ચિદમ્બરમ્ પી. (જ. 16 સપ્ટેમ્બર 1945, કન્દનુર, જિલ્લો શિવગંગા, તમિળનાડુ) : સ્વાતંત્ર્યોત્તરકાળના ભારતના રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા રાજપુરુષ. તેમના નામ સાથે જોડાયેલા પાલિનિયાપ્પન એ તેમના પૂર્વજો પાસેથી ચાલતી આવતી અટક છે. તેમનો જન્મ ચેટ્ટિનાડના રાજવંશમાં થયો હતો. તેમનું માધ્યમિક શિક્ષણ ચેન્નાઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈની જ પ્રેસિડેન્સી કૉલેજમાં થયું હતું જ્યાંથી તેમણે આંકડાશાસ્ત્ર વિષયમાં બી.એસ.ની સ્નાતક પદવી પ્રાપ્ત કરી હતી. તે ઉપરાંત તેમણે કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી (એલએલ.બી.) મદ્રાસ લૉ કૉલેજમાંથી મેળવી હતી જેનું હાલનું નામ ડૉ. આંબેડકર ગવર્નમેન્ટ લૉ કૉલેજ છે. ત્યારબાદ તેમણે અમેરિકાની હાર્વર્ડ બીઝનેસ સ્કૂલમાંથી એમ.બી.એ.ની પદવી તથા લૉયોલા કૉલેજ, ચેન્નાઈ ખાતેથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી છે.
તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દી ચેન્નાઈના ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત દ્વારા શરૂ કરી હતી જ્યાં 1984માં તે સિનિયર ઍડ્વોકેટ બન્યા હતા. તેમણે ભારતનાં રાજ્યોના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં તથા સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ વકીલાત કરી હતી. તે ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં લવાદી કેસોમાં પણ પોતાના કૌશલ્યનો પરિચય આપ્યો હતો.
1984ની સામાન્ય ચૂંટણીમાં તેઓ તમિળનાડુના શિવગંગા લોકસભા મતદાર વિસ્તારમાંથી સંસદના નીચલા ગૃહ માટે ચૂંટાયા હતા અને આ રીતે તેમની રાજકીય કારકિર્દીના શ્રીગણેશ થયા હતા. 1984 પછી 1989, 1991, 1996, 1998, 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ તે વિજયી બન્યા હતા. 1985માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં વાણિજ્ય ખાતાના ડેપ્યુટી મિનિસ્ટર તરીકે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1986માં તેમને મિનિસ્ટર ઑવ્ સ્ટેટના પદ પર મંત્રીમંડળમાં બઢતી મળી હતી. ઑક્ટોબર 1986માં તેમને કેન્દ્રના ગૃહખાતામાં મિનિસ્ટર ઑવ્ સ્ટેટનું પદ બહાલ કરવામાં આવ્યું હતું. વાણિજ્ય મંત્રાલયની મંત્રી તરીકેની કારકિર્દી દરમિયાન ચિદમ્બરમે ઘણા મૂળભૂત નીતિવિષયક ફેરફારો કર્યા હતા.
1996માં તે કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કરી તામિળ માનિલા કાગ્રેસ(TMC)માં જોડાયા હતા અને ત્યારબાદ થયેલી લોકસભાની ચૂંટણીમાં જે સહિયારી સરકાર બનાવવામાં આવી તેમાં તેમનો નાણામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના માટે આ એક મોટી સિદ્ધિ ગણાય. 1998માં આ સરકારનું પતન થયું; પરંતુ વર્ષ 2004માં થયેલ સામાન્ય ચૂંટણી બાદ કેન્દ્રમાં કૉંગ્રેસના નેજા હેઠળ ડૉ. મનમોહનસિંગના નેતૃત્વ હેઠળ ‘સંયુક્ત પ્રગતિશીલ મોરચા’(UPA)ની જે સરકાર બની તેમાં ફરી ચિદમ્બરમનો સમાવેશ કરવામાં આવ્યો અને ફરી તેમને નાણાખાતું સોંપવામાં આવ્યું. દરમિયાન વર્ષ 2001માં તેમણે ‘કૉંગ્રેસ જનનાયક પરાવાઈ’ નામના પક્ષની સ્થાપના કરી હતી જેનો વર્ષ 2004માં રાષ્ટ્રીય કાગ્રેસમાં વિલય કરવામાં આવ્યો હતો.
નવેમ્બર 2008માં ચિદમ્બરમને ગૃહખાતું સોંપવામાં આવ્યું જે પદ તે આજે પણ (2011) ધરાવે છે. આ ખાતાના મંત્રી તરીકે તેમને નક્સલવાદ વિરુદ્ધ સતત સંઘર્ષ કરવો પડે છે જે ખરેખર કપરું કામ છે. તેમ છતાં સર્વસામાન્ય જનતામાં તેમની છબી એક સ્વચ્છ અને કુશળ વહીવટકર્તા તરીકે કાયમ રહી છે.
પી. ચિદમ્બરમ્ના વડવાઓ અને તેમના દાદા ઇન્ડિયન ઓવરસીઝ બૅંક, ઇન્ડિયન બૅંક, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ અને અન્નામલાઈ યુનિવર્સિટીના સ્થાપકોમાં ગણાય છે. તેમનાં પત્ની નલિની ચિદમ્બરમ્ ચેન્નાઈની વડી અદાલતના સિનિયર ઍડ્વોકેટ તથા ભારતના કરવેરા ક્ષેત્રના નિષ્ણાત સલાહકાર ગણાય છે.
ચિદમ્બરમ્ની રાજકીય કારકિર્દીની શરૂઆત તામિળનાડુના યુવા કૉંગ્રેસના ક્રમશ: પ્રમુખ અને ત્યારબાદ તામિળનાડુ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકેનાં પદોથી થઈ હતી જેનો તેમને ત્યારબાદની તેમની રાજકીય કારકિર્દીમાં ઘણો લાભ મળ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે