બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર) (જ. 1850; નૉટિંગહૅમ, ઇંગ્લૅન્ડ, અ. 1931) : અતિજાણીતા દવા-ઉત્પાદક. 13 વર્ષની વયે તેમને તેમના પિતાની ઔષધદ્રવ્યોની દુકાન વારસામાં મળી. ઉત્સાહ, ખંત અને ધીરજથી તેમણે પોતાના વ્યવસાયને વિકસાવવાનો સતત પુરુષાર્થ કર્યો. 1877માં તેમણે નૉટિંગહૅમમાં કેમિસ્ટ તરીકેની પોતાની સૌપ્રથમ દુકાન શરૂ કરી.
1892માં તેમણે મોટા પાયે દવા-ઉત્પાદન શરૂ કર્યું અને સદી પૂરી થયાના અરસામાં, દવાના છૂટક વેપારના વિશ્વભરમાં તે સૌથી મોટા વહીવટકાર બની રહ્યા. 1931 સુધીમાં તેઓ 1,000 ઉપરાંત શાખાઓ દ્વારા વેપાર ચલાવતા હતા.
મહેશ ચોકસી