બૅરન કોતર : ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ રાજ્યના ઉત્તર ભાગમાં વહેતી બૅરન નદીએ કોતરી કાઢેલું ગર્તરૂપી કોતર. તે કુરાન્ડા તથા કૅર્ન્સ વચ્ચે ઍથર્ટન પઠારભૂમિ(tableland)થી દરિયા સુધી વિસ્તરેલું છે. કોતરની બંને બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી છે અને આખુંય કોતર ગાઢ વર્ષાજંગલોથી આચ્છાદિત છે. નદીમુખથી 16 કિમી. ઉપરવાસમાં તેમજ કૅર્ન્સથી 18 કિમી.ને અંતરે બૅરન ધોધશ્રેણી આવેલી છે, તે પૈકી કેટલાક ધોધ ક્રમિક પ્રપાત રૂપે એક પછી એક ખાબકતા જઈને તેમના ઉપરવાસ અને હેઠવાસ વચ્ચે કુલ 235 મીટર ઊંચાઈનો તફાવત ઊભો કરે છે.
ગિરીશભાઈ પંડ્યા