ચા ઉદ્યોગ

પીણા માટે ઉપયોગમાં લેવાતી, ચાના છોડનાં પાંદડાંમાંથી સૂકી અને પ્રક્રિયા કરેલી ચાની પત્તી અથવા ભૂકીના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. આવી પત્તી અથવા ભૂકીને ઉકળતા પાણીમાં નાંખવાથી તૈયાર થતા પીણાનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં થાય છે. હાલમાં ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. બીજા નંબરે ચીન આવે છે. આર્જેન્ટિના, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, સોવિયેટ યુનિયન, શ્રીલંકા, તુર્કસ્તાન વગેરેમાં પણ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. ચા ઉત્પન્ન કરનારા દેશો ઉત્પાદનનો અર્ધો ભાગ વાપરે છે. તેની સૌથી વધુ વપરાશ ગ્રેટ બ્રિટનમાં કરવામાં આવે છે, જ્યાં સરેરાશ વ્યક્તિદીઠ વાર્ષિક 3.2 કિગ્રા. જેટલી ચા વપરાય છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં પણ તે લોકપ્રિય છે અને સરેરાશ વ્યક્તિદીઠ 1.4 કિગ્રા. ચાની વપરાશ તે દેશોમાં થાય છે.

ચીની બૌદ્ધ સાધુઓ દ્વારા ચા જાપાનમાં દાખલ થઈ; જ્યાં તેની બનાવટ અને વપરાશ ‘ચા નો યુ’ (Cha No Yu) તરીકે ધાર્મિક વિધિના રૂપમાં વિકાસ પામ્યાં. આ પરથી ચા શબ્દ પ્રચલિત બન્યો. જાપાન ઉપરાંત ભારત, ઇરાન અને રશિયામાં પણ આ જ શબ્દ પ્રચલિત થઈ રૂઢ બન્યો. અંગ્રેજીમાં tea શબ્દ પણ ચીનમાંના ઍમૉય પ્રાંતમાં બોલાતા ટે (tay) શબ્દ પ્રયોગ પરથી આવેલો છે. ચીનમાંથી ડચ લોકોએ જાવામાર્ગે આ શબ્દ યુરોપમાં દાખલ કર્યો અને છેવટે અંગ્રેજીમાં તેનો ઉચ્ચાર ‘ટી’ થયો એમ માનવામાં આવે છે. ચાના ઊગમસ્થાન માટે ઘણી દંતકથાઓ જાણીતી છે. એક ચીની દંતકથા મુજબ ઈ. પૂ. 2737માં ચીની સમ્રાટ સમારાસ શેન નુંગ (Shen Nung) અથવા શેનોન્ગ (Shennong) જેમાં પાણી ઉકાળતા હતા તે પાત્રમાં ચાના સૂકા પત્તાં પડ્યાં અને તેમાંથી આનંદદાયક સુગંધ બહાર આવી. આમાંથી ઉત્તેજક પીણા તરીકે ચા બનાવવાની પદ્ધતિ શરૂ થઈ. ચાનો અધિકૃત ઉલ્લેખ ચીની શબ્દકોશ(ઈ. પૂ. 350)માં ‘એર યા’(Ern ya)માં થયેલો જોવા મળે છે. તે વખતે લોકો ચા-વનસ્પતિમાં ઔષધીય અને ઉત્તેજક ગુણધર્મો છે તેમ માનતા. ચીની વિદ્વાન લૂ-યૂ(Lu-Yu)ના ‘ચા ચિંગ’ (Cha ching) નામના ચાને લગતા પુસ્તકમાં ચાના જુદા જુદા પ્રકારો, ચાનાં પાનનું વર્ણન, તેનાં પાંદડાં તોડવાનો યોગ્ય સમય, તેને સૂકવી તેની પ્રક્રિયા કરવાની પદ્ધતિ, તેનાથી થતા ફાયદા વગેરેની માહિતી આપેલી છે.

જાપાનમાં આઠમા સૈકામાં ચીની બૌદ્ધ ભિક્ષુક દ્વારા તેની પ્રથમ વપરાશ થઈ. જાપાની ચામાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નહિ. તેરમા સૈકા સુધી તેનો ઔષધીય વનસ્પતિ તરીકે જ ઉપયોગ થતો. ચીનમાંથી મધ્ય એશિયાના દેશોમાં ચાના પીણાનો પ્રસાર થયો. સાતમા કે આઠમા સૈકામાં ચીનમાંથી તિબેટમાં ચા દાખલ થઈ અને તેને રાજ્ય તરફથી ઉત્તેજન મળ્યું. બૌદ્ધ મઠોમાં પણ તેનો પીણા તરીકે ઉપયોગ થવા માંડ્યો. કહેવાય છે કે તિબેટી લોકો દરરોજના 30થી 75 કપ ચા પીતા હતા. સત્તરમા સૈકામાં ઈરાનમાં ચા પીવાની શરૂઆત થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન પછી જ ભારતમાં તેનો પીણા તરીકે ઉપયોગ થયો. જાવા(હાલમાં ઇન્ડોનેશિયાનો એક ભાગ)માં 1684માં જાપાનમાંથી ચાનો પ્રવેશ થયો. સત્તરમા સૈકામાં (1610) ડચ લોકોએ યુરોપમાં ચા પીણા તરીકે દાખલ કરી. બ્રિટનમાં સૌપ્રથમ 1657માં ચાને કૉફી હાઉસમાં એક પીણા તરીકે પ્રવેશ મળ્યો. 1815માં કર્નલ લેટરના જણાવ્યા પ્રમાણે અસમમાં ચા પિવાતી હશે. તે પહેલાં બ્રિટન કૉફી પીનાર દેશ તરીકે પ્રથમ સ્થાન ધરાવતું હતું. ચાનો સૌપ્રથમ વેપાર ડચ લોકોએ શરૂ કરેલો. પાછળથી ફ્રેંચ, પોર્ટુગીઝ અને અંગ્રેજ લોકોએ ચાનો વેપાર ચાલુ કર્યો. 1669થી 1833 પર્યંત બ્રિટનમાં ચાની આયાત કરવાનું કામ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી. 1767માં બ્રિટને અમેરિકામાં મોકલાતી ચા પર કર નાખ્યો. પરિણામે 1773માં બૉસ્ટનના બંદરે બ્રિટનથી આવેલી ચાને દરિયામાં પધરાવી દેવામાં આવી. તે ઘટનાને ‘બૉસ્ટન ટી પાર્ટી’ કહેવામાં આવે છે. અમેરિકાએ બ્રિટનના સામ્રાજ્યવાદ સામે લડી સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેમાં તેનો પણ ફાળો છે. ન્યૂયૉર્કના ચા અને કૉફીના વેપારી ટૉમસ સલિવને 1903માં ચાની કોથળીઓ(tea bags)ની શોધ કરી.

