બીબા-ઢાળણ (die casting) : જરૂરી આકાર માટે તૈયાર કરેલ ધાતુના બીબામાં ધાતુરસ રેડી કે દબાણ સાથે ધકેલીને દાગીનો તૈયાર કરવાની રીત. આ રીતને ધાતુ-બીબાઢાળણ પણ કહેવાય. અહીં ધાતુ-બીબાં સ્થાયી હોય છે. એટલે કે રેતબીબાની માફક એક વખત રસ રેડ્યા પછી બીબું ફરી વાપરી ન શકાય તેવું આમાં હોતું નથી. આ રીતનો આ જ મુખ્ય ફાયદો છે. ધાતુનું બીબું બનાવવામાં પ્રાથમિક ખર્ચ વધુ આવે છે. માટે વધારે નંગ ઢાળવાના હોય તેમ જ પરિમાણ-ચોકસાઈ વધુ જોઈતી હોય ત્યારે જ આ રીત વપરાય છે.
બીબા-ભરતર(ઢાળણ)ના મુખ્ય બે પ્રકાર છે : (1) રસ રેડીને નંખાતો હોય તેવું ઢાળણ (gravity die casting), (2) દબાણપૂર્વક રસ આવતો હોય તેવું ઢાળણ (pressure die casting).
પ્રથમ રીતમાં બીબાંઓ ભૂખરા ભરતર-લોહ (grey-cast iron) કે પોલાદનાં બનેલાં હોય છે. આ રીતમાં ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ, જસત, સીસું અને તાંબાની મિશ્રધાતુઓના દાગીના સહેલાઈથી ઢાળી શકાય છે. ભરતર-લોહનું ઢાળણ પણ થઈ શકે. પરંતુ પોલાદનું ઢાળણ મુશ્કેલ બને છે, કારણ કે તેના રસનું તાપમાન વિશેષ હોઈ બીબાધાતુ તે ઉષ્ણતામાન સહન કરી શકે નહિ. દાગીનામાં વધુ સારી સપાટી-સમાપન અને પરિમાણ-ચોકસાઈ જોઈતાં હોય, દાગીના પ્રમાણમાં નાના પરંતુ આકારમાં અટપટા હોય અને જરૂરિયાત ઘણી મોટી સંખ્યામાં હોય ત્યારે બીજી રીત એટલે કે દાબ-બીબાઢાળણની રીત વપરાય છે. આ રીતમાં હવાછિદ્રો કે બીબામાં અમુક ભાગમાં પૂરતા પ્રમાણમાં રસ ન પહોંચી શકતાં ઊભી થતી ત્રુટિઓની સંભાવના નહિવત્ રહે છે. અલબત્ત, આ રીતમાં દાબ માટે જોઈતાં મશીન તેમજ ખાસ પોલાદમાંથી તૈયાર થતાં બીબાં(die)નું પ્રાથમિક ખર્ચ પ્રથમ રીત કરતાં ઘણું ઊંચું હોઈ ઉપર્યુક્ત પરિસ્થિતિમાં આ રીત પસંદ કરાતી હોય છે. આ રીત જસત, ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને તાંબાની મિશ્રધાતુઓના ઢાળણ માટે વપરાય છે. રસકૂંડીની ગોઠવણ પ્રમાણે દાબ બીબાઢાળણ માટેનાં યંત્રોના બે પ્રકારો પાડી શકાય : (i) ગરમ કક્ષવાળું યંત્ર, અને (ii) ઠંડા કક્ષવાળું યંત્ર. ગરમ ચેમ્બર મશીનોમાં રસકૂંડી મશીનનો અંતર્ગત ભાગ હોય છે. સિલિન્ડર અને પ્લન્જર રસકૂંડીમાં ડૂબેલાં રહે છે. પ્લન્જર વડે રસકૂંડીમાંથી રસ સિલિન્ડરમાં ધકેલાય છે. જ્યારે ઠંડી ચેમ્બર મશીનોમાં રસકૂંડી મશીનના ભાગ તરીકે હોતી નથી. તે સ્વતંત્ર રીતે મશીનથી જુદી હોય છે. અહીં કૂંડીમાંથી રસ ખાસ વ્યવસ્થા કરી લઈ જવાય છે અને તેને સિલિન્ડરમાં રેડવામાં આવે છે અને ત્યાંથી પ્લન્જર વડે બીબામાં ધકેલવામાં આવે છે. જે ધાતુઓ(મિશ્રધાતુઓ)નો ગલનાંક પ્રમાણમાં નીચો હોય તેવી ટિન, જસત અને સીસાની મિશ્રધાતુ માટે ગરમ ચેમ્બર મશીનો; જ્યારે ઍલ્યુમિનિયમ, બ્રાસ અને મૅગ્નેશિયમ જેવી ઊંચા ગલનાંકવાળી ધાતુઓ (મિશ્રધાતુઓ) માટે ઠંડી ચેમ્બર મશીનો વપરાય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