બેન-હર (1959) : અંગ્રેજી ચલચિત્ર. ટૅકનિકલર, સિનેમાસ્કોપ. નિર્માણસંસ્થા : મેટ્રો–ગોલ્ડવિન–મેયર; નિર્માતા : સૅમ ઝિમ્બાલિસ્ટ; દિગ્દર્શક : વિલિયમ વાયલર; પટકથા : કાર્લ ટુનબર્ગ; કથા : જનરલ લ્યુ વૉલેસની નવલકથા ‘એ ટેલ ઑવ્ ક્રાઇસ્ટ’ પર આધારિત; છબિકલા : રૉબર્ટ સુર્ટિસ; સંગીત : મિક્લોસ રોઝા; મુખ્ય કલાકારો : ચાર્લટન હેસ્ટન, સ્ટીફન બૉઇડ, હાયા હરારિત, જૅક હૉક્ધિસ, હ્યુજ ગ્રિફિથ, માર્થા સ્કૉટ.

બાઇબલ સંબંધી કથાને અત્યંત ભવ્ય રીતે રજૂ કરતું આ ચિત્ર હૉલિવૂડનાં સીમાચિહ્નરૂપી ચિત્રોમાં સ્થાન પામ્યું છે. જેરૂસલેમમાં આકાર લેતી આ ચિત્રની કથા એક શ્રીમંત યહૂદી યુવાન જુદાહ બેન-હર અને એક રોમન ઉમરાવ મેસાલાની મિત્રતા અને શત્રુતાની છે. બંને લંગોટિયા મિત્ર હોય છે; પણ એક દિવસ બેન-હર વાતવાતમાં મેસાલાનો બાતમીદાર બનવાની ના પાડી દે છે. રોમન ઉમરાવ પોતાની વગ અને સત્તાનો ઉપયોગ કરીને બેન-હરની મિલકતો જપ્ત કરી લે છે. તેને ગુલામ બનાવી દઈ તેના પર અત્યાચારો કરે છે. બેન-હરની માતા તથા બહેનને જેલમાં ધકેલી દે છે. વર્ષો વીતે છે. દરમિયાનમાં રોમન કૉન્સલ ક્વીન્ટ્સનો બેન-હર જીવ બચાવે છે. તે બેન-હરને પુત્ર તરીકે દત્તક લે છે.

અશ્વરથની રોમાંચક સ્પર્ધા : ‘બેન-હર’ ચલચિત્રનું વિશ્વપ્રસિદ્ધ ર્દશ્ય

એ પછી બેન-હર જેરૂસલેમ પાછો આવે છે. તેની પ્રેમિકા એસ્થરને મળે છે. તેની પાસેથી તેને પોતાની માતા તથા બહેનની કોઈ ભાળ મળતી નથી. થોડા સમયમાં રથની સ્પર્ધામાં મેસાલાને હરાવીને બદલો લેવાની તેને તક મળે છે. આ સ્પર્ધામાં જ મેસાલા જીવલેણ રીતે ઘાયલ થાય છે. મરતી વખતે તે બેન-હરને કહે છે કે તેની માતા તથા બહેન રક્તપીત્તિયાંઓની ગુફામાં રહે છે. ઈસુને વધસ્તંભ પર ચઢાવવાની ઘટનાનો પણ બેન-હર સાક્ષી બને છે. તે પોતાની બહેન અને માતાને શોધી કાઢે છે. કોઈ ચમત્કારને કારણે બંને સ્વસ્થ થઈ જાય છે. ભગવાન ઈસુના ચરિત્રને ખૂબ સુંદર રીતે આ ચિત્રમાં રજૂ કરાયું છે. રથસ્પર્ધાનું દિલધડક ચિત્રણ પણ આ પ્રકારનાં ચિત્રાંકનોમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે. આ ચિત્રને શ્રેષ્ઠ અભિનેતા (ચાર્લટન હેસ્ટન), શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ સહાયક અભિનેતા (હ્યુજ ગ્રિફિથ), શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ કલાનિર્દેશન, શ્રેષ્ઠ સંકલન, શ્રેષ્ઠ ધ્વનિ, શ્રેષ્ઠ પોશાક અને શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સનાં કુલ અગિયાર ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા. 1926માં આ જ કથા પર આધારિત બનેલું મૂક ચિત્ર પણ વખણાયું હતું.

હરસુખ થાનકી