(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ)

January, 2012

(પૂર્ણ) ચંદ્રોદય રસ (મકરધ્વજ) : આયુર્વેદિક ઔષધિ.

નિર્માણ : બીરબહૂટી અને 7 ઉપવિષોથી બુભુક્ષિત કરેલ પારો 80 ગ્રામ, સોનાનાં વરક 10 ગ્રામ અને શુદ્ધ ગંધક 160 ગ્રામ લેવા. પ્રથમ પારો અને સોનાના વરખ એકત્ર કરી 3 દિવસ લીંબુના રસમાં તેમનું ખરલ કરવામાં આવે છે. રોજ સવારમાં તેમાં 10-10 ગ્રામ સિંધવચૂર્ણ મેળવવામાં આવે છે. ચોથે દિવસે પારાને 3-4 વાર પાણીથી ધોઈ અંદરનો ક્ષાર કાઢી નાંખવામાં આવે છે. તે પછી તે પારદ-ચૂર્ણને ખરલમાં લઈ, તેમાં ગંધક-ચૂર્ણ મેળવી, તેની કજ્જલી બનાવી, તેમાં લાલ કપાસનાં ફૂલોનો રસ તથા કુંવારના રસમાં 3-3 દિવસ દવા ખરલ કરી સૂકવવામાં આવે છે. પછી તેને આતશ શીશીમાં ભરી, વાલુકાયંત્રમાં શીશી મૂકીને 24 કલાક અગ્નિ આપવાથી ચંદ્રોદય રસ બને છે. આ ઔષધ અનુભવી રસવૈદ્ય જ બનાવી શકે છે.

માત્રા : અનુપાન : 120–360 મિગ્રા. દવા દિનમાં 1 કે 2 વાર મધ અથવા નાગરવેલ કે આદાના રસ તથા મધમાં અપાય છે.

આ રસ-ઔષધિને ‘પૂર્ણ ચંદ્રોદય રસ’ કે ‘સુવર્ણ મકરધ્વજ’ પણ કહે છે.

ગુણધર્મઉપયોગ : આયુર્વેદની આ એક ખૂબ જ પ્રભાવશાળી અને કીમતી રસઔષધિ છે. આ રસ હૃદયને પુષ્ટિ તથા નવીન બળ આપનાર, ઉત્તમ વાજીકર (aphrodisiac), રસાયણ, રક્તશુદ્ધકર્તા, પ્રતિજૈવિક (antibiotic), વિષશામક (antidote) અને યોગવાહી છે. આ રસૌષધિનો વૈદ્યો ખાસ પુરુષના જાતીય દર્દો તથા હૃદયની નબળાઈમાં ઉપયોગ કરે છે. તે પુરુષના વીર્યની નબળાઈ (અલ્પતા), શુક્રાણુની અલ્પતા, વીર્યસ્રાવ, સ્વપ્નદોષ ઇંદ્રિયની જાગૃતિનો અભાવ કે અલ્પ ઉત્થાન, (શારીરિક કે માનસિક) નપુસંકતા, કામેચ્છાની મંદતા, ઉત્તેજનામાં ખામી વગેરેમાં ખૂબ વિશ્વસનીય અને પ્રભાવશાળી ઔષધિ છે. તે કફદોષથી થયેલાં દર્દો, ક્ષય (ટી.બી.) રોગ, હૃદયની પંપિંગ શક્તિની ખામી, હૃદયની નિર્બળતા, મંદ-સ્પંદન, હૃદયપોષક રક્તવાહિનીઓમાં રક્તવહનની ખામી, હાર્ટફેઇલ થવાની સ્થિતિ; જીર્ણજ્વર, શ્વાસ, પ્રમેહ, વિષવિકાર, મંદાગ્નિ, અપસ્માર (વાઇ = epilepsy) તથા માનસિક નબળાઈને કારણે ઉત્સાહ-સ્ફૂર્તિના અભાવને દૂર કરી, તે પુરુષનાં વીર્ય, બળ અને આયુષ્યની વૃદ્ધિ કરે છે. રોગનાં સૂક્ષ્મ જંતુઓના નાશકર્તા તરીકે આ રસ એક ઉત્તમ પ્રકારની ઔષધિ છે; જે શરીરને નુકસાન કર્યા વિના રોગનાં જંતુનો નાશ કરે છે. તે ક્ષય (ટી.બી.) તથા ઉર:ક્ષત રોગમાં વ્રણરોપક તરીકે પણ મહત્ત્વનું કાર્ય કરી, સ્વાસ્થ્ય આપે છે.

યુવતીનાં ગુપ્તાંગો (ગર્ભાશય અને અંડપિંડો) તથા સ્તનો મોટી ઉંમર થવા છતાં વિકસતાં ન હોય કે યુવાનના શુક્રપિંડોનો તથા શિશ્નનો પૂરો વિકાસ ન થયો હોય કે દાઢી-મૂછના વાળ ન ઊગ્યા હોય, શરીરનો વિકાસ જેવો થવો જોઈએ તેવો ન થયો હોય; શરીર ઠીંગણું, નિસ્તેજ અને પ્રભાવહીન લાગતું હોય; ચામડી, નખ વગેરે સુક્કા અને આંખો નિસ્તેજ લાગતી હોય ત્યારે, આ રસૌષધિના સેવનથી ઇંદ્રિયશિથિલતા દૂર થઈ પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. વળી તે સંનિપાત જ્વર વખતે થયેલ કફપ્રકોપને, મસ્તિષ્કાવરણ શોથ(meningitis)ને તથા કફદોષજ ઉન્માદ (પાગલપણ) રોગને પણ મટાડે છે.

આ રસૌષધિ કફદોષપ્રધાન રોગ કે પ્રકૃતિવાળાને તથા જેમના હૃદય તથા હસ્તનાડીની ગતિ મંદ હોય તેમને વધુ અનુકૂળ પડે છે. આ ઔષધિની તાસીર ગરમ હોઈ, તે પિત્ત (ગરમીની) પ્રકૃતિના લોકોને ગરમીનાં દર્દીઓને કે ઉચ્ચ રક્તદાબના દર્દીને કે હૃદયસ્પંદનો ખૂબ વધુ અને તીવ્ર હોય તેવાને આપવી હિતાવહ નથી. આ દવાના સેવન વખતે દર્દીને ઘી-દૂધ-માખણ; મીઠા પદાર્થો, અડદ-ઘઉંની શક્તિવર્ધક ચીજો તથા ફળોનું સેવન કરવું ખાસ જરૂરી છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા

બળદેવપ્રસાદ પનારા