ભારતમાં ચાની વાવણીનો ઇતિહાસ : ઈ. સ. 1778માં સર જોસેફ બકસે ભારતમાં ચાની વાવણી કરવાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભલામણ કરી. ઈ. સ. 1793માં તેમણે ચાની વાવણીની પદ્ધતિ અને તેમાંથી ચા તૈયાર કરવાની માહિતી ચીનથી મેળવી આપી. ઈ. સ. 1823માં રૉબર્ટ બ્રૂસે અને ઈ. સ. 1831માં ચાર્લટને અસમમાંથી મંગાવેલી ચાનો છોડ કૉલકાતા મોકલાવી આપ્યો. પણ તજ્જ્ઞોએ તે સાચી ચા નથી તેવો અભિપ્રાય આપ્યો. ઈ. સ. 1828માં લૉર્ડ બેન્ટિક ભારતના ગવર્નર-જનરલ નિમાયા પછી, ચીન સાથે સંબંધો બગડતાં ત્યાંથી ચા બ્રિટન આવતી બંધ થઈ. ચા માટે એકલા ચીન પર આધાર રાખવાને બદલે ભારતમાં ચા વાવી અને ત્યાંથી તેને મેળવી શકાય તેવો વિચાર તેમણે રજૂ કર્યો. તે માટે એક કમિશન નીમવામાં આવ્યું. ઈ. સ. 1835માં જાણવા મળ્યું કે ચાનાં વૃક્ષો જે અસમમાંથી કૉલકાતા મોકલવામાં આવેલાં તે હકીકતમાં અસલી ચાનાં વૃક્ષો હતાં. આથી ઉત્તર ભારતમાં તેમજ અસમ અને દક્ષિણ ભારતમાં ચીનથી લાવેલાં ચાનાં વૃક્ષોની સાથે અસમમાંથી મળેલ વૃક્ષોનું પણ વાવેતર શરૂ કરવામાં આવ્યું. ઈ. સ. 1840માં અસમ ટી કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. 1855માં દક્ષિણ અસમમાં કાચાર જિલ્લામાં ઘણી જગ્યાએ દેશી ચાનાં વૃક્ષો મળી આવ્યાં. આ દેશી ચામાંથી ઘણી સારી ચા તૈયાર થઈ. આવી રીતે ભારતમાં દેશી તેમજ ચીની બંને પ્રકારની ચાનું વાવેતર સાથે સાથે થવા માંડ્યું.

થોડા સમય બાદ અસમમાં બ્રહ્મપુત્રને કાંઠે કાચારમાં, હિમાલયમાં ડુંગરાળ ભાગમાં, દાર્જિલિંગમાં, રાંચીમાં, ઉત્તરપ્રદેશમાં દેહરાદૂન ખાતે અને પંજાબમાં કાંગરામાં ચાનાં વૃક્ષોની વાવણી કરવામાં આવી. ઈ. સ. 1853માં દક્ષિણ ભારતમાં તમિળનાડુ તેમજ કેરળ અને કર્ણાટકમાં થોડા પ્રમાણમાં ચાનું વાવેતર કરવામાં આવ્યું. ઈ. સ. 1859માં જોરહટમાં ચાની બીજી કંપની શરૂ કરવામાં આવી. ઈ. સ. 1870માં સારી સુમારાસ ચાનો વિકાસ થયો અને ઈ. સ. 1890માં 1,54,000 હેક્ટરમાં તેની વાવણી કરવામાં આવી. સરેરાશ દર હેક્ટરે 373 કિગ્રા. ચાનું ઉત્પાદન કરવામાં આવ્યું. ઈ. સ. 1881માં ઇન્ડિયન ટી ઍસોસિયેશન અને ઈ. સ. 1918માં ટી પ્લાન્ટર્સ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. ઈ. સ. 1932માં ચાની કિંમત ઘટતાં તેના વાવેતરમાં થોડી ઓટ આવી. ઈ. સ. 1940 અને ઈ. સ. 1960માં આ ક્ષેત્રે અનુક્રમે 3,37,035 અને 3,30,768 હેક્ટર જેટલું ઉત્પાદન થયું; તેમાં થોડો ભાગ પૂર્વ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગયો. તે દરમિયાન ચાનું ઉત્પાદન અનુક્રમે 2,10,415 અને 3,21,007 ટન થયું અને સરેરાશ હેક્ટરદીઠ ઉત્પાદન 624 કિગ્રા. અને 971 કિગ્રા. થયું. ઈ. સ. 1971માં તે 1216 કિગ્રા. સુધી પહોંચ્યું હતું. ઈ. સ. 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે તેના વાવતેરનો વિસ્તાર 3.16 લાખ હેક્ટર હતો, જે ઈ. સ. 1992માં 4.21 લાખ હેક્ટર (36 % વધારે) જેટલો થયો છે. ઈ. સ. 1947માં ચાનું ઉત્પાદન 3,200 લાખ કિગ્રા. હતું તે ઈ. સ. 1992માં વધીને 70.39 લાખ કિગ્રા. સુધી પહોંચી ગયું હતું. ઈ. સ. 1947માં દુનિયામાં ચાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 40 %થી 42 % હતો તે આજે ઘટીને 12 %થી 13 % જેટલો થઈ ગયો છે.

ચા લવણ, ચરબી, શર્કરા, મદ્યાર્ક તેમજ કૅલરી-રહિત એક નિર્દોષ લોકપ્રિય પીણું છે. વિશ્વની આશરે 50 ટકાથી વધુ વસ્તી ચાને પસંદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ગણાય છે. તેની ચૂસકી તાજગી બક્ષે છે. હાલમાં બજારમાં પ્રસ્તુત કરવામાં આવતી ચામાં મહત્તમ હિસ્સો કાળી ચા(Black Tea etc)નો હોય છે. જ્યારે લીલી અને ઊલોંગ (oolong) ચા ચીન, જાપાન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં ઉપયોગમાં લેવાય છે. ચાના વર્ગીકરણમાં સૌથી મોટા કદની ચા ઉત્તમ ગણાય છે. જ્યારે નાના કદની ચા મુખ્યત્વે પૅકેટોમાં વેચાય છે. ચૂર્ણ જેવી ચામાંથી ત્વરિત ચા (instant tea) બનાવવામાં આવે છે. બરફ સાથેની ઠંડી ચા (Iced tea) અમેરિકામાં પ્રચલિત છે. ગરમીની મોસમમાં પણ તેનો ઉપયોગ થાય છે. ભારતની આસામ અને દાર્જિલિંગની ચા તેની ખુશબૂ અને ઊંચી ગુણવત્તા માટે જાણીતી છે. ચીનની ખુશબૂવાળી લીસી ચા (eongau) અને સિલોનની ઘેરા શ્યામ રંગની ચાનો શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ થાય છે. અમુક અપવાદ સિવાય વિશ્વભરમાં મહદ્અંશે સંમિશ્ર ચાનો ઉપયોગ થાય છે. ચીનની ‘પ્યુએર’ (pu’er) તરીકે પ્રખ્યાત ચા તેની કિંમતને કારણે ચીન, જાપાન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પ્રચલિત બની છે. પ્યુએર ચા કૉલેસ્ટરલમાં ઘટાડો કરવાની તેમજ મરડો અટકાવવાની કે મટાડવાની ક્ષમતા ધરાવે છે અને પાચનમાં અને વજન ઘટાડવામાં સહાયરૂપ અને શક્તિવર્ધક ગણાય છે. ડૉ. એમિલી કરૉબી (સેંટ ઍન્ટૉઇની મેડિકલ કૉલેજ, પૅરિસ) – એ તેમાંના કેટલાક ગુણોની ચકાસણી કરી તેને સમર્થન આપ્યું છે.

વિશ્વમાં ચાનું વાવેતર અંદાજે 37.80 લાખ હેક્ટરમાં કરવામાં આવે છે. તેમાંથી આશરે 33,000 લાખ કિગ્રા. ચાનું ઉત્પાદન થવાની માહિતી ઉપલબ્ધ થાય છે. તેમાં ચીનનો ફાળો આશરે 25 ટકા, ભારતનો 27 ટકા, શ્રીલંકાનો 9 ટકા, કેન્યાનો 10 ટકા, ઇન્ડોનેશિયા અને તુર્કસ્તાન – દરેકનો 5 ટકા, માલાવીનો 4.5 ટકા અને જાપાનનો 3 ટકા અંદાજવામાં આવે છે. ચીન તેના ચાના કુલ ઉત્પાદનનો આશરે 18 ટકા, શ્રીલંકા 19 ટકા, કેન્યા 22 ટકા, ભારત 18 ટકા અને આર્જેન્ટિના 4 ટકાની નિકાસ કરે છે.

ઈ. સ. 1856માં ભારતમાં પ્રથમ વાર ચાનું વાવેતર થયા પછી ચાના બગીચાના વિસ્તાર અને ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. ઈ. સ. 1918માં આશરે 2.75 લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજે 1730 લાખ કિગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું, જે હેક્ટરદીઠ 625 કિગ્રા. હતું. ઈ. સ. 1948માં સ્વાતંત્ર્યસમયે અંદાજે 311 લાખ હેક્ટરમાં 2620 લાખ કિગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું. તેમાંથી આશરે 2020 લાખ કિગ્રા. (77 ટકા) ચાની નિકાસ કરવામાં આવી હતી. ઈ. સ. 2008માં અંદાજે 5.21 લાખ હેક્ટરમાં આશરે 9800 લાખ કિગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું. તેમાંથી લગભગ 1839 લાખ કિગ્રા. (18.75 ટકા) ચાની નિકાસ કરવામાં આવી હતી. ભારતમા ચાનું ઉત્પાદન અને નિકાસની માહિતી નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવી છે :

