો હતો. મેક્સિકોમાં 1950ના દાયકાની શરૂઆતમાં ટોચના 20 % લોકોની આવક તળિયાના 20 % લોકોની આવક કરતાં દસગણી હતી તે 1969માં વધીને સોળગણી થઈ હતી.

આવકની અસમાનતામાં વધારો થવા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. કૃષિક્ષેત્રે જમીન અને મૂડીની માલિકી ધનિક ખેડૂતોના હાથમાં હોય અને હરિયાળી ક્રાંતિનો લાભ તેમને વધુ પ્રમાણમાં મળે તો આવકની અસમાનતા વધે જ. તેવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે ઔદ્યોગિક એકમોની માલિકી ધનિકોના હાથમાં હોય, કાચા માલ ઉપર તેમનું વર્ચસ્ હોય, વેપાર-ધંધા તેમના હાથમાં હોય, તેમની રાજકીય વગ વધુ હોય, તેમને ઔદ્યોગિક પરવાના મળતા હોય, તો વધુ પ્રમાણમાં અને સરળતાથી આવા ધનિકો વધુ ધનિક બને તે સ્વાભાવિક છે. વળી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયાના એક ભાગ તરીકે પ્રણાલિકાગત ક્ષેત્રોમાંથી જે કામદારો વિકસતા ક્ષેત્રમાં સ્થળાંતર કરે છે તેમનું શરૂઆતના તબક્કામાં શોષણ થતું હોય છે અને તેથી આર્થિક અસમાનતામાં વધારો થાય છે.

વિશ્વના વિકાસશીલ દેશોની ગરીબીનું ભૌગોલિક વિતરણ

I. પ્રતિદિન એક ડૉલર કરતાં પણ ઓછી આવક પર જીવતા લોકોની કુલ સંખ્યા 1998માં 120 કરોડ હતી. તેની ભૌગોલિક વહેંચણી (ટકાવારીમાં) નીચે મુજબ હતી :

 

પ્રદેશનું નામ

ટકાવારી

(1)

યુરોપ અને મધ્ય એશિયા

2

(2)

મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકા

0.5

(3)

દક્ષિણ અમેરિકા અને કૅરિબિયન પ્રદેશો

6.5

(4)

પૂર્વ એશિયા અને પૅસિફિક વિસ્તાર

23.2

(5)

સબ-સહરા આફ્રિકા

24.3

(6)

દક્ષિણ એશિયા

43.5

(સ્રોત : વર્લ્ડ ડેવલપમેન્ટ રિપૉર્ટ, 2000-2001)

 

II. પ્રતિદિન એક ડૉલર કરતાં પણ ઓછી આવક પર જીવતી વસ્તીનું

પ્રમાણ (ટકાવારીમાં)

પ્રદેશનું નામ

1987

1990

1993

1996

1998

પૂર્વ એશિયા અને પૅસિફિક

વિસ્તાર (ચીન સિવાય)

26.6

27.6

25.2

14.9

15.3

યુરોપ અને મધ્ય એશિયા

0.2

1.6

4.0

5.1

5.1

દક્ષિણ અમેરિકા અને

કૅરિબિયન વિસ્તારના દેશો

15.3

16.8

15.3

15.6

15.6

મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકા

4.3

2.4

1.9

1.8

1.9

દક્ષિણ એશિયા

44.9

44.0

42.4

42.3

40.0

સબ-સહરા આફ્રિકા

46.6

47.7

49.7

48.5

46.3

(સ્રોત : વર્લ્ડ ડેવલપમેન્ટ રિપૉર્ટ, 2000-2001)

આ ઉપરાંત આવકની અસમાનતા વધારવા માટે રાજ્યની નીતિઓ પણ જવાબદાર હોય છે. દા.ત., તબીબી સારવારની સગવડો મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત થયેલી હોય છે. વિકાસના શરૂઆતના તબક્કામાં શહેરી વિસ્તારમાં વસતા લોકોનું પ્રમાણ ઓછું હોવાથી તેનો લાભ મર્યાદિત લોકોને જ મળે છે, જ્યારે મોટાભાગની ગ્રામીણ પ્રજા તેનાથી વંચિત રહે છે. સમય જતાં ગ્રામવિસ્તારોમાં જેમ જેમ તબીબી સગવડો ઉપલબ્ધ થતી જાય છે તેમ તેમ ગ્રામપ્રજાને પણ તેનો લાભ મળવા લાગે છે.

