બૂલવાયો : ઝિમ્બાબ્વે(આફ્રિકા)નું મહત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 20° 09´ દ. અ. અને 28° 36´ પૂ. રે. ઝિમ્બાબ્વેના પાટનગર હરારે પછીના બીજા ક્રમે આવતું તે દેશનું મોટું શહેર. નૈર્ઋત્ય ઝિમ્બાબ્વેમાં મત્શ્યુમલોપ નદી પર તે વસેલું છે.

ઓગણીસમી સદીના મધ્યકાળમાં અહીંના નિવાસીઓએ જાણીતી અને આગળ પડતી વ્યક્તિ ડેબેલે(Ndebele)ને આજના બૂલવાયો સ્થળે વસવા બોલાવેલી, પરંતુ 1893માં બ્રિટિશ વસાહતી દળોએ તેમને અહીંથી કાઢી મૂક્યા અને ત્યાં નગરની સ્થાપના કરી. 1943 સુધીમાં બૂલવાયો વિકાસ પામીને શહેર બની ગયું. વીસમી સદીમાં તે ઝડપથી વિસ્તરતું ગયું. આજે આ શહેરમાં  ઘણી આધુનિક ઇમારતો તથા સંખ્યાબંધ ઉદ્યાનો આવેલાં છે. અહીં ઘણી કૉલેજો પણ છે. ઝિમ્બાબ્વેનું રાષ્ટ્રીય સંગ્રહાલય બૂલવાયોમાં છે. શહેરમાં આવેલા ઉદ્યોગો કાપડ, ટાયરો, રેડિયો, બાંધકામસામગ્રી તથા અન્ય પેદાશોનું ઉત્પાદન કરે છે. તેની વસ્તી 6,20,900 (1992) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા