બેન, ગૉટ ફ્રાઇડ (જ. 1886, મૅન્સફિલ્ડ, જર્મની; અ. 1956) : જર્મનીના મહત્વના કવિ અને શરીરરચનાશાસ્ત્રી. યુવાન વયમાં જ તેઓ નાસ્તિવાદ (nihilism) તરફ આકર્ષાયા. પછીથી તેઓ બીજા કેટલાક બુદ્ધિવાદીઓની જેમ નાઝીવાદી સિદ્ધાંતોની તરફેણ કરવા લાગ્યા. મૈથુનથી થતા ચેપી રોગો અંગેના વિજ્ઞાનનું શિક્ષણ લીધેલું પણ તેમણે પ્રવૃત્તિ તો આદરી અભિવ્યક્તિવાદી કાવ્યલેખનની; તેમાંય તે પોતાના વ્યવસાયનાં જુગુપ્સાજનક પાસાં વિશે જ કાવ્યો લખતા, જેમ કે ‘ધ મૉર્ગ’ (1912) નામની કવિતા. 1945 પછી તેમના કાવ્યવિષયોમાં બહુવિધતા આવવા માંડી, પણ તેનો પ્રમુખ સૂર તો નિરાશાવાદી જ રહ્યો. ઓગણીસમી સદીના તેઓ અગ્રણી જર્મન કવિ લેખાયા.
મહેશ ચોકસી