આવી જ પરિસ્થિતિ શિક્ષણના ક્ષેત્રે પણ પ્રવર્તતી હોય છે. શરૂઆતના તબક્કામાં વિકાસશીલ દેશોની સરકારો માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આફ્રિકામાં સંસ્થાનવાદી સત્તાઓએ રાજકીય સત્તાનાં સૂત્રો સ્થાનિક લોકોને સોંપ્યાં ત્યારે સનદી સેવાઓમાં સ્થાનિક પ્રજાની ભરતી કરવા માટે તથા ખાનગી ક્ષેત્રની મોટી મોટી પેઢીઓનો વહીવટ સ્થાનિક લોકો સંભાળી શકે તે માટે મોટા પાયા ઉપર ઉચ્ચશિક્ષણનો પ્રસાર કરવાની જરૂર ઊભી થઈ હતી. આવા સંજોગોમાં જે લોકોને ઉચ્ચશિક્ષણની તકો મળી જાય છે, તેવો લઘુમતી વર્ગ શિક્ષણના જોરે વધુ આવક મેળવીને સમૃદ્ધ બની જાય છે, જ્યારે આવી તક ન મેળવી શકનાર બહુમતી વર્ગ ગરીબ રહી જવા પામે છે. સમય જતાં વિકાસશીલ દેશો સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય સ્વીકારતા હોય છે, જેને લીધે આમ પ્રજાને શિક્ષણની તકો મળતાં આવકની અસમાનતા ઘટે છે.

વિકાસશીલ દેશોમાં અપનાવવામાં આવતી વસ્તીનીતિ પણ આવકની અસમાનતા માટે અમુક અંશે જવાબદાર હોય છે. આ નીતિ હેઠળ નિરપેક્ષ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થતો હોય તેમ છતાં ગરીબ વર્ગમાં જન્મદર ઘણો ઊંચો હોય છે. તેથી ગરીબોનાં કુટુંબોનું કદ મોટું રહે છે. બીજી તરફ, ધનિક લોકોમાં જન્મદર ઘટવાનું વલણ ગરીબો કરતાં વહેલું સર્જાય છે. શરૂઆતમાં કુટુંબનિયોજનના કાર્યક્રમો શહેરી વિસ્તારોના ધનિક શિક્ષિત કુટુંબોમાં વધુ લોકપ્રિય બનતા હોય છે. આમ ધનિક-શિક્ષિત-શહેરી લોકોનાં કુટુંબો નાનાં હોય અને ગરીબ-નિરક્ષર-ગ્રામીણ લોકોનાં કુટુંબો મોટાં હોય, તો આ બંને વર્ગો વચ્ચેની આવકની અસમાનતા વધે તે સ્વાભાવિક છે. આ જ પ્રમાણે રહેઠાણ માટેની સરકારી યોજનાઓનો લાભ પણ શરૂઆતમાં મધ્યમ આવક જૂથના તથા ઊંચી આવક જૂથના લોકોને મળતો હોય છે. આમ સરકારી નીતિઓનો લાભ આર્થિક વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં તદ્દન ગરીબ લોકોને બહુ ઓછો મળતો હોવાથી આવકની અસમાનતા વધવાનું વલણ સર્જાતું હોય છે.

ઉપાયો : આર્થિક વૃદ્ધિની સાથે સાથે આવકની વહેંચણીની વધતી જતી અસમાનતાને ઘટાડવાનો પ્રશ્ન ખૂબ ગંભીર છે. આમ છતાં આવકની પુનર્વહેંચણીના પ્રશ્ને વિકાસશીલ દેશોની બહુ ઓછી સરકારો ગંભીર હોય તેમ જણાય છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક સ્થિરતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જતાં આવકની વહેંચણીનો પ્રશ્ન પ્રશ્ચાદભૂમિકામાં ધકેલાઈ જતો હોય છે. વળી કેટલીક વાર આવકની પુનર્વહેંચણી માટે લેવાયેલાં પગલાંની પરોક્ષ અસરોને પરિણામે ધાર્યા કરતાં ઊલટાં જ પરિણામો આવતાં હોય છે. આમ છતાં આવકની વધુ સમાન વહેંચણી થાય તે માટે સામાન્ય રીતે નીચેના ઉપાયો લેવામાં આવતા હોય છે.

(1) ધનિકોની આર્થિક સત્તા ઘટાડવી : આવકવેરો, સંપત્તિવેરો, વારસાવેરો અને તત્સમ અન્ય પ્રત્યક્ષ કરવેરા દ્વારા, મજૂરોના વેતનદરો સુધારીને તથા ધનિકોનો નફો ઓછો કરીને તેમજ જમીનસુધારા જેવાં પગલાં દ્વારા સંપત્તિની પુનર્વહેંચણી કરીને ધનિકોની આર્થિક સત્તા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે છે.

(2) ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવી : દેશના સૌથી ગરીબ એવા વર્ગોને અલગ તારવીને તેમને વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા, શિક્ષણ, તબીબી સારવાર, ઉદાર શરતોને અધીન ધિરાણ, પાયારૂપ પ્રાથમિક સગવડોના લાભ પૂરા પાડી તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો થાય છે. કેટલીક વાર સરકાર સમૃદ્ધ વર્ગોને લાભકારક બને તેવાં પગલાં ભરે છે તેની આડઅસરોમાંથી પણ ગરીબ વર્ગોને આર્થિક લાભ થતો હોય છે.

(3) બજારતંત્રમાં સુધારા : બજારતંત્ર ઉપર આધારિત અર્થતંત્રોમાં આવક્ધાી અસમાનતા ઘટાડવા માટે કેટલીક વાર બજારતંત્રમાં એવા કેટલાક સુધારા કરવામાં આવે છે કે ગરીબોને ઉપયોગી નીવડે તેવી જરૂરી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન બજારતંત્રનાં પરિબળો મારફત થઈ શકે.

આર્થિક વૃદ્ધિનો ઢાંચો : આર્થિક વૃદ્ધિનો ઢાંચો કેવો હોય તે સમજવા માટે વિશ્વના વિવિધ દેશોમાં આર્થિક વૃદ્ધિ કઈ રીતે થઈ અને તેની પ્રક્રિયા દરમિયાન તે અર્થતંત્રોમાં કેવા ફેરફારો થયા તેનો અભ્યાસ કરવો ઘટે. દરેક દેશમાં આર્થિક વૃદ્ધિનો ઢાંચો સંપૂર્ણપણે એકસરખો તો ન જ હોય, છતાં કેટલીક સમાન લાક્ષણિકતાઓ તારવી શકાતી હોય છે. આવી સમાન લાક્ષણિકતાઓને આધારે, આર્થિક વૃદ્ધિના ઢાંચા વિશેનો ખ્યાલ સ્પષ્ટ થાય.

સૌપ્રથમ તો, જે દેશમાં આર્થિક વૃદ્ધિ થાય ત્યાં અગાઉની સરખામણીમાં માથાદીઠ વાસ્તવિક આવક ઝડપથી વધવા લાગે છે. વસ્તીવધારો ઝડપી હોય તોપણ ઉત્પાદનમાં ઝડપથી વધારો થતો હોવાથી માથાદીઠ ઉત્પાદન ઠીક ઠીક પ્રમાણમાં વધતું માલૂમ પડે છે. પ્રો. સાયમન કુઝનેટ્સે એક અભ્યાસ દ્વારા દર્શાવ્યું છે કે આર્થિક વૃદ્ધિ પામતા દેશોમાં લગભગ દર ચોવીસ વર્ષે વાસ્તવિક માથાદીઠ આવક બમણી થાય છે.

બીજી મહત્વની બાબત એ જણાય છે કે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનનાં તમામ સાધનોની – ખાસ કરીને મજૂરોની-ઉત્પાદકતામાં ઝડપથી વધારો થતો હોય છે. રાષ્ટ્રનાં ભૌતિક અને માનવીય સાધનોની ગુણવત્તામાં સુધારો કરનાર તકનીકી ફેરફારોને પરિણામે પણ ઉત્પાદકતામાં વધારો થતો હોય છે.

ત્રીજું, આર્થિક વૃદ્ધિ દરમિયાન અર્થતંત્રના માળખામાં પણ નોંધપાત્ર ફેરફારો થતા હોય છે. દા.ત., અર્થતંત્રમાં ખેતીનું મહત્વ ઘટે છે અને ઉદ્યોગો તથા સેવાઓનું મહત્વ વધે છે. અમેરિકામાં 1870માં દેશના કુલ મજૂરોમાંથી 53.5 ટકા મજૂરો ખેતીમાં રોકાયેલા હતા, પરંતુ આર્થિક વૃદ્ધિની સાથે સાથે આ પ્રમાણ ઘટવા લાગ્યું અને 1960માં તો માત્ર સાત ટકા મજૂરો જ ખેતીમાં રોકાયેલા હતા. આ જ પ્રમાણે રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો ઘટે છે અને અન્ય ક્ષેત્રોનો ફાળો વધે છે. ઉત્પાદનના એકમોની માલિકીની બાબતમાં વ્યક્તિગત અને કૌટુંબિક પેઢીઓનું સ્થાન રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય સંગઠનો લે તેવા સંજોગો ઊભા થાય છે.

ચોથું, આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા દરમિયાન દેશમાં કેટલાંક સામાજિક, રાજકીય અને વૈચારિક પરિવર્તનો આવતાં હોય છે. પ્રો. ગુન્નાર મિર્ડાલ જેને આધુનિકીકરણ તરીકે ઓળખાવે છે તે પ્રક્રિયા દૃષ્ટિગોચર થવા લાગે છે. આવા આધુનિકીકરણ હેઠળ લોકોની વિચાર કરવાની, કામ કરવાની, ઉત્પાદન કરવાની, વપરાશ કરવાની કે વહેંચણી કરવાની પરંપરાગત પદ્ધતિની જગ્યાએ આધુનિક પદ્ધતિ દાખલ થાય છે. આર્થિક જીવન પ્રત્યેનો પ્રજાનો અભિગમ વધુ ને વધુ તર્કસંગત બને છે. સરકારી નીતિઓમાં પણ પરિવર્તન આવે છે અને અર્થતંત્રનો યોજનાબદ્ધ વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. સમાજમાં જુદા જુદા વર્ગો વચ્ચે વધુ સમાનતા પ્રસ્થાપિત થાય તે માટેની વિવિધ નીતિઓ અપનાવવામાં આવે છે. દા.ત., તકોની સમાનતા, આવક, સંપત્તિ અને જીવનધોરણની સમાનતા વગેરે.

કામદારોની કાર્યક્ષમતામાં વધારો કરવા, અસરકારક હરીફાઈનું પ્રમાણ વધારવા, વ્યક્તિગત સાહસવૃત્તિને પ્રોત્સાહિત કરવા, સામાજિક અને આર્થિક ગતિશીલતા વધારવા, તકોની સમાનતા વધારવા, ઉત્પાદકતાનાં ધોરણો સુધારવા, જીવનધોરણ સુધારવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે આવા ફેરફારો જરૂરી જણાતા હોય છે. સામાજિક સંસ્થાઓમાં પણ પરિવર્તનો આવતાં હોય છે, દા.ત., ગણોતપ્રથા જેવી જૂનીપુરાણી પ્રથા નાબૂદ થાય, શૈક્ષણિક અને ધાર્મિક માળખામાં ફેરફારો થાય, આયોજનની અને વહીવટી પદ્ધતિ બદલાય વગેરે. લોકોનાં વલણો પણ બદલાય છે. માનવી વધુ આધુનિક બને છે. આધુનિક માનવી કાર્યક્ષમ, મહેનતુ, વ્યવસ્થિત, નિયમિત, પ્રામાણિક, તર્કયુક્ત અભિગમ ધરાવનાર, ફેરફારોને સ્વીકારવા તૈયાર, સ્વાશ્રયી, સહકારી વલણ દાખવનાર અને દીર્ઘદૃષ્ટિસંપન્ન હોય.

વળી, જે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ હોય તે દેશની આર્થિક વગ તથા સોદાશક્તિ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે. એક તરફ આવા દેશો વિશ્વના અન્ય દેશોમાંથી સસ્તો કાચો માલ, પ્રાથમિક પેદાશો અને મજૂરો પ્રાપ્ત કરી શકે છે અને બીજી તરફ પોતે તૈયાર કરેલા માલ માટે અન્ય દેશોમાં નફાકારક બજાર પ્રાપ્ત કરતા હોય છે; મુખ્યત્વે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે થયેલી પ્રગતિને લીધે આમ કરવાનું તેમના માટે શક્ય બને છે. આફ્રિકા, એશિયા અને લૅટિન અમેરિકાના ઘણા દેશોને સંસ્થાનો બનાવીને, ઉપર દર્શાવેલા લાભો મેળવી કેટલાંક પશ્ચિમી રાષ્ટ્રોએ આર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે તે ઇતિહાસ-પ્રસિદ્ધ હકીકત છે.

છેલ્લાં લગભગ 200 વર્ષ દરમિયાન વિશ્વના કેટલાક દેશોએ અદભુત આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં આજે વિશ્વના માંડ ત્રીજા ભાગના દેશો જ આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિના હક્કદાર બન્યા છે; દુનિયાની બે-તૃતીયાંશ વસ્તી તો હજી આર્થિક બેહાલીમાં જ સબડે છે. વિશ્વની કુલ આવકમાંથી 85 % જેટલી આવક આવા વિકસિત દેશોને જ મળે છે. વધુ કરુણ હકીકત તો એ છે કે વિશ્વનાં ધનિક અને ગરીબ રાષ્ટ્રોમાં આર્થિક વૃદ્ધિનો ઢાંચો કાંઈક એવું સ્વરૂપ લઈ રહ્યો છે કે વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચેનું આર્થિક અંતર વધતું જ જાય છે. આમ છતાં, બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં ત્રીજા વિશ્વના દેશો આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે પ્રયત્નશીલ છે અને તેમાંથી કેટલાકના અર્થતંત્રનો ઢાંચો બદલાઈ રહ્યો છે.

આર્થિક વૃદ્ધિ અને વિકાસ–ત્રીજા વિશ્વમાં : મૂળ 77 રાષ્ટ્રોના જૂથ (The Group of 77) તરીકે સંગઠિત થયેલા વિશ્વના અલ્પવિકસિત દેશોના સમૂહને ત્રીજા વિશ્વના દેશો તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહમાં એશિયા, આફ્રિકા, લૅટિન અમેરિકા તથા મધ્યપૂર્વના અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશો ઉમેરવામાં આવે છે. 1975માં આવા દેશોની સંખ્યા 108 ગણાતી, જે હવે 120 જેટલી થઈ છે. વસ્તીની દૃષ્ટિએ વિચારીએ તો ત્રીજા વિશ્વના દેશોની કુલ વસ્તી આશરે બસો કરોડ જેટલી છે, જે વિશ્વની કુલ વસ્તીના આશરે 68 ટકા જેટલી થાય છે. નીચું જીવનધોરણ, વસ્તી વધવાનો ઊંચો દર, ઓછી રાષ્ટ્રીય તથા માથાદીઠ આવક તથા આર્થિક અને તકનીકી બાબતોમાં વિકસિત દેશો પર અવલંબન  આ ત્રીજા વિશ્વના દેશોની મુખ્ય લાક્ષણિકતાઓ ગણાય છે. સ્વાભાવિક રીતે આર્થિક વૃદ્ધિનો ઓછો દર, ગરીબી, બેકારી તથા આર્થિક અસમાનતા જેવા પ્રશ્નોના નિરાકરણ સાથે સંકળાયેલી સમસ્યાઓ આવા દેશોના વિકાસના અર્થશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

પરંપરાગત દૃષ્ટિએ વિચારીએ તો ટાંચાં ઉત્પાદનનાં સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ તથા આવાં સાધનોનો ઇષ્ટતમ વિકાસ – આ બે પાયાની બાબતો જ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ રાજકીય કે સાર્વજનિક અર્થશાસ્ત્ર (political economy) તેનાથી વધુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં સામાજિક કલ્યાણના સંદર્ભમાં સમાજના ઉત્પાદનનાં સાધનોની વર્તમાન તથા ભવિષ્યની ફાળવણી અને તેની સાથે સંકળાયેલ સામાજિક તથા સંસ્થાકીય પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરે છે. ત્રીજા વિશ્વનું અર્થકારણ તો રાજકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને સ્પર્શે છે. ગરીબીમાં સદીઓથી સબડતી, ભૂખમરાથી કે અલ્પપોષણથી લાંબા સમયથી પીડાતી, અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે અંધકારમય જીવન જીવતી પોતાની પ્રજાનું જીવનધોરણ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં સુધારવા માટે ખાનગી તથા જાહેર એમ બંને સ્તરના આર્થિક, સામાજિક અને સંસ્થાકીય માળખાના સૈદ્ધાન્તિક સ્વીકાર પૂરતું જ ત્રીજા વિશ્વનું અર્થકારણ મર્યાદિત રહેતું નથી, પરંતુ તેનાથી એક ડગલું આગળ વધીને તે નિર્ધારિત ધ્યેયોને હાંસલ કરવા માટે નીતિવિષયક દિશાસૂચનો પણ કરે છે અને તેના અમલ માટેના ભિન્ન ભિન્ન માર્ગોમાંથી પોતાના દેશની વિશિષ્ટ પરિસ્થિતિમાં કયા માર્ગ ઉચિત ગણાય તેનો અંગુલિનિર્દેશ કરે છે. આમ પોતાના દેશની પ્રજાના બધા જ સ્તરો સુધી આર્થિક વિકાસના લાભ વધુમાં વધુ પ્રમાણમાં પહોંચાડી શકાય તે માટે સમગ્ર સમાજના ભિન્ન ભિન્ન ઘટકોમાં માળખાગત અને સંસ્થાકીય પરિવર્તનો ઝડપભેર લાવવા માટે જરૂરી આર્થિક અને રાજકીય પ્રક્રિયાઓના વિશ્લેષણ સાથે ત્રીજા વિશ્વનું અર્થકારણ સીધો સંબંધ ધરાવે છે. આવા વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો ત્રીજા વિશ્વના દેશોમાં ઝડપી પરિવર્તનો દાખલ કરવા માટે રાજ્યનો પ્રત્યક્ષ ફાળો, કેન્દ્રવર્તી અથવા સુસંકલિત આર્થિક આયોજન તથા તેના અસરકારક અમલ માટે સમાજના વિશાળ પટને આવરી લેતી આર્થિક નીતિ  – આ બધા જ ઘટકો અનિવાર્ય ગણાય છે. ત્રીજા વિશ્વના આર્થિક વિકાસના મુખ્ય નિર્ણાયક ઘટકો(parameters)માં ઝડપી પરિવર્તન લાવવાના પૂર્વનિર્ધારિત હેતુથી રાજ્ય કે સરકાર દ્વારા જે નિર્ણયો લેવાય છે તેનો અસરકારક અને કાર્યક્ષમ અમલ થાય તો આવા દેશોના અર્થતંત્રના સ્વરૂપમાં ઇચ્છિત ફેરફારો દાખલ કરી શકાય છે; જોકે પરંપરાગત અર્થતંત્રની જે સ્વરૂપગત મર્યાદાઓ હોય છે તેને લીધે આવા દેશોમાં વિકાસની ગતિ ધીમી જ રહેવાની. આવા દેશોમાં દાખલ થતા આર્થિક અને સામાજિક ફેરફારોનો લાભ ગ્રામીણ અને શહેરી વિસ્તારોની ગરીબ પ્રજાને ફાળે જવાને બદલે ઘણી વાર સ્થાપિત હિત ધરાવતા ઉપલા વર્ગના લોકો પચાવી પાડતા હોય છે. તેથી જ વિકાસની પ્રક્રિયાના શરૂઆતના તબક્કાઓથી માત્ર રાષ્ટ્રીય ઉત્પાદન વધારવાના ઉદ્દેશને જ નહિ પરંતુ તેની ન્યાયી વહેંચણીના ઉદ્દેશને પણ આવા દેશોમાં સરખું મહત્વ આપવામાં આવે છે. આમ ત્રીજા વિશ્વના દેશોમાં વિકાસની વ્યૂહરચના ઉત્પાદનલક્ષી તથા વહેંચણીલક્ષી  – આ બંને પ્રકારની હોય છે અને તે હાંસલ કરવા માટે વિકાસનીતિના ઘડતરમાં રાજ્યનો ફાળો અનિવાર્ય ગણવામાં આવે છે.

ત્રીજા વિશ્વના બધા જ દેશો ગરીબીથી પીડાય છે. ગરીબીને તે સૌનું સમાન લક્ષણ સ્વીકારીએ તોપણ અન્ય ઘણી મહત્વની બાબતોમાં તેમની વચ્ચે તફાવત રહેલો છે. આર્થિક, સામાજિક સ્તરનો તફાવત પણ હોય છે. રાષ્ટ્રસંઘના એક અહેવાલ મુજબ ત્રીજા વિશ્વના દેશોમાં અત્યંત ગરીબ અને વિકાસનું નિમ્ન સ્તર ધરાવતા દેશોની સંખ્યા 42 છે, તેલની નિકાસ ન કરતા વિકાસશીલ દેશોની સંખ્યા 65 છે અને માત્ર ખનિજ તેલની નિકાસને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેમની રાષ્ટ્રીય આવક આસમાને ચઢી છે તેવા દેશો(OPEC – Organisation of Petrolium Exporting Countries)ની સંખ્યા 13 જેટલી છે. વિકાસશીલ દેશોની હરોળમાં (ચીન બાદ કરીએ તો) દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણે વિસ્તાર તથા વસ્તીની દૃષ્ટિએ વૈવિધ્યપૂર્ણ અર્થતંત્રવાળા દેશો હોવા છતાં તેમની કુલ વસ્તીનો મોટો ભાગ કારમી ગરીબીમાં જીવે છે. કૃષિપેદાશો તથા ખનિજપદાર્થોની નિકાસ પર જીવતા દેશોમાં શ્રીલંકા, ઝાંબિયા, ઘાના, ચિલી તથા કોલંબિયાનો સમાવેશ થાય છે. ખનિજ તેલોની નિકાસોને લીધે અણધારી સમૃદ્ધિ મેળવી ચૂકેલા દેશો બાદ કરીએ તો ત્રીજા વિશ્વના બાકીના દેશોની આર્થિક સમસ્યાઓના કેન્દ્રમાં ગરીબીનિવારણની સમસ્યા છે, જે વ્યાપક પ્રમાણમાં જોવા મળતી આર્થિક અસમાનતાઓને લીધે વધુ તીવ્ર બની છે. વિશ્વની કુલ વસ્તીમાંથી 200 કરોડ જેટલી વસ્તી અલ્પવિકસિત દેશોમાં છે, જેમાંના 80 કરોડ માનવીઓ ગરીબીની રેખા કરતાં પણ નીચા સ્તરે જીવે છે. આ 80 કરોડ લોકોની વાર્ષિક માથાદીઠ આવક આશરે 100 ડૉલર જેટલી નીચી છે. અલ્પવિકાસથી પીડાતા દેશોમાંથી 40 દેશોની આંકડાકીય માહિતી ઉપલબ્ધ છે તે દર્શાવે છે કે આવા દેશોમાં આવકનો સૌથી ઊંચો સ્તર ધરાવતી 20 ટકા જેટલી વસ્તી કુલ કાચી પેદાશમાંથી 55 ટકા જેટલી પેદાશ મેળવે છે તો આવકના સૌથી નિમ્નસ્તર પર જીવતા 20 ટકા લોકોને ફાળે કાચી રાષ્ટ્રીય પેદાશનો માત્ર 5 ટકા હિસ્સો જાય છે. ત્રીજા વિશ્વના અત્યંત અલ્પ વિકાસ ધરાવતા 42 દેશોની કુલ વસ્તીના 56 ટકા જેટલી વસ્તી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈથિયોપિયા તથા નેપાલમાં કેન્દ્રિત થયેલી છે. આ ચાર દેશોની 1967-73 ના ગાળાની વિગતો દર્શાવે છે કે આર્થિક વિકાસની બાબતમાં તેઓ માત્ર સ્થગિતતા જ નહિ, પરંતુ વિકાસના નકારાત્મક દરના વિષચક્રમાં ફસાયેલા રહ્યા છે. (1970-73 દરમિયાન આ ચારે દેશોમાં વિકાસનો દર નકારાત્મક હતો.) નોંધપાત્ર બાબત તો એ છે કે રાષ્ટ્રસંઘ તથા તેના નેજા હેઠળનાં સંગઠનોએ ત્રીજા વિશ્વના દેશો માટે આર્થિક વૃદ્ધિનો સરેરાશ માથાદીઠ વાર્ષિક દર 3.5 ટકા જેટલો હોવો જોઈએ તેવી વ્યૂહરચનાની ભલામણ કરી હતી. આ લક્ષ્યાંક હાંસલ થયો હોય તોપણ તે દેશોની માથાદીઠ આવક ઈ. સ. 2000 સુધી વધુમાં વધુ બમણી એટલે કે આશરે 209 ડૉલર જેટલી જ થઈ હતી, જે વિકસિત દેશોની માથાદીઠ આવકની સરખામણીમાં અત્યંત અલ્પ ગણાય. આમ વિકસિત તથા ત્રીજા વિશ્વના દેશો વચ્ચે આજે જે આર્થિક અંતર છે તેમાં નજીકના ભવિષ્યમાં કોઈ ખાસ ફેરફાર થાય તેવાં ચિહ્નો દેખાતાં નથી. ત્રીજા વિશ્વના દેશોમાંથી કોઈ દેશમાં આર્થિક સ્થગિતતા કે વિકાસનો નકારાત્મક દર રહેશે તો તેવા દેશમાં ગરીબીની સમસ્યા અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને તે  સમગ્ર વિશ્વને ભયંકર આર્થિક કટોકટીમાં ધકેલી દેશે.

