બેદી, કિરણ (જ. 9 જૂન 1949, અમૃતસર, ભારત) : ભારતનાં પ્રથમ મહિલા પોલીસ-અધિકારી અને તિહાર જેલને ‘આશ્રમ’ બનાવનાર મૅગ્સેસે ઍવૉર્ડવિજેતા અફસર. તેમનો ઉછેર અમૃતસરમાં થયો અને પંજાબ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસ સાથે અનુસ્નાતક પદવી હાંસલ કરી. 1972માં તેઓ ભારતીય પોલીસ-સેવામાં આગ્રહપૂર્વક જોડાયાં. પોલીસ-અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયાં. નારકૉટિક્સ વિષય પર સંશોધન કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી, દિલ્હીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી.
અભ્યાસકાળ દરમિયાન તેઓ રમતગમત, ટેબલ ટેનિસ, વાચન, નાટ્ય, વક્તૃત્વ તથા અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેતાં હતાં. ટેનિસ એમની અત્યંત પ્રિય રમત રહી છે અને તેમાં ‘જુનિયર નૅશનલ લૉન ટેનિસ ચૅમ્પિયનશિપ’ (1968), ‘એશિયન લૉન ટેનિસ ચૅમ્પિયનશિપ’ (1972), ‘નૅશનલ વુમન્સ લૉન ટેનિસ ચૅમ્પિયનશિપ’ (1976) જેવી મહત્વની ટેનિસ સ્પર્ધાઓમાં ચંદ્રકો મેળવ્યા હતા; એથીયે વિશેષ ટેનિસમાં તેમણે શ્રીલંકા સામે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. કારકિર્દીના પ્રારંભે, 1970થી 1972 – એમ બે વર્ષ માટે અમૃતસરની ખાલસા કૉલેજ ફૉર વીમનમાં રાજ્યશાસ્ત્રનાં વ્યાખ્યાતા તરીકે તેમણે શિક્ષણકાર્ય કર્યું. ત્યારબાદ 1972માં પોલીસ-સેવામાં જોડાઈ ભારતભરનાં પ્રથમ મહિલા પોલીસ-અધિકારી બન્યાં. આ તાલીમ બાદ તેમને વિદેશ સેવામાં જોડાવાનું આમંત્રણ મળ્યું; પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહી તેમણે પોલીસ-સેવામાં જોડાવાનું પસંદ કર્યું. પોલીસ દળમાંની સફળ કામગીરી બદલ 1979માં તેમને પોલીસ-સેવાનો વીરતા-પુરસ્કાર એનાયત થયો. સમયની પાબંધીમાં, ફરજ અને નિયમપાલનની બાબતમાં તેઓ અત્યંત આગ્રહી રહ્યાં છે. એ જ રીતે કાર્યપાલનમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કડકાઈથી ફરજ અને નિયમોને વળગી રહેવાનું તેઓ પસંદ કરે છે. દિલ્હીના પોલીસ-અધિકારી તરીકે તેઓ નિયમ બહારના સ્થાને કોઈનું પણ વાહન થોભાવવામાં આવ્યું હોય તો ક્રેન દ્વારા ઊંચકાવીને ખસેડી લેતાં અને તેથી તેમને દિલ્હીના લોકોએ ‘ક્રેનવાલી’ તરીકે ઓળખવાનું પસંદ કર્યું હતું! 1973ના પ્રજાસત્તાક દિનની પોલીસ-પરેડનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી ત્યારે આ કામ પૂરી સફળતાથી કરવા માટે બીજા જ દિવસથી રોજ 13 કિમી. ચાલવાનો વ્યાયામ તેમણે આરંભી દીધો હતો. 1982ના એશિયાડ રમતોત્સવમાં દિલ્હી શહેરની વાહનવ્યવહાર-વ્યવસ્થાની જવાબદારી તેમના શિરે હતી, જે તેમણે સફળતાપૂર્વક પાર પાડી હતી. 1980માં ‘વુમન ઑવ્ ધી ઇયર’નો જવાહરલાલ નહેરુ નૅશનલ સૉલિડારિટી ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો.
