ચિનાઈ માટી : માટીનો એક પ્રકાર. કેઓલિનના સામાન્ય ખનિજ નામથી પણ તે ઓળખાય છે. તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3  2SiO2  2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે. ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી ઉષ્ણજળજન્ય કે ઉષ્ણબાષ્પ પ્રક્રિયા દ્વારા થતા વિઘટનની પેદાશ એટલે કેઓલિન. કેઓલિન માટે વપરાતો લોકપ્રિય પર્યાય એટલે ચિનાઈ માટી. ગ્રૅનાઇટના ફેલ્સ્પાર ઘટક પર જ્યારે જલબાષ્પ (અને CO2) સહિત બોરિક ઍસિડ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની ઉષ્ણબાષ્પીય કે ઉષ્ણજળજન્ય પ્રક્રિયા થાય ત્યારે નીચેનાં સમીકરણો મુજબ ફેલ્સ્પારમાંનો K2O → KOHમાં ફેરવાઈ જાય છે, કેટલોક SiO2 પણ મુક્ત થાય છે, પરિણામે જે અવશિષ્ટ દ્રવ્ય રહે છે તે મૃદખનિજ કેઓલિન કહેવાય છે.

આ પ્રક્રિયાઓમાં ગ્રૅનાઇટ સાથેના પ્રાદેશિક ખડકભેદ અને સંજોગ મુજબ ટૂર્મેલીન, ટોપાઝ, ફ્લોરાઇટ, કૅસિટરાઇટ જેવાં અન્ય અનુષંગી ખનિજો પણ સંકળાયેલાં મળી આવે છે. કોઈ કોઈ જગાએ કેઓલિન સલ્ફેટ અને ગંધકના તેજાબની પ્રક્રિયાથી પણ બનતું હોય છે.

માત્ર ગ્રૅનાઇટમાંથી જ કેઓલિન બની શકે એવું નથી, સામાન્ય રીતે તો કોઈ પણ સિલિકાયુક્ત, દાણાદાર અગ્નિકૃત ખડક, જે ફેલ્સ્પારનું વિપુલ પ્રમાણ ધરાવતો હોય તેમજ જેમાં લોહખનિજોનું પ્રમાણ નજીવું હોય એવા સાયનાઇટ, પેગ્મેટાઇટ કે નાઇસ જેવા વિકૃત ખડકોનો પણ સમાવેશ કરી શકાય. માટીવાળા ચૂનાખડકો, શેલ કે અન્ય અગ્નિકૃત ખડકો પણ ઊતરતી કક્ષાની આ પ્રકારની માટી બનાવવા યોગ્ય બની રહે છે.

સારી જાતની શ્વેતરંગની માટી આવા ખડકોના તળભાગમાં પંકભૂમિની નીચેના પડમાં એકત્ર થતી હોય છે. ઉપર તરફથી સ્રાવ પામતા દ્રવ્યમાંનો રંગવાળો ભાગ આવા પંકજથ્થાઓમાંનાં સેન્દ્રિય (કાર્બનિક) સંયોજનો શોષી લે છે. પરિણામે માટી શ્વેત બનીને નીચે જામે છે. અદ્રાવ્ય ફેરિક ઑક્સાઇડમાંથી દ્રાવ્ય ફેરસ ઑક્સાઇડમાં લોહદ્રવ્યનું રૂપાંતર કરવામાં આ સંજોગ સહાયભૂત થાય છે અને એ રીતે માટી રંગમુક્ત બને છે. રંગ અને શુદ્ધતા મુજબ ચિનાઈ માટીની ગુણવત્તા અને મૂલ્ય અંકાતાં હોય છે. અહીં માટીમાં જે ક્વાર્ટ્ઝ કણો કે અન્ય કેટલીક ખનિજઅશુદ્ધિઓ રહી જાય છે તે માટીની શુદ્ધીકરણ ક્રિયા વખતે અલગ પાડી શકાય છે. એ રીતે તદ્દન શુદ્ધ કેઓલિન મેળવાય છે.

કેઓલિનના જુદા જુદા ગુણધર્મવાળા ખનિજપ્રકારો પૈકી માતૃખડકમાંના ફેલ્સ્પારમાંથી વિઘટનક્રિયામાં જો આલ્કલી સંપૂર્ણપણે મુક્ત થાય તો કેઓલિનાઇટ Al4Si4O10(OH)8 નામનું ખનિજ બને છે, જે ઉત્તમ કક્ષાનું કેઓલિન આપે છે; પરંતુ આલ્કલી પૂરેપૂરો મુક્ત ન થાય તો મોન્ટમોરિલોનાઇટ નામનું મૃદખનિજ બને છે.

પ્રાદેશિક ભૌગોલિક વિતરણના સંદર્ભમાં જોતાં, સારી ગુણવત્તાવાળી ચિનાઈ માટી તૈયાર થવા માટે સમશીતોષ્ણ કટિબંધના ભેજવાળા પ્રદેશો વધુ અનુકૂળ થઈ પડે છે. આ કારણે શુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં તે મળતી નથી; અયનવૃત્તીય ભેજવાળા પ્રદેશોમાં તે બની શકે ખરી. ઉત્પત્તિસ્થિતિના આ પ્રકારના વિશિષ્ટ સંજોગોને કારણે ઉત્કૃષ્ટ કક્ષાની ચિનાઈ માટીની પ્રાપ્તિ સહજ હોતી નથી. જ્યાં જ્યાં તે મળી આવે છે ત્યાં જગપ્રસિદ્ધ સિરૅમિક કેન્દ્રો ઊભાં થયેલાં છે અને તેથી ઊંચી ગુણવત્તાવાળાં ચિનાઈ માટીનાં પાત્રો – ચીજવસ્તુઓ માટેનું આંતરરાષ્ટ્રીય બજાર પણ વિકસ્યું છે. ખાસ કરીને ચીનના કિયાંગ્સી પ્રદેશમાં ઈ. સ. 220થી બેનમૂન ચીની પાત્રોની એકધારી માગ ચાલુ રહી છે અને આ કારણે જ અન્યત્ર મળતી આ પ્રકારની માટીને ચિનાઈ માટી નામ અપાયેલું છે. ઇંગ્લૅન્ડના કૉર્નવૉલ અને ડેવૉનશાયર, ફ્રાન્સના એલિયર, ડૉમ અને બ્રિટાની; જર્મનીના ડ્રેસ્ડન, હેલે અને કેમલીટ્ઝ અને અમેરિકાનાં દક્ષિણ રાજ્યોમાં તે મળે છે. ઉપરાંત ચેક પ્રજાસત્તાક અને બવેરિયાના કેઓલિન નિક્ષેપો ઊંચી કોટિના ગણાતા આવ્યા છે અને ચિનાઈ માટીમાંથી બનતી ચીજવસ્તુઓ માટે દુનિયાભરમાં જાણીતા બનેલા છે. ઉત્તમ કક્ષાની ચિનાઈ માટી પોર્સેલેઇન, કલાત્મક દેખાવવાળાં સુશોભન પાત્રો અને વાસણોની બનાવટમાં, સારી ચમકવાળા કાગળ બનાવવામાં, રબર, શાહી, પ્લાસ્ટિક અને પ્રસાધનો તેમજ અગ્નિરોધક દ્રવ્ય બનાવવા માટે પણ વપરાય છે. આ પ્રકારની માટી ભીની કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ચિવ્વડપણું અને સુઘટ્ટપણું મેળવે છે અને તેથી વિવિધ પ્રકારનાં માટીનાં વાસણો, ટાઇલ્સ, પાઇપ વગેરે બનાવવામાં તેનો મોટા પાયા પર ઔદ્યોગિક ઉપયોગ થાય છે. આ કારણોથી જ ઉપર દર્શાવેલ ઉપયોગો માટે તેની પુષ્કળ માંગ રહે છે.

ભારત : માટીઉદ્યોગ માટેના ઉપયોગને યોગ્ય જુદા જુદા પ્રમાણની શુદ્ધતાવાળા કેઓલિનના જથ્થા બિહાર, દિલ્હી, જબલપુર, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ઓરિસા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં મળી આવે છે. આ ઉપરાંત અમુક પ્રમાણમાં તે આંધ્ર, અસમ, હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મળી રહે છે. ઉચ્ચ કક્ષાના પોર્સેલેઇન માટેના દ્રવ્યજથ્થા પરત્વે રાજમહાલ ટેકરીઓના કોલગોંગના નિક્ષેપ ઘણા જ અગત્યના છે. આ જ પ્રકારના મર્યાદિત જથ્થા બિહારના ભાગલપુરમાં અને ગયામાં તેમજ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને ઓરિસાના કેટલાક ભાગોમાંથી મળી રહે છે. અંશત: અશુદ્ધ, બફ કે કથ્થાઈ રંગવાળી ચિનાઈ માટી ટેરાકોટા તરીકે જાણીતી છે. ઓપવિહીન, મોટા કદનાં માટીનાં વાસણો, બાવલાં તેમજ થોડા પ્રમાણમાં સ્થાપત્ય હેતુઓ માટેના ઉપયોગમાં તે લેવાય છે. ગોલક મૃદ (બોલ ક્લે) તરીકે ઓળખાતી સૂક્ષ્મદાણાદાર, વધુ સંશ્લેષિત ક્ષમતા ધરાવતી, નમનીય માટી પણ ઉપરના ભાગોમાં સારા પ્રમાણમાં મળે છે.

ગુજરાત : અમરેલી (જાફરાબાદ), બનાસકાંઠા (સાંતલપુર), કચ્છ (ભચાઉ, અંજાર, માંડવી, ભૂજ, નખત્રાણા, લખપત, રાપર), ખેડા (બાબિયા ડુંગર, ખારીધાર, જાડેરાધાર), મહેસાણા (વિજાપુર), પંચમહાલ (કાલોલ), સાબરકાંઠા (ઈડર, હિંમતનગર) અને સૂરત- (માંડવી)ના વિસ્તારોમાં ચિનાઈ માટીના જથ્થા રહેલા છે. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને જુદી પાડતી સાબરમતી નદીના કાંઠા પર એકલારા-ટેચાવા, આરસોડિયા, કોટ, રણસીપુર અને અન્ય ગામોમાં ઉચ્ચ કક્ષાની આયાત કરવામાં આવતી ચિનાઈ માટી સાથે તુલના કરી શકાય એવો, મોટો જથ્થો રહેલો છે. ગુજરાત રાજ્યની ચિનાઈ માટીની કુલ સંપત્તિ 16 કરોડ ટન જેટલી અંદાજવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા