આરિયોસ્તો, લુદોવિકો (જ. 8 સપ્ટેમ્બર 1474, રેગિયો, ઍમિલિયા, ઇટાલી; અ. 6 જુલાઈ 1533, ફેરારા, ઇટાલી) : ઇટાલિયન કવિ તથા નાટકકાર. ફેરારાના રાજદરબારમાં યૌવનના આરંભનો સમય વિતાવ્યા પછી પિતાના આદેશથી કાયદાના અભ્યાસમાં આરિયોસ્તોએ પાંચ વર્ષ વ્યતીત કર્યાં. પછી પ્રશિષ્ટ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસને રસનો વિષય બનાવી, કાતુલ્લસ અને હૉરૅસના પ્રભાવ તળે આવી લૅટિન ભાષામાં કરુણપ્રશસ્તિઓ (elegies), મુક્તકો (epigrams) અને ચિંતનગર્ભ કાવ્યો (odes) રચ્યાં. પિતાના મૃત્યુ પછી સાહિત્યકાર્ય એક બાજુએ મૂકી જીવનનિર્વાહ અર્થે સચિવ તરીકે નોકરી સ્વીકારી. રાજકારણના પ્રશ્નો ઊંડો અભ્યાસ કર્યો. આ અર્થે આખાય ઇટાલીનો એમણે અનેક વાર પ્રવાસ ખેડ્યો. ડ્યૂક ઑવ્ ફેરારાની સેવામાં 1518માં જોડાઈ આરિયોસ્તો ક્રમે ક્રમે સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષસ્થાને પહોંચ્યા. આરિયોસ્તોએ અનેક નાટ્યશાળાઓનું નિર્માણ કરી અસંખ્ય નાટકોથી ઇટાલીની રંગભૂમિ સમૃદ્ધ કરી. પ્લોટસ અને ટેરેન્સના પ્રભાવ તળે આરંભમાં રચાયેલાં એમનાં સુખાંત નાટકો (comedies) ઉલ્લેખનીય ગણાય છે.
પુનરુત્થાનકાળ દરમિયાન આખાય યુરોપના સાહિત્ય પર જે કૃતિ-‘ઑરલેન્ડો ફ્યુરિયોસો’નો અનન્ય પ્રભાવ પડ્યો તેના સર્જનમાં આરિયોસ્તોએ 32 વર્ષ લીધાં હતાં. અનેક વાર આ કૃતિને મઠાર્યા પછી 1532માં તેની પરિશુદ્ધ આવૃત્તિ બહાર પડી. 46 સર્ગોમાં વિભક્ત અને 1,500 પૃષ્ઠોમાં વ્યાપેલા આ રંગદર્શી મહાકાવ્યમાં ઑરલેન્ડોનાં અપ્રતિમ સાહસો રોમાંચક શૈલીમાં આલેખાયેલાં છે. મધ્યયુગીન સામંતશાહીનાં વિવિધ ભભકભર્યાં ચિત્રો એમાં છે. પ્રણય, શૌર્ય, યુદ્ધકૌશલ આદિ મધ્યયુગીન સમાજજીવન અને રાજ્યજીવન સાથે સંકળાયેલા અસંખ્ય પ્રસંગો અહીં આધિભૌતિક સ્તરે તેમજ રૂપકના સ્તરે પ્રયોજાયા છે.
ઓટાવારી છંદમાં પદબંધમાં વહેતા આ મહાકાવ્યમાં કવિએ પ્રશિષ્ટ-મધ્યયુગીન અને પુનરુત્થાનકાલીન વસ્તુવૈવિધ્ય અને શૈલી-વૈવિધ્યનો સુભગ સમન્વય સાધ્યો છે. ફ્રેંચ કવિજનો ઉપર તેમજ સ્પેન્સર અને મિલ્ટન ઉપર પણ આરિયોસ્તોનો પ્રભાવ ઉલ્લેખનીય ગણાય છે.
નલિન રાવળ