સારણી : ભારતમાં ચાનું ઉત્પાદન અને નિકાસ

વર્ષ ઉત્પાદન નિકાસ (લાખ કિગ્રા.માં)
1948 2620 2020
1985 6562 2140
1990 7417 2029
2000-01 8484 2036
2005-06 9309 1811
2008-09 (અંદાજ) 9808 1839

ઈ. સ. 1950માં ભારતનો ચાનો માથાદીઠ વપરાશ 0.21 કિ.ગ્રામ હતો, જે ઈ. સ. 2008માં વધીને 0.95 કિ.ગ્રામ અંદાજવામાં આવ્યો હતો.

દેશમાં ઉત્પન્ન થતી ચામાં આશરે 72 ટકાથી વધુ ફાળો આસામ અને પશ્ચિમ બંગાળનો અને દક્ષિણના પ્રદેશો, તમિળનાડુ, કર્ણાટક અને કેરળનો આશરે 25 ટકા જેટલો હોય છે. આ ઉદ્યોગ આશરે 10 લાખ કામદારોને રોજી આપે છે. તેમાં બગીચામાં ચા ચૂંટવાના કાર્યમાં મહદ્અંશે મહિલાઓ હોય છે.

ભારત ચાની મહત્તમ નિકાસ ઇંગ્લૅન્ડ, પોલૅન્ડ, જર્મની, રશિયા, ઈરાન, અખાતના દેશો, ઇજિપ્ત, આફ્રિકાના દેશો અને અમેરિકામાં કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશોની હરીફાઈ અને ઉત્પાદકોનું સ્થાનિક બજારો પર કેન્દ્રીકરણ હોવાના કારણે ચાની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. તેથી આ ઉદ્યોગ પૅકેટ ચા અને ત્વરિત ચા(Instant tea)ના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી વધુ કિંમત ઉપજાવવા પ્રયત્નશીલ છે. એક અંદાજ મુજબ વાર્ષિક 50 લાખ કિગ્રા. પૅકેટ-ચા અને 37 લાખ કિગ્રા. ત્વરિત ચાની નિકાસ કરવામાં આવી હતી.

ભારતમાં ચાના કુલ ઉત્પાદનનો આશરે 80 ટકા હિસ્સો સ્થાનિક બજારોમાં વેચાણ માટે પ્રસ્તુત કરવામાં આવે છે. આ ચા 350થી વધુ નામો (Brands) નીચે વેચાય છે. તેનું વાર્ષિક વેચાણ આશરે રૂ. 4000 કરોડ ગણવામાં આવે છે. કેટલાક સમયથી સંવત પૂથ ‘ચાનો સમય’ (tea time) નામ નીચે બજારમાં સુગંધિત ચાનું વેચાણ કરે છે. જ્યારે ‘ગિરનાર’ નામ નીચે ઇલાયચી, આદું અને ગરમ મસાલાના સ્વાદવાળી અલગ અલગ ત્વરિત ચા પ્રસ્તુત કરવામાં આવે છે. ભારતમાં લિપ્ટન, બ્રૂક બૉન્ડ અને ઈસ્પહાની ગણનાપાત્ર જથ્થામાં ચાનું વેચાણ કરે છે.

ભારતની ચાની નિકાસમાં ઘટાડો થવાનાં કારણોમાં વિદેશોની હરીફાઈ, ઉત્પાદકોનો સ્થાનિક બજારો તરફ ઝોક, નવાં બજારો શોધવામાં સ્થગિતતા, ઉત્પાદનખર્ચમાં વૃદ્ધિ અને ઊંચા ભાવ ગણી શકાય. આ ઉપરાંત વિશ્વ-ઉદારીકરણની નીતિના પરિણામે ભારતમાં ચાની આયાત વિયેટનામ વગેરે દેશોમાંથી કરવા દેવામાં આવે છે અને તેમની ચાની કિંમત કિફાયત હોય છે.

ભારતના કેટલાક ચાના બગીચાઓમાં પુરાણા છોડ હોવાને કારણે તેમની ઉત્પાદનક્ષમતામાં ઘટાડો થયો છે. તેને સ્થાને નવા છોડ ઉગાડવા માટેની યોજના સરકારે તૈયાર કરી છે. વળી ચાના કુદરતી ઉત્પાદન(organic tea)માં પણ વૃદ્ધિ કરવાનું આયોજન છે. ચાના લઘુઉદ્યોગો ખાતર, ઊર્જા, રસાયણો વગેરેના ભાવોમાં વૃદ્ધિ થવાના કારણે તેમજ કુદરતી લીલી ચાની કિંમતમાં ઘટાડો થવાના કારણે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ભારત સરકાર અને ભારતીય ચા ઍસોસિયેશને વેરામાં ઘટાડો, ઓછા વ્યાજનું ધિરાણ, જકાતમાં સુધારા વગેરેનું આયોજન કરી ભારતીય ચાને વિશ્વબજારમાં સ્પર્ધાત્મક બનાવવાનો અભિગમ સ્વીકાર્યો છે; પરંતુ તે માટે ઉત્પાદકોએ સ્થાનિક બજારો પરથી નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે.

