ચાંદકા મુંહ ટેઢા હૈ : શ્રીકાન્ત વર્મા સંપાદિત હિંદી કાવ્યસંગ્રહ. તેમાં કવિ મુક્તિબોધની 28 રચનાઓ છે. આ કૃતિઓનો રચનાકાળ 1954થી 1964 સુધીનો સ્વીકારાયેલ છે; પરંતુ મોતીરામ વર્મા કવિની હસ્તપ્રતને આધારે તે સમય 1950થી 1963 સુધીનો માને છે. આ સમય દરમિયાન સામાજિક જીવનમૂલ્યોનાં પરિવર્તન ઉપરાંત કવિની અસંદિગ્ધ જીવનર્દષ્ટિનો સંકેત મળે છે. આ કાવ્યોમાં મુખ્યત્વે ત્રણ બાબતો ધ્યાન ખેંચે છે — (1) આત્મચેતનાની જાણકારી અને તેના દ્વારા સંસ્કારશુદ્ધિની ઝંખના, (2) સંસ્કારી અને પરિશુદ્ધ વ્યક્તિત્વની મદદથી વૈજ્ઞાનિક દ્વંદ્વોવાળા ભૌતિકવાદનું કાવ્યમય આલેખન, (3) વ્યક્તિત્વના પરિમાર્જનના લક્ષ્યથી પ્રેરાઈને આત્મસાક્ષાત્કારની અવસ્થાનું કાવ્યમાં નિરૂપણ.
સંગ્રહમાં કેટલીક કૃતિઓમાં આત્મસંશોધન અને આત્મસંઘર્ષ સાથે સાથે જોવા મળે છે. ‘એક અંતર્કથા’ ‘ભૂલગલતી’, ‘ઓ કાવ્યાત્મન્ મણિધર’, ‘ચંબલ કી ઘાટીમેં’, ‘જબ પ્રશ્નચિહન બૌખલા ઉઠે’, ‘ઇસ ઊંચે ટીલે પર’ વગેરે રચનાઓ આ પ્રકારની છે.
સંગ્રહની મોટા ભાગની કૃતિઓ દીર્ઘ અને કથાતત્વથી ભરપૂર છે. લગભગ દરેક રચનાનું વિષયવસ્તુ કવિતા કે કવિને લગતું છે. તેમાં પ્રવર્તમાન જીવનનાં ભયાનક, ઘૃણાજનક, કરુણ અને સંવેદનાભર્યાં ચિત્રોની હારમાળા છે. કવિએ પોતાનાં દીર્ઘકાવ્યોમાં આંતરબાહ્ય જગતનાં ચિત્રો નાટ્યાત્મક રીતે આબેહૂબ આલેખ્યાં છે. ક્યારેક એક કાવ્યનું વસ્તુ અન્ય કાવ્યમાં સમાપ્ત થયું હોય એમ પણ બન્યું છે.
આ સંગ્રહમાં આજના જીવનમાં વ્યાપ્ત અભાવ, સંઘર્ષ, હિંસા, નિરંકુશ વૃત્તિઓ અને પરેશાનીઓથી ગ્રસ્ત સમાજનું ચિત્ર છે. શાપિત જીવનની અંધકારભરી પરિસ્થિતિ સાથે નૂતન પ્રકાશના કિરણની શ્રદ્ધા પણ તેમાં જોવા મળે છે. ઉપલક ર્દષ્ટિએ દિશાશૂન્ય જણાતો આ રચનાઓનો સર્જક વસ્તુત: યાતનાઓથી માનવજીવનને મુક્ત કરવા ચાહે છે.
આ સંગ્રહમાં ‘લકડી કા બના રાવણ’, ‘એક અરૂપ શૂન્ય કે પ્રતિ’, ‘ચાંદ કા મુંહ ટેઢા હૈ’, ‘ડૂબતા ચાંદ કબ ડૂબેગા’, ‘શૂન્ય વ રંગો’ વગેરે અનેક કાવ્યોમાં ભૌતિકવાદનું ચિંતન છે. ‘લકડી કા બના રાવણ’માં મૂડીવાદના અંતનો સંકેત છે. ‘ચાંદ કા મુંહ ટેઢા હૈ’ માર્કસવાદના વિચારોને સર્જનાત્મક રીતે વ્યંજિત કરે છે. પોતાને સંસ્કારી અને કુલીન માનતા વર્ગના દંભને કવિ મુક્તિબોધે ખુલ્લો પાડ્યો છે. તે માટે અનેક પ્રતીકો અને રૂપકોને ખપમાં લીધાં છે.
આ કાવ્યોમાં કવિ આત્મખોજ કરતા રહ્યા છે. આત્મસંઘર્ષમાંથી આત્મસાક્ષાત્કારનો સૂર પ્રબળ બને છે. આ પ્રકારની રચનાઓમાં ‘બ્રહ્મરાક્ષસ’, ‘દિમાગી ગુહાંધકાર કા ઔરાંગ-ઉટાંગ’, ‘મુઝે નહીં માલૂમ’, ‘ચકમક કી ચિનગારિયાં’, ‘મેરે સહચર મેરે મિત્ર’ તથા ‘અંધેરે મેં’ વગેરેને ગણાવી શકાય. મુક્તિબોધે આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા દ્વારા અનેક કડવાં સત્ય પણ કહ્યાં છે. અચેતન મનના અંધકારમાં પ્રચ્છન્ન રહેલા નિર્લજ્જ અને અસત્યની શક્તિથી વિરૂપ બનેલા પશુનો પરિચય કવિએ ‘દિમાગી ગુહાંધકાર કા ઔરાંગ-ઉટાંગ’ કાવ્યમાં આપ્યો છે.
સુધા શ્રીવાસ્તવ
અનુ. રમણિકભાઈ જાની