‘ચંદ્રિકા’કાર (આશરે ઈ. સ. નવમી સદી) : ‘ધ્વન્યાલોક’ના ટીકાકાર અને અભિનવગુપ્તના પૂર્વજ. અભિનવગુપ્તકૃત ‘લોચન’ પરથી તેમના વિશે જાણવા મળે છે. તેમણે ‘ચંદ્રિકા’માં ધ્વન્યાલોકની કડક આલોચના કરી હતી. આ લુપ્ત ટીકાનો ઉલ્લેખ મહિમભટ્ટ તેમના ‘વ્યક્તિવિવેક’માં અને સોમેશ્વર અને માણિક્યચંદ્ર તેમની ‘કાવ્યપ્રકાશ’ ઉપરની ‘સંકેત’ ટીકામાં કરે છે. આ સિવાય તેમના મૂળ નામ વગેરે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
‘કાવ્યપ્રકાશ’ ઉપર ‘ઉદાહરણચંદ્રિકા’ નામની ટીકા રચનાર પ્રસિદ્ધ નૈયાયિક પં. વૈદ્યનાથ તત્સત્ (ઈ. સ. 1684) પણ ‘ચંદ્રિકા’કાર તરીકે જાણીતા છે. તેમણે કુવલયાનંદ ઉપર પણ ‘ચંદ્રિકા’ નામની ટીકા રચી છે. તે વિઠ્ઠલ ભટ્ટના પુત્ર રામ ભટ્ટના પુત્ર હતા. નાગેશ ભટ્ટ પણ તેમનો ઉલ્લેખ કરે છે. ‘કાવ્યપ્રકાશ’ ઉપરની ‘ઉદાહરણચંદ્રિકા’માં ગોવિંદ ઠક્કુરની ‘ઉદાહરણદીપિકા’નું અનુસરણ કરવામાં આવ્યું છે. તેમના ‘કાવ્યપ્રદીપ’ પર પણ તેમણે ‘પ્રભા’ ટીકા રચી છે. બંને ટીકામાં તેમણે નૈયાયિક રીતિથી વ્યાખ્યા કરી છે, ‘ઉદ્યોત’કારની જેમ વૈયાકરણ રીતિથી નહિ. તેમની ટીકામાં ચંડીદાસ, સુબુદ્ધિમિશ્ર, ‘દીપિકા’કાર (= ગોવિંદ ઠક્કુર), ચક્રવર્તી અને મહેશનો ઉલ્લેખ છે.
પારુલ માંકડ