ચાંપાનેર : ચાંપાનેર (ઉ.અ. 22° 29’, પૂ.રે. 73° 32’) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર-પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યાશ્મ અને અન્ત્યાશ્મ યુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ચાંપાનેરના આદિ માનવનો જીવનકાળ સંભવત: લાખેક વર્ષ કરતાં વધુ જૂનો છે. સોલંકી રાજાઓના શાસન પહેલાં આ સ્થાનના ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. જૈન સાહિત્યમાં પાવાગઢ–ચાંપાનેરના ઉલ્લેખો મળી આવે છે તેથી સોલંકીકાળ પહેલાં ત્યાં જૈન મંદિરો હોવાની સંભાવના છે. દંતકથા પ્રમાણે વનરાજ ચાવડાના સાથી ચાંપાએ ચાંપાનેર વસાવ્યું હતું. આ અનુશ્રુતિ પછીનાં પાંચસો વર્ષ સુધી ચાંપાનેરનું નામ ઇતિહાસમાં મળતું નથી. ઈ. સ. 1300ની આસપાસ અહીં ખીચી ચૌહાણ વંશની સ્થાપના રણથંભોરના ચૌહાણ હમ્મીરદેવના પુત્ર રામદેવ દ્વારા થઈ હતી. અહીંના ચૌહાણ રાજાઓ ‘પતાઈ’ તરીકે ઓળખાતા. 1300થી 1485 સુધી અહીં ખીચી ચૌહાણોની સત્તા રહી. મહમૂદ બેગડાએ ઈ. સ. 1485માં ચાંપાનેર જીતી લીધું અને નવું ચાંપાનેર વસાવ્યું અને તેનું નવું નામ ‘મુહમ્મદાબાદ’ પાડ્યું. 1572–73 દરમિયાન અકબરે ગુજરાતમાં મુઘલ સત્તાનો પાયો નાંખ્યો ત્યારે ચાંપાનેર મુઘલ સત્તા નીચે આવ્યું. 1727માં તે મરાઠી શાસન નીચે અને 1853માં બ્રિટિશ હકૂમત નીચે હતું.

નવા ચાંપાનેર એટલે કે મુહમ્મદાબાદનું નગર-આયોજન અમદાવાદના આયોજનને મળતું આવે છે. અમદાવાદની જેમ અહીં પણ જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને નગરનું આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના પુરાતત્વ વિભાગ દ્વારા ડૉ. આર. એન. મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપાનેરનું સ્થળ-સંશોધન થયું હતું. અમદાવાદની સરખામણીમાં અહીં કોટના દરવાજા ઓછા છે. એના મુખ્ય ચાર રસ્તા હતા. ચાર વિસ્તારના ચાર દરવાજા અને વચ્ચેનો દરવાજો એમ પાંચ દરવાજા હતા. અહીં હિંદુ, જૈન અને મુસ્લિમોનાં સ્થાપત્ય આવેલાં છે. પાવાગઢ ઉપર કાલિકામાતા, ભદ્રકાળી, ભગવાન લકુલીશનાં હિંદુ મંદિરો અને બાવનદેરી મંદિરો, ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથનાં જૈન મંદિરો આવેલાં છે. અહીંના મુસ્લિમ સ્થાપત્યમાં જુમ્મા મસ્જિદ સૌથી સુંદર અને ભવ્ય છે. તેમાં 11 મોટા ઘુંમટો અને 172 સ્તંભો આવેલા છે. આ ઉપરાંત શહરકી મસ્જિદ, વહોરાની મસ્જિદ, નગીના મસ્જિદ નોંધપાત્ર છે. જહાપનાહ અહીંનો રાજગઢ છે. ચાંપાનેરના ભવ્ય અને કલાત્મક ખંડિત કલાવારસાને ધ્યાનમાં રાખીને તેને યુનેસ્કો તરફથી 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે અને તેને ‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’ એવું નામ આપ્યું છે.

થૉમસ પરમાર