બૂથ, હ્યુબર્ટ સેસિલ (જ. 1871; અ. 1955) : બ્રિટનના નામી ઇજનેર. 1900માં તેમણે હવા શોષીને કાર્પેટ વગેરેમાંથી ધૂળ-કચરો સાફ કરવાની કામગીરીના સિદ્ધાંતનું નિદર્શન કરી બતાવ્યું. 1901માં તેમણે આવા વીજ-ચાલિત યંત્રની પેટન્ટ મેળવી લીધી અને તેને ‘વૅક્યુમ ક્લીનર’નું નામ આપ્યું. આ યંત્રને અશ્વચાલિત વૅગન પર રાખવામાં આવ્યું હતું. અને મકાનો, ઇમારતો વગેરે સ્થળે પહોંચવા માટે લાંબી ટ્યુબ જોડવામાં આવી હતી. તેમણે સ્થાપેલી ‘વૅક્યુમ ક્લીનિંગ કંપની’થી યાંત્રિક ધોરણે સફાઈ-સેવા આપવાનો સૌપ્રથમ આરંભ થયો.
મહેશ ચોકસી