ત્રીજા વિશ્વના દેશોમાં વિકાસની ઇષ્ટ વ્યૂહરચનાના સંદર્ભમાં ઘણા લાંબા સમય સુધી એવી વિચારસરણી પ્રચલિત હતી કે કૃષિ, ઉદ્યોગો તથા વ્યાપારના ક્ષેત્રના નિયોજકો તથા રાજકીય અને વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉપલા વર્ગના (elite) લોકોના પ્રયત્નોથી આવા દેશોમાં આર્થિક વિકાસ સાધી શકાશે અને તેનો લાભ સમાજના નિમ્નસ્તરના લોકો સુધી રેલાશે. પરંતુ વિશ્વના ગરીબ દેશોમાં તેમ બન્યું નથી. આ હકીકત હવે સ્વીકારવામાં આવી છે અને વૈકલ્પિક વ્યૂહરચનાની સાથે જ વિશ્વના અર્થતંત્રમાં નવો યુગ પ્રસ્થાપિત કરવાની માંગ પ્રબળ થતી જાય છે. ત્રીજા વિશ્વના દેશોના વિકાસ પર વિકસિત દેશોનું ભવિષ્ય અવલંબે છે. આ વાસ્તવિકતાની અવગણના કરવી સમગ્ર વિશ્વ માટે હવે જોખમકારક ગણાય. રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ તે સમયના તેના સ્વરૂપના સંદર્ભમાં તેનો છેલ્લા બે દાયકાનો ઇતિહાસ તપાસીએ તો જાણવા મળશે કે 1945ના અરસામાં તેના પર વિશ્વની મહાસત્તાઓનું સીધું વર્ચસ્ હતું અને તે જમાનામાં રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ વિશ્વશાંતિ પ્રસ્થાપિત કરવાનો હતો.. પરંતુ ધીમે ધીમે તેની પ્રવૃત્તિઓના સ્વરૂપમાં પરિવર્તન દાખલ થતું ગયું, જેને પરિણામે તેની પ્રવૃત્તિઓનો ઝોક રાજકીય કરતાં વધુ સામાજિક તથા આર્થિક ઉત્થાન તરફ રહ્યો છે. રાષ્ટ્રસંઘના અંદાજપત્રકની કુલ રકમના 80 ટકા જેટલી રકમ હવે વિશ્વના સામાજિક અને આર્થિક ઉત્થાનના કાર્યક્રમો પર ખર્ચાય છે. આજે રાષ્ટ્રસંઘ પર મહાસત્તાઓનું સીધું વર્ચસ્ નથી, કારણ કે તેની કુલ સભ્યસંખ્યામાં અલ્પવિકસિત દેશોના સભ્યોની બહુમતી છે. સ્વાભાવિક રીતે જ બહુમતી ધરાવતા આ સભ્યો વિશ્વસંસ્થાનાં વિવિધ અંગોનો તથા તેનાં સાધનોનો ઉપયોગ પોતાના લાભમાં થાય તેવો સભાન પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે વિશ્વસમાજકારણ તથા અર્થકારણમાં સ્વરૂપગત પરિવર્તનો થઈ રહ્યાં છે. આ પરિવર્તન માટે બે પરિબળો મુખ્યત્વે જવાબદાર ગણાય : (1) ત્રીજા વિશ્વની કારમી ગરીબી તથા તે દેશોમાં વિકાસની અત્યંત ધીમી ગતિ. (2) ખનિજ તેલના વિશ્વના જથ્થા પર માલિકી ધરાવતા દેશો(OPEC)નું વિશ્વના અર્થકારણ પર વધતું જતું વર્ચસ્. ખનિજ તેલના જથ્થા પર વર્ચસ્ ધરાવતા દેશોએ તાજેતરનાં વર્ષો દરમિયાન જે અપાર સમૃદ્ધિ હાંસલ કરી છે તે વિકસિત દેશોની સહાય કે સંમતિ વિના પ્રાપ્ત કરી છે તથા વિશ્વના રાજકારણ અને અર્થકારણ તરફના વિશ્વના દેશોના દૃષ્ટિબિંદુને નવો વળાંક આપ્યો છે.