1993માં ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પ્રિઝન્સ તરીકે તેમને તિહાર જેલની કામગીરી ફાળવવામાં આવી. ભ્રષ્ટાચાર માટે વગોવાયેલી આ જેલમાં 2,500 કેદીઓની વ્યવસ્થા જ શક્ય હતી, છતાં ત્યાં લગભગ 9,000 કેદીઓને રાખવામાં આવતા હતા. એ રીતે આ જેલનું સંચાલન ભારે મોટો પડકાર હતો; પરંતુ કેદીઓને માનવતાની ર્દષ્ટિએ જોઈને તેમણે કામની શરૂઆત અનોખી રીતે કરી. સૌપ્રથમ તેમણે કેદીઓના પ્રશ્નો સમજવા કોશિશ કરી. આ પ્રશ્નો ઉકેલવા તેમણે જેલમાં વ્યસનમુક્તિ-કેન્દ્રો, મિકૅનિક અને અન્ય પ્રકારની તાલીમી કાર્યશિબિરો, મહિલા કેદીઓ માટે સિલાઈકામના વર્ગો, પ્રૌઢો માટેનાં શિક્ષણકેન્દ્રો તથા યોગ, ધ્યાન અને માનસિક સ્વાસ્થ્યની શિબિરો યોજી જેલમાં પુરાયેલા રહેતા અને અદાલતી કાર્યવાહીની રાહ જોતા ‘અદાલતી તપાસને અધીન’ (undertrial) કેદીઓને ખુલ્લી કોટડીઓમાં રાખવાની જોગવાઈ કરી. લગભગ 95 % કેદીઓની માનિસકતા અને મનોવલણોમાં સુધારો કરવામાં તેઓ સફળ રહ્યાં અને જેલના માહોલમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું. જેલની કામગીરીને સુધારાલક્ષી વિકાસમાં પરિવર્તિત કરી આ કામગીરીનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો, જેના લીધે તિહાર ‘જેલ’ મટીને ‘આશ્રમ’ બની ગઈ. તેઓ પ્રત્યેક કેદીના મિત્ર અને માર્ગદર્શક બની રહ્યાં. તેમની આ જ્વલંત સિદ્ધિ બદલ 1994નો રામન મૅગ્સેસે ઍવૉર્ડ તેમને એનાયત થયો અને તેથી તેમની યશકલગીમાં એક ઑર પીછું ઉમેરાયું.
1990થી 1992 દરમિયાન મીઝોરામમાં તેમણે પોલીસ વડાની કામગીરી સંભાળેલી. આ સમયે તેમની દીકરી સુકૃતિને લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે ભારે વિવાદાસ્પદ બનેલો. નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નૉર્વે-સ્થિત સંસ્થાએ તેમને ‘એશિયા રીજિયન ઍવૉર્ડ’ એનાયત કર્યો હતો. 1987થી આજ સુધીમાં માત્ર ચાર વ્યક્તિઓને જ આપવામાં આવેલો 14,000 ડૉલરનો ‘જૉસેફ બેયૂઇસ ઍવૉર્ડ’ 1997માં તેમને એનાયત થયો. આ ઉપરાંત તેમણે વ્યસનમુક્તિના કાર્યક્રમને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતી સંસ્થા ‘નવજ્યોતિ’ની રચના કરી છે, જેમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વિસ્તારવાની તથા વ્યવસાયલક્ષી તાલીમની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રત્યેક કાર્ય તેઓ આગવી કાર્યશૈલી અને મૌલિક સૂઝથી હાથ ધરે છે તથા પૂરા લગાવ અને ખુલ્લા દિલદિમાગથી તેને પરિપૂર્ણ કરવા ચાહે છે. આથી અન્યની નજરે ‘અશક્ય’ ગણાતા કામને ‘નવું શીખવાની તક’ ગણી, સ્વીકારી, તેમાં સફળતાનાં નવાં નવાં સોપાનો તેઓ સર કરતાં રહ્યાં છે.
રક્ષા મ. વ્યાસ