બૃહદ્ વાતચિંતામણિ રસ

January, 2000

બૃહદ્ વાતચિંતામણિ રસ : વાત-વ્યાધિઓ માટેનું એક આયુર્વેદિક ઔષધ. સુવર્ણભસ્મ 3 ભાગ, રૌપ્યભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ, લોહભસ્મ 5 ભાગ, પ્રવાલભસ્મ 3 ભાગ, મુક્તાભસ્મ 3 ભાગ અને રસસિંદૂર 7 ભાગ લઈ કુંવારપાઠાના સ્વરસ સાથે ખરલમાં ઘૂંટીને આશરે 360 મિગ્રા.(3 રતી)ની ગોળીઓ બનાવવામાં આવે છે અને સૂકવીને શીશીમાં ભરવામાં આવે છે. દિવસમાં આ બૃહદ્ વાત-ચિંતામણિ રસની 1થી 2 ગોળી 2થી 3 વાર લેવાથી પક્ષાઘાત, લકવો, ધનુર્વાત, સંધિગત વાત, આમવાત વગેરે મટે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા