ચાંડી, કે. એમ. (જ. 6 ઑગસ્ટ 1921, પલાઈ; અ. 7 સપ્ટેમ્બર 1998, એર્નાકુલમ્, કેરાલા) : કેરળના અગ્રણી રાજનીતિજ્ઞ.1982–83માં ટૂંકા ગાળા માટે પોંડિચેરીના ઉપરાજ્યપાલ. 1983માં ગુજરાતના રાજ્યપાલ તથા 1983–87ના ગાળામાં મધ્યપ્રદેશના રાજ્યપાલ. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ના અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. આઝાદી પછી ત્રણ વાર પ્રાંતીય વિધાનસભામાં ચૂંટાયા, કેરળ વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના મુખ્ય દંડક તરીકે કામ કર્યું. દરમિયાન પલાઈ ખાતેની સેન્ટ ટૉમસ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે તથા પાછળથી અનુસ્નાતક સ્તરે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી. 1963થી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય રહ્યા.

સહકારી ક્ષેત્રમાં તેમની કામગીરીમાં તે મીનાચિલ કો-ઑપરેટિવ લૅન્ડ મૉર્ટગેજ બૅંક, પલાઈ કો-ઑપરેટિવ માર્કેટિંગ સોસાયટી, કેરળ સ્ટેટ કો-ઑપરેટિવ રબર માર્કેટિંગ ફેડરેશન, ઇન્ડિયન રબર ગ્રોઅર્સ ઍસોસિયેશન (સ્થાપક), કોટ્ટાયમ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅંક, કેરળ સ્ટેટ કો-ઑપરેટિવ બૅંક, કેરળ સ્ટેટ માર્કેટિંગ ફેડરેશન (ડિરેક્ટર) તથા મીનાચિલ તાલુકા કો-ઑપરેટિવ યુનિયન, ઑલ કેરળ પ્રાઇવેટ ટીચર્સ ઍસોસિયેશન સાથે સંકળાયેલા રહ્યા.

કેરળ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના 1948થી સભ્ય હતા. 1953–57 દરમિયાન તેમણે કોટ્ટાયમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, 1963–67 દરમિયાન કેરળ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી, 1967–72 દરમિયાન તેના ખજાનચી તથા 1978થી 1983 તેના પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. 1972–78ના ગાળામાં તે રાજ્ય રબર બોર્ડના તથા 1974–76 દરમિયાન રાજ્ય એલચી બોર્ડના ચૅરમૅન હતા. વર્ષ 2011માં તેઓ કેરળના મુખ્યમંત્રી ચૂંટાયા હતા. આ પદ પર તેઓ હાલ (2012) કામ કરી રહ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે