બૃહસ્પતિ : ભારતીય વેદસાહિત્ય અને પુરાણસાહિત્યમાં આવતું પાત્ર. ઋગ્વેદમાં બૃહસ્પતિ પરાક્રમી દેવ છે. તેમણે ગાયો છોડાવી લાવવાનું પરાક્રમ કરેલું છે. તેઓ યુદ્ધમાં અજેય હોવાથી યોદ્ધાઓ બૃહસ્પતિની પાસે સહાયની પ્રાર્થના કરે છે. તેઓ પરોપકારી છે, કારણ કે પવિત્ર માણસોને મુશ્કેલીમાંથી છોડાવે છે. તેઓ ‘ગૃહપુરોહિત’ કહેવાયા છે. તેમના વગર યજ્ઞ સફળ થતા નથી. તેમને સાત મુખ, સુંદર જીભ, ધારદાર શિંગડું અને સો પાંખો છે. તેઓ હાથમાં ધનુષ્યબાણ અને સોનાની ફરસી રાખે છે. તેઓ બુદ્ધિ અને વક્તૃત્વના દેવ છે.

પુરાણોમાં બૃહસ્પતિને દેવોના પુરોહિત અને ગુરુ માનવામાં આવ્યા છે. તેઓ અંગિરા ઋષિ તથા સુરૂપાના પુત્ર છે. તેમને તારા અને શુભા નામની બે પત્નીઓ હતી. સ્વાહા તેમની પુત્રી છે. કચ અને ભરદ્વાજ તેમના પુત્રો છે. સોમ તારાને ઉપાડી ગયેલો તેથી સોમ અને તેમની વચ્ચે થયેલો કલહ બ્રહ્મા વગેરેની દરમિયાનગીરીથી શાંત પડેલો અને કેટલીક શુદ્ધિ કરીને બૃહસ્પતિએ તારાનો સ્વીકાર કરેલો. તેમને સંવર્ત અને ઉતથ્ય નામના બે ભાઈઓ હતા. બુધ તેમનો પુત્ર થાય, જેણે ચંદ્રવંશ શરૂ કરેલો. બૃહસ્પતિએ દાનવગુરુ શુક્રાચાર્યનું રૂપ લઈને રાક્ષસોને હાનિ પહોંચાડી, હારી ગયેલા દેવોને મદદ કરેલી.

તેમણે ધર્મશાસ્ત્ર પર ‘બૃહસ્પતિસ્મૃતિ’ લખી છે. ઉપરાંત, અર્થશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે પર પુસ્તકો લખ્યાં છે. ઇન્દ્રે તેમના શિષ્ય બનીને વ્યાકરણશાસ્ત્રના નિયમો મુજબ અસંખ્ય શબ્દોનું પારાયણ કર્યું હોવાનો ઉલ્લેખ પતંજલિએ પોતાના ‘મહાભાષ્ય’માં કર્યો છે ‘બૃહસ્પતિસ્મૃતિ’ની જેમ જ ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો બીજો ગ્રંથ મળે છે. કૌટિલ્યે પોતાના ‘અર્થશાસ્ત્ર’માં શુક્રની પહેલાં બૃહસ્પતિનો મોટા લેખક તરીકે ઉલ્લેખ કર્યો છે. આમ, તેઓ અનેક શાસ્ત્રોના જ્ઞાતા ગણાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી