બેરાઇટ (barite) : અગત્યનાં ઔદ્યોગિક ખનિજો પૈકીનું એક. તે બેરાઇટીસ (barytes) નામથી પણ ઓળખાય છે. ગ્રીક શબ્દ ‘barys’ (વજનદાર) પરથી આ નામ પડેલું મનાય છે. રાસા. બં. : BaSO4. સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો પાતળાથી જાડા મેજ આકાર, ક્યારેક મોટાં, લાંબાં કે ટૂંકાં પ્રિઝમૅટિક સ્વરૂપોમાં મળે; ચોમેર સરખાં કદવાળા પણ હોય; સ્ફટિકજૂથમાં કે ગુલાબની પાંખડીઓ જેવા પણ મળે; દળદાર કે સૂક્ષ્મસ્ફટિકમયથી દાણાદાર પણ હોય, પર્ણાકાર હોય; કાંકરીમય, સ્તંભાકાર, રેસાદાર અને મૃણ્મય પણ હોઈ શકે; અધોગામી સ્તંભો પણ બને. સ્ફટિકો પારદર્શકથી આછા પારભાસક. સંભેદ : (001) ફલક પર પૂર્ણ, (210) ફલક પર સ્પષ્ટ, (010) ફલક પર અપૂર્ણ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : કાચમય, રાળમય, ક્યારેક મૌક્તિકમય. રંગ : રંગવિહીન, સફેદથી રાખોડી; પીળાશ પડતા, કથ્થાઈ પડતા, લીલાશ પડતા કે લાલાશ પડતા રંગની ઝાંયમાં પણ મળે. ચૂર્ણ રંગ : સફેદ, પારજાંબલી પ્રકાશમાં પ્રસ્ફુરણ અને પશ્ચાત્-સ્ફુરણનો ગુણધર્મ દર્શાવે. કઠિનતા : 3થી 3.5; વિ. ઘ. : 4.5. પ્રકા. અચ. : α = 1.636, β = 1.637, γ = 1.648. પ્રકા. સંજ્ઞા : +Ve, 2v = 37° 30´.
પ્રાપ્તિસ્થિતિ : ઓછાથી મધ્યમ તાપમાને તૈયાર થયેલી ઉષ્ણજળજન્ય શિરાઓમાં બહોળા પ્રમાણમાં મળે. શિરાઓમાં તે મોટાભાગે ગેલેના, સ્ફેલેરાઇટ, ફ્લોરાઇટ અને ક્વાર્ટ્ઝ સાથે મળે છે. બેરાઇટની કેટલીક શિરાઓ ખડકોમાં રહેલા બેરિયમનાં સંયોજનોના સ્રવણ(leaching)થી પણ રચાય છે. જળકૃત ખડકોમાં શિરા, વીક્ષાકાર, કોટરપૂરણી કાંકરીઓના સ્વરૂપે તે મળે છે. ચૂનાખડક અને ડોલોમાઇટમાં તે ફાટ અને વિસ્થાપન શિરાઓ રૂપે મળે છે; દા.ત., આંધ્રપ્રદેશમાં કડાપ્પા વયના ચૂનાખડકમાં મળતી શિરાઓ, રાજસ્થાનમાં અલ્વર નજીક કડાપ્પા વયની દિલ્હી રચનાના અલ્વર ક્વાર્ટ્ઝાઇટમાંની ફાટ-શિરાઓ, હિમાચલ પ્રદેશના કન્નોર જિલ્લામાં સાઇલ્યુરિયન-ઑર્ડોવિસિયન વયના ક્વાર્ટ્ઝાઇટ-ફિલાઇટમાં મળે છે. વિસ્થાપનથી થતા ચૂનાખડકના ક્ષયને પરિણામે અવશિષ્ટ ગઠ્ઠા તરીકે તે મળે છે; અવશિષ્ટ માટી નિક્ષેપોમાં પણ તે મળે. જળકૃત ઉત્પત્તિજન્ય બેરાઇટના સ્તરબદ્ધ નિક્ષેપો આંધ્રપ્રદેશના કડાપ્પા જિલ્લામાં જ્વાળામુખી ખડકો સાથે સંકળાયેલા મળે છે. અગ્નિકૃત ખડકોમાંની બખોલોમાં તેમજ ગરમ પાણીના ઝરા નિક્ષેપોમાં પણ તે મળે.
પ્રાપ્તિસ્થાનો : આ ખનિજ માટેનો મુખ્ય ઉત્પાદક દેશ ચીન છે, તેનું વાર્ષિક ઉત્પાદન 9 લાખ ટન આજુબાજુનું રહે છે. આગળ પડતું ઉત્પાદન કરતા અન્ય દેશોમાં યુ.એસ., રશિયા, મેક્સિકો, મોરૉક્કો અને ભારતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે ઇંગ્લૅન્ડ, જર્મની, નૉર્વે, રુમાનિયા, ચેકોસ્લોવેકિયા અને ફ્રાન્સમાંથી પણ મળે છે. દુનિયાનું કુલ ઉત્પાદન (1990) 56 લાખ ટનનું છે, જેમાં ભારતનો હિસ્સો 5થી 6 લાખ ટન (આશરે 10 %) જેટલો છે. દુનિયાનો બેરાઇટનો કુલ અનામત જથ્થો આશરે 90 કરોડ ટન જેટલો અંદાજવામાં આવેલો છે.
ભારત : ભારતમાં તે આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિળનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી મળે છે. દેશનો કુલ અનામત જથ્થો (1990 મુજબ) 7 કરોડ ટન જેટલો છે; જેમાં આંધ્રપ્રદેશ મોખરાનું સ્થાન (2 કરોડ ટન) ધરાવે છે; એટલું જ નહિ, તે મુખ્ય ઉત્પાદક (95 % ઉત્પાદન) રાજ્ય છે. 1989’–90, 90–91, ’91–92 અને ’92–93નું વાર્ષિક ઉત્પાદન અનુક્રમે 6.45 લાખ ટન, 5.09 લાખ ટન, 6.84 લાખ ટન અને 3.81 લાખ ટન થયેલું.
ઉપયોગો : બેરાઇટ વજનમાં ભારે, નિષ્ક્રિય અને સ્થાયી હોવાથી તેલ-વાયુ-પ્રાપ્તિ માટેના શારકામમાં, રંગોમાં, રસાયણોમાં, ઍસ્બેસ્ટોસ-પેદાશોમાં, કાચ, રબર, સિરૅમિક ઉદ્યોગોમાં વપરાય છે. આ ઉપરાંત તે ચર્મઉદ્યોગમાં, ગંજીફાનાં પાનાં, બટન, છાપકામની શાહી અને સૌંદર્ય-પ્રસાધન પાઉડરની બનાવટોમાં પણ વપરાય છે. બેરિયમ સલ્ફેટ ઔષધો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આંતરડાંનો x-ray લેવા માટે દર્દીને લોટ, ખાંડ, કોકો અને પાણી સાથે મિશ્ર કરીને તે પાવામાં આવે છે. બેરિયમ ધાતુ કુદરતમાં પ્રાકૃત સ્થિતિમાં મળતી નથી; તે બેરાઇટમાંથી મેળવાય છે.
ગિરીશભાઈ પંડ્યા