બૂચ, હસિત (કાન્ત) હરિરાય 

January, 2000

બૂચ, હસિત (કાન્ત) હરિરાય  (જ. 26 એપ્રિલ 1921, જૂનાગઢ; અ. 14 મે 1989, વડોદરા) : ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. મૅટ્રિક્યુલેશન 1938. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. 1942માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને વડોદરા કૉલેજમાં ફેલો. 1944માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ. અને કે. હ. ધ્રુવ સુવર્ણચન્દ્રકની પ્રાપ્તિ. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન, વ્યાયામ અને સાહિત્યમંડળની પ્રવૃત્તિમાં રસ. 1945–46 દરમિયાન મુંબઈ સરકારના પ્રકાશન ખાતામાં ગુજરાતી વિભાગના વડા અને તંત્રી. પછી ગુજરાતની વિવિધ સરકારી કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તથા રાજકોટની કૉલેજમાં આચાર્ય. 1971થી 1980 દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત સરકારના ભાષાનિયામક.

એમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. એમનું ન્હાનાલાલ વિશેનું અંજલિકાવ્ય ‘બ્રહ્મ અતિથિ’ 1946માં પ્રગટ થયું અને 1954માં પ્રગટ થયેલાં ‘રૂપનાં અમી’ કાવ્યસંગ્રહથી કવિ તરીકે તેઓ પ્રતિષ્ઠિત થયા. બીજા કાવ્યસંગ્રહો ‘સૂરમંગલ’ (1958), ‘સાન્નિધ્ય’ (1961), ‘ગાંધીધ્વનિ’ (1969), ‘નિરંતર’ (1973), ‘તન્મય’ (1976), ‘અંતર્ગત’ (1979) વગેરે છે. ‘સૂરમંગલ’માં સંગીતરૂપકો અને ‘ગાંધીધ્વનિ’માં ગાંધીજી વિશેનાં કાવ્યો છે. ‘આગિયા ઝબૂકિયા’ (1963) અને ‘એન ઘેન દીવા ઘેન’ (1981) બાલગીતોના સંગ્રહો છે. ‘સાન્નિધ્ય’ કાવ્યસંગ્રહને ગુજરાત રાજ્યનું પારિતોષિક મળ્યું હતું. કવિ તરીકે ‘સુગેયતા, પ્રાસાદિકતા અને ઊર્મિપ્રાધાન્ય’ તથા કલ્પનાની ચારુતા એમનાં મુખ્ય લક્ષણો છે. પ્રકૃતિ, પ્રેમ અને અધ્યાત્મ એમના મુખ્ય કવનવિષયો છે. મધુર ગીતો, સુશ્લિષ્ટ છંદરચના, સુર્દઢ સૉનેટ અને પ્રાસાદિક દીર્ઘ રચનાઓને કારણે એમનાં કાવ્યો આસ્વાદ્ય બન્યાં છે.

હસિત (-કાન્ત) હરિરાય બૂચ

એમણે ‘ચલઅચલ’ (1968), ‘આભને છેડે’ (1970) અને ‘મેઘના’ (1979) નવલકથાઓ લખી છે. આ નવલકથાઓ ચિત્રાત્મક વર્ણનોને  કારણે હૃદ્ય બની છે. ‘આભને છેડે’નો હિન્દી અનુવાદ પણ થયો છે. ‘આલંબન’ (1968), ‘વાદળી ઝર્યા કરતી હતી’ (1976) અને ‘તાણેવાણે’ (1981) એમના વાર્તાસંગ્રહો છે, જેમાં સૂક્ષ્મ સંવેદના અને ઊર્મિલ ભાવોનું નિરૂપણ ધ્યાન ખેંચે છે. ‘શુભસ્ય શીઘ્રમ્’ (1958), ‘નવાં નવાં નાટકો’ (1977), ‘કિશોરોનાં નાટકો’ (1977) એમના એકાંકીસંગ્રહો છે. ‘શુભસ્ય શીઘ્રમ્’ને રાજ્ય સરકારનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

એમનું વિવેચનકાર્ય નોંધપાત્ર છે. ‘દલપતરામ – એક અધ્યયન’ (1955) એમનો મહત્વનો સંશોધનાત્મક સ્વાધ્યાયગ્રંથ છે. ‘અન્વય’ (1969) અને ‘તદભવ’ (1976) એમના અન્ય વિવેચનસંગ્રહો છે. તેમણે કરેલી 1961ના ગુજરાતી ગ્રંથસ્થ વાઙ્મયની સમીક્ષા (1963) ગુજરાત સાહિત્યસભા દ્વારા પ્રગટ થઈ છે. ‘મીરાં’ (1978) નામે પુસ્તિકા એમણે ગુજરાતી ગ્રંથકાર શ્રેણી માટે લખી હતી. ‘ક્ષણો ચિરંજીવી ભાગ 1–2’ (1981) એમના ગુજરાતી કવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ છે.

એમણે અનુવાદ, ચરિત્ર-આલેખન અને સંપાદનના ક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું. ‘ધમ્મપદ’(1954)નો અનુવાદ એમણે કર્યો છે. ‘સિદ્ધહેમ’(1956)નો અનુવાદ એમણે જશભાઈ કા. પટેલ(1921–1977)ના સહયોગમાં કર્યો છે. ‘સિદ્ધરાજ’ (1948) અને ‘હરિકિરણ’ (1963) (એમના પિતાશ્રીના જીવનનો પરિચય કરાવતું પુસ્તક) એમની પત્ની જ્યોત્સ્નાબહેન સાથેના સહયોગમાં લખાયેલાં ચરિત્રો છે. ‘જાદવાસ્થળી’ (1961) અને ‘પ્રસાદ’ (1967) જશભાઈ કા. પટેલના સહયોગમાં સંપાદિત થયેલા ગ્રંથો છે.

વિસનગરની કવિસભા તથા વડોદરાની ‘ગ્રંથગોષ્ઠિ’ સંસ્થાના તેઓ સંચાલક હતા.

મનોજ દરુ