બુમેદિયન, કર્નલ હાવરી (જ. 23 ઑગસ્ટ 1927, ગુલેમા નજીક, અલ્જિરિયા; અ. 27 ડિસેમ્બર 1978, અલ્જિયર્સ) : અલ્જિરિયાના અગ્રણી રાજપુરુષ, લશ્કરી સેનાપતિ તથા દેશના પ્રમુખ. મૂળ નામ : મહંમદ બિન બુખારબા. ઇજિપ્તની અલ-અઝહર યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો અને શિક્ષક બન્યા. 1950માં તેઓ દેશની સેવા માટે જાહેર જીવનમાં જોડાયા. 1954માં સ્વતંત્રતા માટે લડતાં બળવાખોર દળોમાં તેઓ જોડાયા અને પોતાનું મૂળ નામ બદલીને ‘બુમેદિયન હાવરી’ નામ ધારણ કર્યું. દેશની સ્વતંત્રતા માટે લડતા બળવાખોરોએ વિવિધ લશ્કરી જિલ્લાઓમાં દેશને વિભાજિત કર્યો હતો તદનુસાર તેમને ઓરાન જિલ્લાના વડા નીમવામાં આવ્યા હતા. 1960માં તેઓ નૅશનલ લિબરેશન ફ્રંટના અગ્રણી નેતા બન્યા અને 1962માં તેના સેનાધિપતિ બન્યા. તેમણે ફ્રાંસના પ્રભાવ બહાર રહેલા મોરોક્કો અને ટ્યુનિશિયામાં અલ્જિરિયાની આઝાદી માટે લશ્કરની જમાવટ કરવાની કામગીરી હાથ ધરી, જેને કારણે ફ્રેંચ દળોએ તેમને ‘ભયંકર પ્રતિસ્પર્ધી’ તરીકે ઓળખાવેલા. ગેરીલા યુદ્ધ પદ્ધતિનો તેમણે કુનેહથી ઉપયોગ કર્યો હતો.
માર્ચ 1962માં ફ્રાંસ સાથે શાંતિ સંધિ કર્યા બાદ અલ્જિરિયાની સ્વતંત્રતા ઘોષિત થઈ હતી. એ જ વર્ષના સપ્ટેમ્બરમાં તેમણે અહેમદ બિન બેલ્લાના ટેકા વડે અલ્જિયર્સ કબજે કર્યું તથા વર્ષના અંતભાગમાં બિન બેલ્લા પ્રમુખ બન્યા ત્યારે તેમણે બુમેદિયનનું નામ ઉપપ્રમુખ અને સંરક્ષણ પ્રધાન તરીકે સૂચવ્યું, પરંતુ કેટલાંક કારણોસર તે બંને વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો. જૂન 1965માં તેમણે બિન બેલ્લા વિરુદ્ધ બળવો કરીને સત્તા હાંસલ કરી અને પોતાને પ્રમુખ ઘોષિત કર્યા તથા અલ્જિરિયાને ઇસ્લામિક સોશિયાલિસ્ટ સરકાર ઘોષિત કરી. છવ્વીસ સભ્યોની રેવૉલ્યૂશનરી કાઉન્સિલ દ્વારા પ્રારંભે તેમણે દેશની સરકાર ચલાવી. તેમની નેતાગીરી વિરુદ્ધ લશ્કરે ડિસેમ્બર 1967માં તેમનું શાસન ઉથલાવી પાડવા પ્રયાસો કર્યા, જે નિષ્ફળ ગયા. ત્યારબાદ મૃત્યુ પર્યન્ત તેઓ અલ્જિરિયાના માન્ય નેતા બની રહ્યા.
ફ્રાંસ સાથેના વિશિષ્ટ સંબંધોને ભોગે તેમણે 1971માં તેલ-ઉદ્યોગ પર અંકુશ લાદ્યો. 1975માં સ્પૅનિશ સહારા (પાછળથી પશ્ચિમ સહારા) તરીકે ઓળખાતો વિસ્તાર કબજે કરવા મોરોક્કો સાથે યુદ્ધનું જોખમ ખેડ્યું. 1976માં તેમની સરકારે ‘નૅશનલ ચાર્ટર’ અને પછીથી નવું બંધારણ જાહેર કર્યું, જેનો લોકમત દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમણે એક તરફ જમીન ધારા અંગે દેશમાં મહત્વના સુધારા દાખલ કર્યા અને પશ્ચિમના દેશો સાથે ઔદ્યોગિક કરારો અંગે મંત્રણાઓ કરી અલ્જિરિયાના વિકાસની યોજનાઓ ઘડી તો બીજી તરફ સોવિયેટ સંઘના નેતૃત્વ હેઠળના સામ્યવાદી દેશો સાથે સ્વતંત્ર અને ગાઢ સંબંધો જાળવી બિનજોડાણવાદી જૂથમાં અગ્રણી નેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની અંતિમ ખ્વાહિશ ‘નૉર્થ આફ્રિકન સોશિયાલિસ્ટ ફેડરેશન’ રચવાની હતી, જેમાં તેમને સફળતા સાંપડી ન હતી.
અલ્જિરિયાની આર્થિક આત્મનિર્ભરતામાં તેમણે ઊંડો રસ દાખવેલો. તેમણે ખેતીને ભારે મહત્વ આપવા સાથે આયોજિત અર્થતંત્રનો સ્વીકાર કર્યો હતો. ખનિજતેલ અને ગૅસ પેદા કરતી કંપનીઓનું આંશિક રાષ્ટ્રીયકરણ પણ તેમણે કર્યું હતું. આમ ઉદ્દામ, પ્રગતિશીલ અને સમાજવાદી રાજકર્તા તરીકે તેઓ પોતાની છાપ ઉપસાવી શક્યા હતા.
રક્ષા મ. વ્યાસ