બેગ, એમ. એચ. (જ. 22 ફેબ્રુઆરી 1913;)  : ભારતના અગ્રણી ન્યાયવિદ અને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. ભારતમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ લંડનથી એલએલ.બી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારત આવી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા. આ ક્ષેત્રમાંની અસાધારણ કામગીરીને લીધે 1971માં તેમને હિમાચલ પ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નીમવામાં આવ્યા. 1977–78 દરમિયાન તેઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા. 1981માં તેઓ ભારત સરકારના લઘુમતી પંચના ચેરમૅન બન્યા. તેઓ ઇન્ટરનૅશનલ લૉ એસોસિયેશનના સભ્યપદે પણ રહ્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં ઊંડો રસ હોવાથી બનારસ હિંદુ યુનિવર્સિટીની કાર્યવાહક સમિતિના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી. તદુપરાંત, યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશનના ભારત સરકારના સમાજવિદ્યાઓ માટેના યુનેસ્કો કમિશનના, તથા ઇન્ડિયન સોસાયટી ફૉર સોશિયલ ડેમૉક્રસીના તેઓ સભ્ય રહ્યા છે. 1977માં મનિલા ખાતે યોજવામાં આવેલ દરિયાઈ કાયદાઓને લગતી આંતરરાષ્ટ્રીય પરિષદના તેઓ પ્રમુખ હતા. મૅડ્રિડ ખાતે યોજવામાં આવેલ હ્યૂમન રાઇટ્સ સેશન ઑવ્ વર્લ્ડ્ઝ જ્યુરિસ્ટ્સમાં તેમણે હાજરી આપી હતી. 1977માં મનિલાના એસોસિયેશન ઑવ્ ડૉક્ટર્સ ઇન લૉ દ્વારા તેમને ‘લીગલ સ્ટેટ્સમૅન પાર એક્સેલન્સ’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

રક્ષા મ. વ્યાસ