ચા કેમિલિયા સાયનેન્સિસ અને કેમિલિયા સાયનેન્સિસ અસમિકા, થીએસી (Theaceae) કુળનો છોડ છે. આ ઉપરાંત ચાની ઘણી પ્રચલિત જાતો છે. તે ઉષ્ણ કટિબંધ અને ઉપોષ્ણ કટિબંધના વિસ્તારમાં થાય છે. તેને ઉષ્મ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. એવા વાતાવરણમાં તે વધુ ઝડપથી વધે છે. તેનું ઝાડ હંમેશાં લીલું હોય છે અને તે બહુવર્ષીય હોય છે. તે 9 મીટરથી 15 મીટર સુધી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. વ્યાપારી ધોરણે ચાની ખેતી કરવામાં આવે ત્યારે તેને 80થી 120 સેમી. ઊંચાઈએ રાખીને કાપવામાં આવે છે. 900થી 2100 મીટરની ઊંચાઈએ શ્રેષ્ઠ ચાનું વાવેતર થાય છે. પણ વધુ ઊંચાઈએ અને ઠંડી હવામાં તે ઓછી ઝડપથી વધે છે. જોકે તેમાંથી મળતી ચા વધુ સારી સોડમ ધરાવે છે. તેને સમધાત આબોહવા (20°-32° સે.) વધુ માફક આવે છે, જ્યારે 18° સે.થી નીચા તાપમાને તે બહુ ધીમી ગતિએ વધે છે.

આકૃતિ 1 : ચાનો છોડ અને તેના ભાગો : (1) ચાનો છોડ, (2) પાંદડાં, (3) ફૂલ, (4) ફળ

તેનાં પાન નાનાં, લીસાં, સાધારણ ખાંચાવાળાં, મજબૂત, ભાલાકાર અને લીલા રંગનાં હોય છે. તેને નાના, સફેદ અને મીઠી સુવાસવાળા એક અથવા વધુ પુષ્પગુચ્છ લાગેલા હોય છે, જેનો આકાર હેઝલ નટ જેવો દેખાય છે. ચાનાં ફળ ઘેરા ભૂખરા રંગના સંપુટ(capsule)રૂપે હોય છે. ચાના ઔદ્યોગિક વાવેતર માટે પ્રથમ નર્સરીમાં છાંયાવાળા ધરુવાડિયામાં બી વાવીને કે વધુ ઉત્પાદન અને સારી સોડમ આપે તેવી કલમો વાવીને વાવેતર કરવામાં આવે છે. એક વર્ષ પછી નર્સરીમાંથી 20 સેમી. ઊંચાઈ પ્રાપ્ત કરેલા છોડને ચાના બગીચામાં કે ખેતરોમાં વાવવામાં આવે છે. એક હેક્ટરમાં લગભગ 7500 છોડ વાવી શકાય છે. જંગલી ચાનાં વૃક્ષો 9 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે ચાના ઉત્પાદન માટે ચાના વૃક્ષની ઊંચાઈ 90થી 120 સેમી. જેટલી જ થવા દેવામાં આવે છે. ચાનો છોડ 4થી 5 વર્ષમાં પરિપક્વ થાય છે. અને તે દરમિયાન તેમાં નવી ડાળખીઓ ફૂટે છે. દરેક ડાળખીએ ઘણાં પાંદડાં અને ઘણી અગ્રકલિકાઓ ઊગે છે, જે પ્રસ્ફુટન (flush) તરીકે ઓળખાય છે. ઓછી ઊંચાઈએ દરેક પ્રસ્ફુટનને એકથી બે અઠવાડિયાં લાગે છે. નીચા તાપમાને ડાળખીઓ જલદીથી લાગતી નથી. નવાં પાન અને ટોચની કલિકામાં ટૅનિનનું પ્રમાણ વધુ હોઈ નીચેની બાજુએ રહેલાં જૂનાં પાનની સરખામણીમાં તેની ગુણવત્તા સારી ગણાય છે. ટૅનિનનું પ્રમાણ કલિકામાં 25 %, પ્રથમ પાનમાં 28 %, બીજા પાનમાં 21 %, ત્રીજા પાનમાં 14 %, બીજા પાનથી અગ્રકલિકાના પ્રકાંડમાં 12 % અને ચોથાથી બીજા પાન વચ્ચે પ્રકાંડમાં 6 % રહેલું છે. ચાનાં પાંદડાંમાં કૅફીન ઉપરાંત ટૅનિન, પ્રોટીન વગેરે પદાર્થો હોય છે. ચાના બગીચામાં પત્તી ચૂંટનારા કારીગરો આવી ડાળખીઓ હાથથી ચૂંટી લે છે. આગળનાં ત્રણ પાંદડાં અને એક કલિકામાંથી સર્વશ્રેષ્ઠ ચા મળે છે. ત્યારપછીનાં પાંદડાં ચૂંટતાં તે મધ્યમ કક્ષાની ચા ગણાય છે. જેમ જેમ ડાળખીમાં નીચેના ભાગમાં ઊગેલાં પાંદડાં સાથે લેવામાં આવે તેમ તેમ તેની ગુણવત્તા ઊતરતી કક્ષાની ગણાય છે. એક કામદાર દિવસના 18 કિગ્રા. જેટલાં ચાનાં પત્તાં ચૂંટી કાઢે છે. તેમાંથી આશરે 4થી 5 કિગ્રા. જેટલી ચા બનાવી શકાય. જ્યાં સપાટ જમીન હોય ત્યાં ચાનાં પાંદડાંને ચૂંટવા માટે યાંત્રિક પદ્ધતિ અપનાવવામાં આવે છે. તે માટેનું યાંત્રિક સાધન ટ્રૅક્ટરને મળતું આવે છે. તેના વડે એક દિવસમાં 100 વ્યક્તિ હાથથી ચૂંટે તેટલી ચા ચૂંટી શકાય છે, આમ છતાં સારી ચા મેળવવા માટે હાથથી ચૂંટવાનું વધુ સારું ગણાય છે. ચાના છોડનું આયુષ્ય 25થી 50 વર્ષ જેટલું હોય છે. પ્રસ્ફુટનના સૌથી આગળના ભાગનાં પાંદડાંમાંથી ચા બનાવવામાં આવે ત્યારે તેને પીકો (pekoe) ટિપ ચા, ત્યારપછીનાં પાંદડાં લઈ બનાવવામાં આવતી ચા ઑરેન્જ પીકો ચા અને તેની નીચેનાં પાંદડાં લઈ બનાવવામાં આવતી જાતને પીકો ચા કહે છે.

ભારતમાં ચીની અને અસમી એમ બે પ્રકારની ચાનું વાવેતર કરવામાં આવેલું. ચીની પ્રકારનો છોડ 6 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. તેનાં પાંદડાં નાનાં (2.5થી 5 સેમી.) લંબાકાર, ઘેરા લીલા રંગનાં અને મજબૂત હોય છે. અસમ પ્રકારનાં પાંદડાં પ્રમાણમાં વધુ ફૂલવાળાં હોય છે. અસમ પ્રકારની ચાનું વૃક્ષ 15 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે, પણ તેને વધુ ઊંચાં થવા દેવામાં આવતાં નથી. તેનાં પાંદડાં ચકચકિત હોય છે. ચીની પ્રકારનાં પર્ણ નીચે નમેલાં હોય છે. પાંદડાંનું પ્રમાણ ચીની પાંદડાં કરતાં વધુ હોય છે. તેના બે ઉપપ્રકાર છે. એકનાં પાંદડાં આછા લીલા રંગનાં અને બીજાનાં ઘેરા રંગનાં હોય છે.

એક પ્રકાર બ્રહ્મપુત્ર નદીના સૌમ્ય હવામાનમાં ઊગે છે અને બીજો પ્રકાર મણિપુરની સુરમા નદીના પ્રદેશમાં થાય છે. બ્રહ્મપુત્રના પ્રદેશમાં થતી ચા પ્રમાણમાં મણિપુરી ચા કરતાં વધુ સારી ઊપજ આપે છે.

ઘણી જગ્યાએ હવે ચીની અને અસમી પ્રકારના છોડની સંકર જાત પણ રોપવામાં આવે છે. તેને લીધે ચાના વૃક્ષમાં બન્નેના સારા ગુણધર્મો ઉપલબ્ધ થાય છે.

ચાની વાવણી માટેની જમીન : ચાની વાવણી માટે ચીકણી, મોકળી, ઢોળાવવાળી અને 5.2થી 5.6 pH ધરાવતી જમીન હોવી જરૂરી છે. કૅલ્શિયમ, નાઇટ્રોજન [(NH4)2SO4] અને સેંદ્રિય ખાતરો તેની પેદાશમાં વધારો કરે છે. ચાનો બગીચો આકૃતિ 2માં બતાવવામાં આવેલો છે.

આકૃતિ 2 : ચાનો બગીચો

ચાની પત્તી તૈયાર કરવાની પ્રક્રિયા : વ્યાપારી ધોરણે (1) કાળી, (2) લીલી, (3) ઊલૉંગ અને (4) લેટ-પેટ એમ મુખ્ય 4 પ્રકારની ચા ચાનાં પાંદડાં પર થતી જુદી જુદી પ્રક્રિયા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ચાના બગીચાની નજીક આવેલી ફૅક્ટરીમાં જ આ કાર્યવિધિ કરવામાં આવે છે. ચા ઉત્પન્ન કરનારા બધા દેશો કાળી ચા તૈયાર કરે છે, જ્યારે લીલી અને ઊલૉંગ ચા ચીન, જાપાન અને તાઇવાન તૈયાર કરે છે.

કાળી ચા : આ ચા સૌથી વધુ અગત્યની ગણાય છે. તેને તૈયાર કરવાના મુખ્ય 4 તબક્કા છે :

(ક) પર્ણ શુષ્કન (withering) : પ્રથમ ચૂંટેલાં ચાનાં પાંદડાંમાંથી ભેજ (75 %થી 65 %) દૂર કરવો જરૂરી છે. તે માટે પાંદડાંને પાટલી અથવા છાજલી (racks) પર ગોઠવી તેના પર સૂકી ઉષ્મ હવા પસાર કરવામાં આવે છે. પાનમાંથી પાણીનું પ્રમાણ ઘટવાની સાથે પાન ચીમળાઈ પોચાં તથા નમ્ય બને છે.

(ખ) રોલિંગ અને આથવણ (fermentation) : ઉપર પ્રમાણે ચીમળાયેલ પાનને રોલિંગયંત્રમાં લઈ જવામાં આવે છે. તેથી તેમાંના સુગંધી રસો બહાર આવે છે. આવી રીતે પ્રક્રિયા પામેલાં પાંદડાંને આથવણ કરવાના ઓરડામાં લઈ જવામાં આવે છે. ખરેખર તો અહીં ઉત્સેચકીય (enzymatic) ઉપચયન (oxidation) થાય છે પણ શરૂઆતમાં આને માટે આથવણ શબ્દ પ્રયોજાયો હતો જે હજુ પણ ચાલુ રહ્યો છે. ત્યાં નિયંત્રિત ભેજ અને તાપમાન (24.0° – 26.6° સે.) રાખવામાં આવે છે. આથવણ દરમિયાન પૉલિફીનૉલ ઑક્સિડેઝ (polyphenol oxydase) નામના ઉત્સેચકો દ્વારા ચામાં રહેલા કેટિચિન્સ(catechins)નું ઉપચયન થઈ અંતે ઉદભવતા થિયૉફ્લેવિન (theaflavin) (પીળા પદાર્થો) અને થિયારુબિજિન્સ (thearubigins) (લાલ અને તપખીરિયા પદાર્થો)ને લીધે સ્વાદ અને રંગ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન તેનો રંગ તાંબા જેવો લાલ થાય છે.

(ગ) સુકવણી : આથવણ પામેલ પાનના જથ્થાને 54°થી 55° સે. તાપમાને સુકવણી ચેમ્બર(dryer)માં 30થી 40 મિનિટ સુધી રાખીને છેલ્લે 90°થી 93° સે. તાપમાને થોડીક વાર રાખી બહાર કાઢી લેવામાં આવે છે. હવે તેમાં 3 %થી 4 % જેટલો જ ભેજ રહે છે.

(ઘ) ગ્રેડિંગ : ઉપર મુજબ સુકવણી થયેલ ચાને ત્યારબાદ જુદી જુદી ગ્રેડ આપવામાં આવે છે, જેમાં પત્તી અને ભૂકી એમ બે મુખ્ય ગ્રેડ છે. પત્તી ઑરેન્જ પીકો વગેરે નામથી ઓળખાય છે. રેસ્ટોરાં અને કૅન્ટીનમાં જલદીથી ચા બનાવવાની હોય ત્યારે જુદા જુદા પ્રકારોની ભૂકી વપરાય છે.

લીલી ચા : લાકડાના મોટા કૂંડામાં ચાનાં પાંદડાં ગોઠવીને તેમાંથી વરાળ પસાર કરવામાં આવે છે, જેથી પાંદડાંના મૂળ રંગમાં કોઈ પરિવર્તન થતું નથી. ત્યાંથી તેને યંત્રમાં પીલી, સૂકવી નાખવામાં આવતાં લીલી ચા તૈયાર થાય છે.

ઊલૉંગ ચા : ચાનાં પાંદડાંને અંશત: આથવણ કરી સૂકવવાથી લીલાશપડતા ભૂખરા રંગની ચા મળે છે, જેને ઊલૉંગ ચા કહેવામાં આવે છે. આ ચામાં વિશિષ્ટ પ્રકારની સુવાસ વધુ હોય છે. મોગરાની સુગંધીવાળી ચા પણ મળે છે. તેમાં મોગરાનાં ફૂલને ચાની પત્તી સાથે જ સૂકવી પછી જુદાં કાઢી લેવામાં આવે છે.

લેટપેટ કે લેપેટ ચા : આ પ્રકારની ચાને બર્મામાં સંગ્રહાયેલ શાકભાજી કે અથાણા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચાની લીલી પત્તીને ઉકાળી કે વરાળથી બાફી ખાડામાં સંગ્રહીને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાય છે.

તત્ક્ષણ (instant tea) અથવા દ્રાવ્ય (soluble) ચા : આ પ્રકારની ચાના ઉત્પાદન માટે મોટા પાયા પર ચાનું નિ:સ્રવન (brewing) કરી દ્રાવણમાંથી શુષ્કન વિધિ દ્ધારા પાણીને દૂર કરવામાં આવે છે. વિધિ પૂર્ણ થતાં પાઉડર બાકી રહે છે. આવી ચાને ગરમ પાણીમાં ઉમેરતાં તરત જ પીવા માટે તૈયાર ચા મળે છે.

જુદા જુદા દેશોમાં અને એક જ દેશમાં જુદી જુદી જગ્યાએ ઉગાડેલી ચાનાં સ્વાદ અને સોડમમાં પણ ફેર હોય છે. શ્રેષ્ઠ ચા મેળવવા માટે દરેક કંપની ચાની પરખ કરનારા (tea-tasters) રાખે છે, જે શ્રેષ્ઠ ચા પસંદ કરી આપે છે. આવી ચાનું સંમિશ્રણ (blending) કરીને કંપની તેને બહાર વેચવા માટે કાઢે છે અને તેને તે કંપનીનું વિશિષ્ટ (brand) નામ આપવામાં આવે છે, જેનાથી તે કંપનીની ચા જાણીતી બને છે.

ચાના રોગો : 1946ના વર્ષમાં શ્રીલંકા અને ભારતમાં 2 મહિનામાં ચાના છોડને ઉત્સ્ફોટિત સુકારા (blister blight) નામના રોગને લીધે પારાવાર નુકસાન થયેલું. આમ છતાં તે વખતે તે રોગ પ્રત્યે બહુ ધ્યાન આપવામાં આવેલું નહિ. 3 વર્ષ પછી સુમાત્રામાં 10,000 હેક્ટરમાં વાવેલ ચાના છોડ આ રોગથી જ સમગ્ર રીતે નાશ પામેલા. હાલમાં આ રોગથી લગભગ 30 % ચાના પાકને ખરાબ અસર થાય છે અને તેમાં પણ અગ્નિએશિયાના ભાગમાં આ રોગ વધુ જોવા મળે છે. આ રોગ ફક્ત પાંદડાંને જ લાગુ પડે છે, પણ કેટલીક વખત તેમાં તાજી ઊગેલી ડાળખીઓ અને કલિકાઓ પર પણ તેની અસર જોવા મળે છે. શરૂઆતમાં મોટે ભાગે તેના પર ગોળ અને અર્ધપારદર્શક, કેટલીક વખતે આછા ગુલાબી રંગના ડાઘા દેખાય છે. તે મોટા થતાં ચાનાં પાંદડાંની ઉપલી સપાટી પર અંતર્ગોળ ખાડા પડે છે. આ ખાડાનું ભંજન (rupture) થતાં તેમાંથી હજારોની સંખ્યામાં Exobasidium vixam નામની ફૂગના શ્લેષ્માવરણ (mucilaginous cover) બીજાણુ છૂટા પડે છે. આ નાજુક પ્રકણી બીજાણુ (basidiospores), સૂર્યના તાપમાં અને 35° સે. તાપમાને નાશ પામી શકે છે, તે હવામાં ઊડતાં ઊડતાં બીજે વેરાય છે અને 80 % ભેજયુક્ત હવામાં ફક્ત 2 કલાકમાં ઊગે છે. તે 5 દિવસ સુધી સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. રોગ શરૂ થતાં 24 કલાકમાં તે ફરીથી ઊગે છે, 3થી 10 દિવસમાં ઉષ્માયન (incubation) થાય છે, 6થી 9 દિવસમાં દ્વિતીયક વિક્ષત (secondary lesion) દેખાયા પછી 10થી 20 દિવસમાં બીજાણુ ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુનું ઉત્પાદન મધ્યરાત્રિ અને સવારના 4 વાગ્યા દરમિયાન થતું હોય છે. નીચા તાપમાને અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને વધુ ઊંચાઈએ આ રોગ થતો નથી, પણ સૂર્યપ્રકાશ અને આંતરે દિવસે થતો વરસાદ રોગને વધુ ઉત્તેજિત કરે છે.

ચા ઉગાડવામાં આવે છે ત્યાં સામાન્ય રીતે ભારે વરસાદ પડતો હોય છે. કૉપર ઑક્સાઇડ અથવા કૉપર ઑક્સિક્લોરાઇડનો છંટકાવ રોગને નિયંત્રણમાં રાખે છે.

1500 મીટરની ઊંચાઈએ ચાનાં પાંદડાં પર તૈલી ડાઘાનો રોગ જોવા મળે છે, જે ફક્ત શ્રીલંકા પૂરતો મર્યાદિત છે. આ રોગ અજ્ઞાત ફૂગને લીધે થતો હોય છે તેમ માનવામાં આવે છે. ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાથી પણ રોગ નિયંત્રણમાં આવતો નથી. ચાના રસવાહિની-ક્ષય (phloemnecrosis) નામના રોગમાં પાન ગૂંચળા આકારનાં બની જાય છે, આંતરગાંઠ (internode) ટૂંકી હોય છે અને ડાળખીઓ વાંકીચૂકી ઊગે છે. આ સંકીર્ણ રોગમાં રસવાહિનીની અંદરની સપાટી પર અવ્યવસ્થિત ડાઘા જોવા મળે છે. આ રોગ પણ શ્રીલંકાના ચાના બગીચામાં જોવા મળે છે. 70 % રોગ 1200 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. 1650 મીટરની ઊંચાઈએ તે વધુ વ્યાપક હોય છે. આ રોગ જમીનજન્ય નથી પણ ચાના છોડ પર કલમ કરતી વખતે ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે આવા છોડને દૂર કરી નવો છોડ વાવવામાં આવે છે.

છોડની ડાળ અથવા આખા છોડ પર પાંદડાંનો રંગ તપખીરિયો થઈ જાય છે. કૉલર અને ડાળખી પર પડેલ ચાંદાંનો રોગ phomopsis theaeને લીધે થતો હોય છે. નાના છોડવાને કાપવાથી થતી ઈજાને લીધે છાલ પર ચાંદાં પડે છે, જે ફૂગનાશક દવાના ઉપયોગથી નિયંત્રણમાં આવી જાય છે. કર્બુરિત ભીંગડાં (mottle scale, Elsinoe theae) પ્રકારના રોગમાં પાકાં પાંદડાં પર અવ્યવસ્થિત ખૂણાવાળાં ઘાડાં ચાઠાં પડે છે. સફેદ ભીંગડાં (Elsinoe leucospilae) રંગે ઘાટાં હોય છે. અને નાનાં નાનાં પાંદડાંની બંને બાજુએ જોવા મળે છે; તે 1થી 3 મિમી. ત્રિજ્યા ધારણ કરે છે અને ધીમે ધીમે ગોળ આકાર ધારણ કરે છે. બંને પ્રકારના રોગો સામાન્ય છે.

ચાના મૂળના રોગો : લાલ મૂળ (Poria hypobrunnea), સફેદ મૂળ વિગલન (Rosellinia nectrin), લાલ મૂળ વિગલન(Helico basidium compactum), આર્મિલેરિયા મૂળ વિગલન, (Armillariella mellea) અને યુસ્ટૂલિના ઝોનાટા ચાના રોગો છે. ચાના મૂળના રોગો નજીકના છોડ સુધી પ્રસરે નહિ ત્યાં સુધી દેખા દેતા નથી. આ રોગનું નિયંત્રણ શક્ય નથી એટલે રોગગ્રસ્ત છોડવાને દૂર કરી નવા છોડવા વાવવા પડે છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

પ્રવીણસાગર સત્યપંથી

જિગીશ દેરાસરી