ત્રીજા વિશ્વના દેશોની એક આગવી વિશિષ્ટતા એ છે કે તેઓ મુખ્યત્વે ઔદ્યોગિક કાચા માલનું ઉત્પાદન કરે છે અને વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલા દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય શ્રમવિભાજન દાખલ થયું, જેને પરિણામે પશ્ચિમ યુરોપ તથા ઉત્તર અમેરિકાના દેશોએ વિશ્વના અન્ય દેશોની વિપુલ શ્રમસંપત્તિ તથા જમીન જેવાં કુદરતી સાધનો વડે ઉત્પન્ન થતી પ્રાથમિક ચીજવસ્તુઓની આયાત મોટા પાયા પર કરી પોતાના દેશમાં એવી આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ કર્યું, જે તકનીકી પ્રગતિ સાથે સીધો સંબંધ ધરાવતી હોય. આવા શ્રમવિભાજનને લીધે વિશ્વના બધા જ દેશોમાં પરસ્પરાવલંબન વધ્યું છે, એટલું જ નહિ પરંતુ તે તીવ્ર બનતું ગયું છે. વિશ્વમાં આજે જે આર્થિક અને સામાજિક વિષમતા જોવા મળે છે તે વિલક્ષણ ગણાય તેવા બેવડા ઘટનાક્રમ(dual phenomenon)નું આત્યંતિક પરિણામ છે : એક તરફ ત્રીજા વિશ્વના દેશો આર્થિક, તકનીકી તથા સંસ્થાકીય માળખાની બાબતમાં વિકસિત દેશોની સહાય પર અવલંબે છે, તો બીજી તરફ વિકસિત દેશો કાચા માલ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓના પુરવઠા માટે ત્રીજા વિશ્વના દેશો પર અવલંબે છે. વિશ્વનો મોટાભાગનો કાચો માલ ત્રીજા વિશ્વના દેશોમાં કેન્દ્રિત થયેલો છે, તો તે માલ દ્વારા જે તૈયાર ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તે માટે જરૂરી ગણાય તેવું તક્નીકી જ્ઞાન અને મૂડીનો જથ્થો વિકસિત દેશોમાં કેન્દ્રિત થયેલો છે. છતાં આ પરસ્પરાવલંબનમાં ત્રીજા વિશ્વના દેશોની સ્વરૂપગત તથા માળખાગત મર્યાદાઓને લીધે વિકસિત દેશો દ્વારા તેમનું આર્થિક અને રાજકીય શોષણ થાય છે તે વાત દીવા જેવી સ્પષ્ટ છે.

ત્રીજા વિશ્વની આ પરિસ્થિતિને લીધે જ હવે વિશ્વમાં સમતા અને ન્યાય પર આધારિત નવી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા (New International Economic Order – NIEO) ઊભી કરવાની માગણી પ્રબળ થતી જાય છે. છતાં વિકસિત દેશો અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશો માટે લાભદાયી ગણાય તેવા સુધારા પોતાના અર્થતંત્રમાં દાખલ કરશે તથા ત્રીજા વિશ્વના દેશો પ્રત્યેનો પોતાનો અભિગમ કે દૃષ્ટિકોણ બદલશે તેવી અપેક્ષા રાખવી હાલ નિરર્થક લાગે છે; તેથી ત્રીજા વિશ્વના દેશોએ પોતાના વિકાસ માટે પોતાનાં સાધનો તથા મનોબળ ઉપર જ આધાર રાખવાનો રહેશે. નવી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની સ્થાપના તથા તેની ભાવિ સફળતા ત્રીજા વિશ્વના દેશોની સૂઝ તથા કુનેહ પર મુખ્યત્વે અવલંબે છે તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

અનિલ સોનેજી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે